SURAT

પત્નીએ અશ્લીલ વિડીયો જોવાની ના પાડતા પતિએ જીવતી સળગાવી દીધી, કતારગામની હિંચકારી ઘટના

સુરત: સુરતમાં ખૂબ જ શરમજનક અને હિંચકારી ઘટના બની છે. અહીં અશ્લીલ વીડિયો જોવાની લત ધરાવતા એક પતિએ લાજ શરમ નેવે મુકીને પત્ની સાથે ન કરવાનું કાર્ય કર્યું છે. હવસના લીધે હેવાન બની ગયેલા પતિએ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ તેનું મર્ડર કરી નાંખ્યું છે.

  • કતારગામની ધ્રુવતારક સોસાયટીની ઘટના
  • હીરાના કારખાનામાં કામ કરતા પતિએ પત્નીનું મર્ડર કર્યું
  • ટર્પેન્ટાઈલ નાંખી પત્નીને જીવતી સળગાવી દીધી, સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત થયું
  • એક વર્ષ પહેલાં જ પાલનપુરના કિશોર અને મુંબઈની કાજલના લગ્ન થયા હતા
  • પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

આ હિંચકારી ઘટના કતારગામ વિસ્તારની છે. અહીંની ધ્રુવતારક સોસાયટીમાં કિશોર જવેર પટેલ પત્ની કાજલ સાથે રહે છે. કિશોર પટેલનું મૂળ વતન બનાસકાંઠાના પાલનપુર તાલુકાનું સલ્લા ગામ છે. કિશોર પટેલ અહીં હીરાના કારખાનામાં નોકરી કરતો હતો. તેના લગ્ન રાજેશ મિશ્રાની દીકરી કાજલ સાથે એક વર્ષ પહેલાં થયા હતા. કાજલ મૂળ મુંબઈના કુર્લાની રહેવાસી હતી. બંને વચ્ચે મન મેળ નહોતો. કિશોરને અશ્લીલ ગંદા વીડિયો જોવાની ટેવ હોય અવારનવાર પતિ-પત્ની વચ્ચે આ મામલે ઝઘડો થતો હતો. દરમિયાન ગઈ તા. 19મી ફેબ્રુઆરીની રાતે બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું.

દરમિયાન ગઈ તા. 20મી ફેબ્રુઆરીને સોમવારની સવારે કાજલને છાતીમાં દુ:ખાવો થતા તેણીએ પતિ કિશોરને દવા લેવા જવાનું કહ્યું હતું. આ મુદ્દે ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ‘તુ મને ગમતી નથી અને તુ અહીંથી તારા પિતાને ઘરે ચાલી જા હું તને પાંચ લાખ રૂપિયા આપીશ’ તેમ કહી કિશોરે પત્ની કાજલને માતા પિતાના ઘરે ચાલી જવા કહ્યું હતું. પરંતુ કાજલ પિયર જવા માગતી નહીં હોય તેણીએ ના પાડી હતી. આથી ઝઘડો ઉગ્ર બન્યો હતો. પતિ કિશોરે ઉશ્કેરાઈ જઈ બાથરૂમમાં પડેલું ટર્પેન્ટાઈન કે કેરોસીન જેવું જ્વલનશીલ પદાર્થ લાવી પત્ની કાજલ પર નાંખી દઈ તેને સળગાવી દીધી હતી.

સળગાવ્યા બાદ પતિ જાતે જ દાઝેલી પત્નીને સ્મીમેરમાં લઈ ગયો
પત્ની કાજલને સળગાવ્યા બાદ પતિ કિશોર જાતે જ બપોરે પત્ની કાજલને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. અહીં કિશોરે પત્નીએ જાતે અગ્નિસ્નાન કરાવ્યું હોવાની નોંધ કરાવી હતી. જોકે, કાજલ હોંશમાં આવતા પોલીસે તેનું સ્ટેટમેન્ટ લીધું ત્યારે ભાંડો ફૂટ્યો હતો. પત્ની કાજલે પોલીસને નિવેદન આપ્યુ હતું કે તેણીને પતિ કિશોરે તેને સળગાવી છે. આ નિવેદન બાદ પોલીસે પતિની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.

સ્મીમેરમાં રિબાઈ રિબાઈને કાજલનું મોત થયું, પતિની ધરપકડ
20મી ફેબ્રુઆરીની સવારે બનેલી આ ઘટના બાદ કાજલને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. સ્મીમેરમાં તબીબોએ તેણીને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ તે વધુ દાઝી ગઈ હોવાના લીધે તેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ કેસમાં આરોપી પતિ કિશોરની ધરપકડ કરી લીધી છે.

Most Popular

To Top