Madhya Gujarat

ડાકોર મંદિરે ફાગણી પુનમે વહેલી સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં વર્ષ દરમિયાન ઉજવાતી બાર પુનમ પૈકી ફાગણી પુનમનાં દિવસે ઠાકોરજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. જેને પગલે દર વર્ષે ફાગણી પુનમના મેળા દરમિયાન 10 લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓ મંદિરમાં ઉમટી પડે છે. આ વર્ષે પણ ફાગણી પુનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ દર્શનાર્થે ઉમટી પડવાનો અંદાજ છે. ત્યારે કોઈ શ્રધ્ધાળુઓ ડાકોરના ઠાકોરના દર્શનથી વંચિત રહી ન જાય તે હેતુસર મંદિરના મેનેજર તેમજ સેવક આગેવાનો દ્વારા દર વખતની જેમ આ વખતે પણ ફાગણી પુનમ દરમિયાન દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

મંદિરના મેનેજર તેમજ સેવક આગેવાનો દ્વારા નક્કી કર્યાં મુજબ તા.7-3-23 ને મંગળવારના રોજ ફાગણ સુદ પુનમ નિમિત્તે વહેલી સવારે 3-45 વાગ્યે નિજમંદિર ખુલી 4 વાગ્યે મંગળા આરતી થશે. જે દર્શન સવારે 7-30 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 7-30 થી 8 વાગ્યા દરમિયાન ઠાકોરજી બાલભોગ, શ્રૃંગારભોગ અને ગોવાળભોગ એમ ત્રણેય ભોગ એકસાથે ટેરામાં આરોગવા બિરાજશે. જે દરમિયાન દર્શન બંધ રહેશે. જે બાદ સવારે 8 થી બપોરે 2-30 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. બપોરે 2-30 થી 3 વાગ્યા દરમિયાન ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે.

જે દરમિયાન દર્શન બંધ રહેશે. જે બાદ બપોરે 3 થી સાંજે 5-30 સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજે 5-30 થી 6 દરમિયાન ઠાકોરજી પોઢી જનાર હોઈ મંદિર બંધ રહેશે. જે બાદ સાંજે 6 વાગ્યે મંદિર ખુલી, ઉત્થાપન આરતી થશે. આ દર્શન રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લાં રહેશે. રાત્રે 8 થી 8-15 દરમિયાન ઠાકોરજી શયનભોગ આરોગવા બિરાજશે. આ સમયગાળા દરમિયાન દર્શન બંધ રહેશે. જે બાદ રાત્રે 8-15 વાગ્યે દર્શન ખુલી, શયનભોગ આરતી થશે. જે બાદ નિત્યક્રમાનુસાર સેવા-પુજા બાદ, શયનભોગ આરોગી ઠાકોરજી અનુકુળતાએ પોઢી જશે અને મંદિર બંધ થઈ જશે.

ચૌદશના દિવસે પણ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો
યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં આમલકી એકાદશીથી એકલ-દોકલ પદયાત્રીકોનું આગમન થવા લાગે છે. જોકે, ભક્તોનો ખરો ઘસારો ફાગણ સુદ તેરસની સાંજે નગરમાં જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખી મંદિર પ્રસાશન દ્વારા ફાગણ સુદ ચૌદશના દિવસે પણ દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા.6-3-23 ને સોમવારના રોજ ફાગણ સુદ ચૌદશ નિમિત્તે વહેલી સવારે 4-45 વાગ્યે નિજમંદિર ખુલી 5 વાગ્યે મંગળા આરતી થશે. જે દર્શન સવારે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સવારે 8 થી 8-30 દરમિયાન ઠાકોરજી બાલભોગ, શૃંગારભોગ અને ગોવાળભોગ એમ ત્રણેય ભોગ ટેરામાં આરોગવા બિરાજશે. જે દરમિયાન દર્શન બંધ રહેશે.

Most Popular

To Top