નડિયાદ: વાસદના એક શખ્સે સેવાકીય સંસ્થાના બેનર હેઠળ ગરીબ મહિલાઓને રાહતદરે સીલાઈ મશીન આપવાની સ્કીમ મુકી હતી. જે બાદ આ શખ્સે સંસ્થામાં નોકરી અર્થે રાખેલી એક યુવતિ મારફતે આ સ્કીમમાં 9 મહિલાઓને જોડી, તેમની પાસેથી કુલ રૂ.35,500 ઉઘરાવ્યાં બાદ, સીલાઈ મશીન ન આપી છેતરપિંડી આચરી હતી. આ મામલે વાસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના લક્કડપુરા ગામમા રહેતી 19 વર્ષીય પ્રિયા અરવિંદભાઈ ઠાકોર ગત તા.30-1-23 ના રોજ વાસદ સ્થિત પ્રાશ્વ કોમ્પ્લેક્ષમાં નવી ખુલેલી એક ઓફિસના ઉદઘાટનમાં હાજરી આપવા ગયા હતાં. તે વખતે તેમની મુલાકાત તે જ કોમ્પ્લેક્ષમાં પાલન સેવા સંસ્થાની ઓફિસ ધરાવતાં ગીરધરભાઈ શામળભાઈ પરમાર (હાલ રહે. રાધાકુંજ સોસાયટી, વાસદ, મુળ રહે.માલપુર, તા.વડાલી, જિ.સાબરકાંઠા) સાથે થઈ હતી. દરમિયાન ગીરધરભાઈએ પાલન સેવા સંસ્થાની સેવાકીય કામગીરી અંગે પ્રિયા ઠાકોરને જણાવ્યું હતું.
તદુપરાંત સંસ્થા તરફથી મહિલાઓને 50 ટકા રાહતમાં સીલાઈ મશીન આપવામાં આવતું હોવા અંગેની માહિતી આપી હતી. તેમજ સંસ્થામાં નોકરી માટે જગ્યા ખાલી હોવાનું પણ કહ્યું હતું. જે તે વખતે પ્રિયાને નોકરીની જરૂર હોવાથી તેણે નોકરી કરવાની તૈયારી દર્શાવી હતી. જેના બે દિવસ બાદ તા.1-2-23 ના રોજથી પ્રિયાએ નોકરી શરૂ પણ કરી દીધી હતી. દરમિયાન ગીરધરભાઈએ રૂ.10,500 કિંમતનું સીલાઈ મશીન રૂ.4500 માં ગરીબ મહિલાઓને આપવાનું હોવાની સ્કીમ સમજાવી હતી. જે મુજબ પ્રિયા ઠાકોરે લક્કડપુરા ગામની કુલ 9 મહિલાઓને રાહતદરે સીલાઈ મશીન ખરીદવા તૈયાર કરી હતી અને તમામ નવ મહિલાઓ પાસેથી કુલ 35,500 રૂપિયા ઉઘરાવી ગીરધરભાઈ પરમારને આપ્યાં હતાં.
જે તે વખતે ગીરધરભાઈએ 10-15 દિવસમાં સીલાઈ મશીન આવી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ, સાડા ત્રણ મહિના બાદ પણ સીલાઈ મશીન આવ્યાં ન હતાં. બીજી બાજુ ગીરધરભાઈ વિરૂધ્ધ સન 2020 ની સાલમાં ભીલોડા પોલીસમથકમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ હોવાનું પ્રિયા ઠાકોરના ધ્યાને આવ્યું હતું. જેથી પ્રિયાએ તરત જ ગીરધરભાઈને ફોન કરી સીલાઈ મશીન લેવાની ના પાડી દીધી હતી અને આપેલ રૂપિયા પરત માંગ્યાં હતાં. પરંતુ, ગીરધરભાઈએ વાયદાઓ કરી, આજદિન સુધી પ્રિયા ઠાકોરને સીલાઈ મશીન કે રૂપિયા ન આપી છેતરપિંડી આચરી હતી. આ મામલે પ્રિયા ઠાકોરની ફરીયાદને આધારે વાસદ પોલીસે ગીરધરભાઈ પરમાર સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.