પલસાણા: (Palsana) એલ એન્ડ ટી કંપની (L & T Company) અંતર્ગત ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ મેનેજરે ક્રિપ્ટો કરન્સીમાં ઓનલાઇન ત્રણ ગણા રૂપિયા કમાવવાની લાલચમાં દશ લાખ ઉપરાંતની રકમ ગણાવી છે. પહેલા જુદી જુદી રીતે યુ ટ્યુબ (YouTube) અને ઇન્સ્ટાગ્રામના (Instagram) માધ્યમ થકી રૂપિયા કમાવવાની લાલચ આપી બે ત્રણ વખત ચીટરોએ (Cheater) તેમના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતાં. જો કે, ત્યારબાદ તેમણે મોટી રકમનું રોકાણ કરી દેતા ચીટરોએ સંપર્ક કાપી નાંખ્યો હતો. ઠગાઇ થઇ હોવાની પ્રતિતિ થતાં તેમણે કડોદર પોલીસમથકમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી મુજબ કડોદરા સ્થિત ગણેશ ગેસ્ટ હાઉસમાં રહેતા દિવ્યજ વિરેન્દ્રકુમાર વાપ્નેય (ઉ.વ.33) એલ એન્ડ ટી કંપનીમાં ત્રણ મહિનાથી આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. એલ એન્ડ ટી કંપની પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ હોવાથી તેમને મોહણી ગામ ખાતે ફરજ સોંપવામાં આવી છે. થોડા દિવસ અગાઉ તેમને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે તેની ઓળખાણ મીરા તરીકે આપી હતી. તેણે તેમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી પણ રૂપિયા કમાઇ શકાય છે તેવી જાણકારી આપી હતી. દિવ્યજે રૂપિયા કમાવવા માટેની હા પાડતા આ મહિલાએ તેમના બેંક ખાતાની વિગતો મેળવી તેમના નામની યુ ટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની આઇડી બનાવી હતી. તેમને જુદી જુદી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. તેમને જે ટાસ્ક આપવામાં આવતો હતો તે પૂર્ણ થયા પછી તેમના એકાઉન્ટમાં પહેલા 1500 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતાં.
બીજો ટાસ્ક પૂર્ણ થતાં 2000 અને ત્રીજો ટાસ્ક પૂર્ણ થતાં તેમના ખાતામાં 2700 રૂપિયા જમા થઇ ગયા હતાં. હવે આ આસિસ્ટન્ટ મેનેજર જાળમાં ફસાઇ ગયો હોવાનો વિશ્વાસ આવી જતાં ઠગ ટોળકીએ તેમને અન્ય એક આઇડી ઉપર જઇ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી ત્રણ ગણા રૂપિયા મળશે તેવી લાલચ આપી હતી. તેમણે જે નાની અમાઉન્ટની ક્રિપ્ટો કરન્સી ખરીદી હતી તે નાણા ડબલ થઇ ગયા હોવાનું ઓનલાઇન દેખાતું હોવાથી તેમની લાલચ વધી ગઇ હતી.આ ટોળકીએ જે એકાઉન્ટની વિગતો આપી હતી તેમાં તેમણે ટુકડે ટુકડે કરીને 10.13 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતાં. જો કે ત્યારબાદ આ ટોળકીએ સંપર્ક કાપી નાંખ્યો હતો. તેઓ ઠગાઇ ગયા હોવાનું જાણવા મળતા તેમણે સાયબર હેલ્પલાઇનમાં ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યાર બાદ આ બનાવ અંગે તેમણે કડોદરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે.