અમદાવાદ: રોજીંદા જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ આસમાને થયા છે. ખાદ્યતેલના (Oil) ભાવમાં છેલ્લા ત્રણ દિવસમાં ૧૫૦ રૂપિયાના થયેલા ભડકાથી સામાન્ય – મધ્યમવર્ગનું બજેટ (Budget) ખોરવી નાખ્યું છે. ગરીબ, સામાન્ય અને મધ્યમવર્ગે શું ખાવું? તે પ્રશ્ન છે. મોંઘવારીનો (Inflation) મારથી લડવા ભાજપ (BJP) સરકારનું નવું સૂત્ર ‘ઓછુ બનાવો ઓછું ખાવો, ભાષણથી ભૂખ મિટાવો’ હોય તે રીતે જીવન જીવવું મુશ્કેલ બનાવી દીધું છે. રાજ્યમાં લગ્નની સિઝન અને ધાર્મિક તહેવારો ચાલી રહી છે તેવામાં સિંગતેલ સહીત અન્ય ચીજવસ્તુમાં અસહ્ય ભાવ વધારો અને બીજી બાજુ સતત ઘટતી જતી આવકમાં કઈ રીતે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગે જીવન જીવવું તે યક્ષ પ્રશ્ન અંગે ભાજપ સરકાર મૌન છે.
સંગ્રહખોરો, કાળા બજારિયાને નાથવામાં નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ઘઉંનો લોટ, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જરૂરિયાતના સતત ભાવ વધી રહ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં લોટના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં, છૂટક લોટની કિંમત ૩૩-૩૫ રૂપિયા પ્રતિ કિલો, જ્યારે પેકમાં બ્રાન્ડેડ લોટ ૪૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ હોવા છતાં ભારતમાં લોટના ભાવ કેમ વધી રહ્યા છે? એક તરફ જનતા લુટાઈ રહી છે તેને રાહત અપાતી નથી બીજી તરફ ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદાયેલી એટલે કે પ્રતિ ક્વિન્ટલ ૨૦૧૫ રૂપિયે ખરીદ્યા હતા તે પૈકી સરકાર હવે ૩૦ લાખ ટન ઘઉં પ્રતિ ક્વિન્ટલ ૨૩૫૦ રૂપિયે વેચાણ કરશે એટલે કે રૂપિયા ૧૦૦૫ કરોડની નફાખોરી સરકાર કરશે આ છે ભાજપ સરકારની લૂંટનું મોડેલ.
હિરેન બેંકરએ વધુમાં કહ્યું હતું કે, ભાજપ સરકારની નીતિને કારણે રોટી અને રોજગાર ગાયબ થયો છે. ચુંટણી સમયે ભાજપને કરોડો રૂપિયાનું ફંડ આપનાર તેલિયા રાજાઓ ચૂંટણી પતી ગયા બાદ મન ફાવે તે રીતે ગુજરાતની જનતાને લૂંટી રહ્યાં છે. ભાજપ સરકારનું મોઘવારી મુદ્દે સૂચક મૌન તેની સાબિતી છે. દૂધ, દહીં, કઠોળ, શાકભાજી સહિત તમામ વસ્તુઓના ભાવ વધારોમાં ગુજરાતની ગૃહિણીઓનું ઘર સંભાળવાનું મુશ્કેલ બન્યુ છે, ત્યારે ઘઉંનો લોટ, દૂધ, દહીં, મીઠું, મસાલા, સહીત રોજબરોજની જીવન જરૂરિયાત વસ્તુઓમાં અસહ્ય ભાવ વધારો ઓછો કરવા સરકાર પગલા ભરે અને જનતાને તાત્કાલિક લાભ આપે તેવી કોંગ્રેસ માંગ કરે છે.