એક દિવસ સાંજે સોસાયટીમાં બધા સીનીયર સીટીઝન આન્ટીઓ ભજન બાદ વાતોએ વળગ્યા.અને ધીમે ધીમે વાતો તેમના ફેવરીટ ટોપિક પર પહોંચી ગઈ. તેમનો અને બધા જ સીનીયર સિટીઝનોનો ફેવરીટ ટોપીક એટલે આજની યુવાન પેઢીના એક નહિ અનેક વાંક કાઢવા.કોકીકે પોતાની દીકરીને આળસુ કહી કે ‘બજારમાં કઈ લેવા જતી નથી , બધું ઘરે મંગાવે છે.’ કોઈકે પોતાના દીકરાને ઉડાઉ કહ્યો કે ‘૧૦૦ રૂપિયાની જગ્યાએ ૧૦૦૦ ખર્ચી નાખે છે.’ કોઈકે વહુ માટે કહ્યું કે ‘રસોઈ કરવી તેને ગમતી જ નથી, ચાર જણની રસોઈ કરવા મહારાજ રાખ્યો છે.’ કોઈકે જમાઈનો વાંક કાઢતા કહ્યું, ‘જમાઈ ખર્ચાળ છે પ્લેનમાં ઉડાઉડ કરે અને બ્રાન્ડેડ કપડા જ પહેરે છે.’
કોઈકે કહ્યું, ‘આ યુવાન પેઢી પોતાના બાળકોને લાડ કરીને બગાડે છે.’ થોડીવાર આવી ફરિયાદો ચાલી પછી વાતોએ વણાંક લીધો કે આમે તો આમ નહોતા કરતા ..જાતે કામ કરતા હતા …ચાલીને જતા હતા …ખર્ચા ઓછા કરી બચત કરતા હતા વગેરે વગેરે ….પછી વાત આગળ વધી કે આ યુવાન પેઢીએ સમજવું જોઈએ.પૈસા ખર્ચવા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ ….સમયનું ચક્ર ફરતું રહે છે …આજે પૈસા છે અને કાલે કદાચ નહિ હોય તો શું કરશે?? અમે તકલીફ અને ગરીબી જોઈ છે એટલે કહીએ છીએ પણ કોઈ સાંભળતું જ નથી….આ છે બધા જ સીનીયર સીટીઝનોના મનની વાત અને તેમની સતત કરતી ફરિયાદ …ઘરમાં બોલી ન શકે તો બધા ભેગાં થાય ત્યાં સાથે મળી બળાપો કાઢે.
ઘણીવારથી હેમાબહેન ચુપચાપ આ બધી વાતો સાંભળી રહ્યા હતા….એક ની એક ફરિયાદો સાંભળી તે થાક્યા અને ચુપ ન રહેવાતા એવું બોલ્યા કે બધા ચુપ થઇ ગયા.હેમા બહેને અચાનક કહ્યું, ‘તમે બધી એવી મા છો જેઓ પોતાના બાળકોથી ખુશ નથી …તેમની પ્રગતિથી ખુશ નથી …’ બધા અચાનક આવું સાંભળી ચુપ થઇ ગયા.યામિની બહેન ખીજાઈને બોલ્યા, ‘શું વાત કરો છો શું કામ કોઈ મા પોતાના બાળકોની પ્રગતિથી ખુશ ન થાય..પણ ખતા ખર્ચા થોડા કરાય ?’ હેમાબહેન બોલ્યા, ‘ખોટા ખર્ચા ન કરાય પણ તેમને પોસાતા હોય અને કરે તો તમને શું વાંધો છે???…તમને ઉડાઉ લાગે પણ બાળકો પોતાને ગમતી વસ્તુ માણે તો તમને શું તકલીફ થાય છે??
અને બાળકોની વધુને વધુ પ્રગતી થાય એમ ઈચ્છવાની બદલે તમે બધા શું બોલો છો આજે છે અને કાલે નહિ હોય તો શું થશે ??? આવું નકારાત્મક વિચારવાનું જ શું કામ ?? તમે સંઘર્ષ કર્યો એટલે એ લોકોએ પણ એમજ જીવવાનું એવી જીદ શું કામ ??તમે ગરીબીમાં દિવસો કાઢ્યા એટલે તમારા સંતાનો પર પણ તે દુઃખ આવશે એવું વિચારવાનું જ શું કામ ?? તમે જેમ જીવ્યા તમારી આજની પેઢી પણ એમ જ જીવે એવો આગ્રહ છોડી દો ઊલટું જીદ છોડી તેમની પાસેથી શીખી તેમની સાથે જીવો વધુ મોજ આવશે.’ હેમાબહેને બધાની આંખો ખોલી નાખી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.