SURAT

‘મારી સાથે સંબંધ નહીં રાખે તો તારો વીડિયો વાયરલ કરી દઈશ’, સુરતમાં પ્રેમીએ પ્રેમીકાને ધમકી આપી

સુરત: વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રેમીકાએ પ્રેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યાની અનોખી ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. પ્રેમીકાની ફરિયાદને પગલે 19 વર્ષીય પ્રેમી ભાગી છૂટ્યો છે. વેલેન્ટાઈન ડેના દિવસે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.

  • સુરતના કતારગામના ફૂલપાડા વિસ્તારમાં એકતરફી પ્રેમીની દાદાગીરી
  • યુવતીના મોપેડ પર જીપીએસ ટ્રેકર લગાવી જાસૂસી કરી
  • સંબધ રાખવાની ના પાડી તો યુવતીની માતા અને દાદા-દાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી

આ કેસની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કતારગામ ફૂલપાડામાં રહેતી અને બરફીવાલા કોલેજમાં ભણતી યુવતીએ કતારગામના ફૂલપાડા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય નિકુંજ પટેલ વિરુદ્ધ હેરાનગતિની પોલીસ ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં કરી છે. યુવતીએ પોલીસને પોતાની કેફિયતમાં જણાવ્યું કે ઘરની નજીક રહેતા નિકુંજ પટેલ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડશીપ થઈ હતી. ચેટિંગ દરમિયાન નિકુંજ પટેલે પ્રેમસંબંધની ઓફર કરી હતી, પરંતુ જ્ઞાતિ અલગ હોય યુવતીએ ના પાડી હતી. તેથી નિકુંજ ગુસ્સે ભરાયો હતો અને ‘જો તું મારી સાથે સંબંધ નહીં રાખીશ તો તારા અને મારા જે પણ વિડીયો છે તે હું વાઈરલ કરી દઈશ અને તારું જીવવાનું હરામ કરી દઈશ’ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ નિકુંજ દિવસમાં 100થી વધુ વખત ફોન કરીને પણ યુવતીને હેરાન કરતો હતો, તેથી આખરે યુવતીએ પોતાની માતાને ફરિયાદ કરતા યુવતીના પરિવારજનોએ નિકુંજના ઘરે જઈ ફરિયાદ કરી હતી. નિકુંજના પરિવારે તેને ઠપકો આપ્યો હતો. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું.

જોકે, નિકુંજ તેમ છતાં સુધર્યો નહોતો. યુવતી જ્યાં જતી ત્યાં તે પહોંચી જતો. આથી શંકા જતા યુવતીએ પોતાના વાહનની ગેરેજમાં તપાસ કરાવતા મોપેડની બેટરી પાસેથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું હતું. આથી યુવતીએ પીછો કરવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને બુલેટ લઈ ઘરની સામે પહોંચી ગયો હતો અને યુવતીની માતાને ગાળો દઈ ઝપાઝપી કરી હતી. દાદા દાદીને જાનથી મારી નાખવા ધમકી આપી હતી. આથી યુવતીની માતાએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસને ફરિયાદ કરતા નિકુંજ ભાગી ગયો હતો. કતારગામ પોલીસે યુવતીની ફરિયાદ લઈ એકતરફી પ્રેમી વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top