ભરૂચ: ભરૂચ જિલ્લામાં આઈસગર્લ તરીકે ઓળખાતી દ્રષ્ટિ વસાવાએ કાશ્મીરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. કાશ્મીરના ગુલર્ગ ખાતે ખેલો ઈન્ડિયા ઓલમ્પિક વિન્ટરની રાષ્ટ્રીય મહિલા દિવસે યોજાયેલી આઈસ સ્ટોકની ફાઈનલ મેચમાં દ્રષ્ટિ વસાવાના શાનદાર પ્રદર્શનના લીધે ગુજરાતની ટીમ વિજેતા થઈ હતી.
- કાશ્મીરના ગુલમર્ગમાં યોજાયેલા થર્ડ ખેલો ઈન્ડિયા ઓલમ્પિક વિન્ટરની આઈસસ્ટોક ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં ગુજરાતની ટીમે નવા શિખરો સર કર્યા
- ફાઈનલ મેચમાં ગુજરાતની ટીમે રાજસ્થાનને 17-2થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો
- ભરૂચના થવા ગામની દ્રષ્ટિ વસાવાએ 6 ગોલ કરી 6 પોઈન્ટ ટીમને અપાવ્યા
ગઈ તા-13મી ફેબુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસે ગુલમર્ગની વાદીઓમાં થર્ડ ખેલો ઇન્ડિયા ઓલમ્પિક વિન્ટર ગેમની ફાઈનલ ઈવેન્ટ યોજાઈ હતી. આ સ્પર્ધામાં ગુજરાતની આઈસસ્ટોક ટીમે પહેલી વખત ફાઈનલ મેચ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતની આ ટીમમાં ભરૂચના છેવાડાના થવા ગામની દ્રષ્ટિ વસાવાએ ભાગ લીધો હતો. દ્રષ્ટિ વસાવાએ આઈસસ્ટોકની ફાઈનલમાં તમામ 6 થ્રો પરફેક્ટ ફેંકીને 6 પોઈન્ટ મેળવીને ગુજરાતની ટીમને વિજેતા બનાવી હતી.
પરિશ્રમથી જ સફળતા મળે છે. આ વાત સાતપુડાના ડુંગરાળ વિસ્તારમાં રહેતી દ્રષ્ટિ વસાવાના મનમાં ઘર કરી ગઈ છે. હાલમાં જ થર્ડ ખેલો ઇન્ડિયા નેશનલ વિન્ટર ગેમ કાશ્મીરની ગુલમર્ગ વાદીઓમાં તા-10થી 14 ફેબ્રુઆરી સુધી આખા દેશના રાજ્યોની ટીમ પહોચી હતી. જેમાં આઈસસ્ટોક ગેમમાં ભરૂચની દ્રષ્ટિ વસાવા સહીત ચાર મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં તાપી જિલ્લાની ખ્યાતી ગામીત, સુરતની સીમરન અગ્રવાલ અને સુરતની વિશ્વાએ આઈસસ્ટોક ટુર્નામેન્ટમાં અન્ય રાજ્યોની ચાર ટીમોને હરાવીને ફાઈનલ મેચમાં રાજસ્થાન સામે પહોંચ્યા હતા.
જોગાનુજોગ 13મી ફેબુઆરી એ સરોજની નાયડુનો જન્મદિને રાષ્ટ્રીય મહિલા હોવાથી એ જ દિવસે રાત્રે આઈસસ્ટોક માટે ફાઈનલ મેચ રાજસ્થાન સામે રમાડવામાં આવી હતી. જેમાં ગુજરાતની ટીમે 17 પોઈન્ટ મેળવ્યા હતા. તેની સામે રાજસ્થાનની ટીમને માત્ર 2 પોઈન્ટ મળતા ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ઉલ્લેખનીય એ છે કે ગુજરાત મહિલા ટીમ પહેલી વખત ફાયનલ મેચમાં સફળતા હાંસલ કરી છે. વિજેતા ટીમના ખેલાડીઓને ભવિષ્યમાં સ્કોલરશીપ મળશે. આ ટીમને સુરતના કોચ વિકાસ વર્માએ માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતની ટીમ વિજેતા થતા જ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ વસાવા અને સેક્રેટરી રંજનબેન વસાવાએ વધાવીને પ્રોત્સાહિત કર્યા હતા.