સુરત: સુરતના કાપોદ્રા વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે. અહીંના કાપોદ્રા પોલીસ મથકમાં માતા-પિતાએ પોતાની સગી મોટી દીકરી વિરુદ્ધ અપહરણની ફરિયાદ આપી છે. અમરેલીના લાઠી ગામમાં પરણેલી મોટી દીકરીએ તેના દિયર સાથે મળીને નાની સગીર વયની દીકરીનું અપહરણ કર્યાની ફરિયાદ માતા-પિતાએ આપતા કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે.
આ કેસની વિગત એવી છે કે મૂળ અમરેલી જિલ્લાના લાઠી ગામનો પરિવાર વર્ષોથી સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહે છે. ગયા રવિવારે સવારે આ પરિવારના ઘરમાં પુજાપાઠ થઈ રહી હતી ત્યારે 15 વર્ષની દીકરી માતાજીને શ્રીફળ ચડાવવાનું તે લેવા ઘરની બહાર ગઈ હતી ત્યાર બાદ પરત આવી નહોતી. લાંબો સમય સુધી દીકરી પરત નહીં આવતા માતા-પિતાએ તેની શોધખોળ આદરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે 15 વર્ષીય સગીર દીકરીનું તેની મોટી બહેને અપહરણ કર્યું છે. આ મામલે માતા-પિતાએ પોલીસને ફરિયાદ કરી છે.
કાપોદ્રા પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મૂળ અમરેલીના લાઠી ગામનો પરિવાર સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહે છે. આ પરિવારે પોતાની મોટી દીકરી પાયલ રવિ સરવૈયા અને તેના દિયર મનોજ ટીનુ સરવૈયા વિરુદ્ધ અપહરણની ફરિયાદ આપી છે. બંને લાઠી ગામમાં રહે છે. ફરિયાદીએ એવી હકીકત લખાવી છે કે પાયલ અને તેનો દીયર મનોજ 15 વર્ષની સગીર દીકરીને ઉઠાવી લઈ જઈ ફરાર થઈ ગયા છે. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉધનાના હરિનગરમાં ઘરમાં એસીમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ
સુરત: ઉધનાના હરિનગર-2ની પાછળ હેલિકો કો.ઓપ.સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈના ઘરમાં સોમવારે સવારે એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભડકી ઊઠી હતી. આ ઘટનાને પગલે સ્થળ ઉપર ભાગદોડ મચી ગઇ હતી. બનાવ અંગે જાણ કરાતાં ભેસ્તાન તથા માન દરવાજા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગને કારણે પલંગ, ગાદલાં, કપડાં સહિત ઘરવખરી બળી ગઈ હતી. ઘરમાં રહેતા દેવેન્દ્રભાઈ અને તેમનાં પત્ની સવારે મંદિરે ગયાં હતાં અને તેમનાં બે બાળકો ઘરમાં એકલાં જ હતાં, ત્યારે જ આ આગ લાગી હતી. જો કે, તેમનો કોઈ સંબંધી સમયસર ત્યાં પહોંચી ગયો હતો અને બંને બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.