નવસારી: (Navsari) વિજલપોરમાં બાકી નીકળતા પૈસા લેવા ગયેલી સુરતની મહિલાને પિતરાઈ ભાઈ અને ભત્રીજાએ માર મારતા મામલો વિજલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે. મળતી માહિતી મુજબ સુરત પાલ ગામ (Pal Village) નોવા શીતળનાથ એપાર્ટમેન્ટમાં બીનાબેન તુષારભાઈ ચંદુરા (ઉ.વ. 37) તેમના પરિવાર સાથે રહે છે. ગત 30મી જાન્યુઆરીએ બીનાબેનના કાકાના દીકરા પ્રકાશભાઈ પ્રવિણચંદ્ર સંઘવી પાસેથી બાકી નીકળતા આશરે 75 લાખ રૂપિયાના હિસાબ માટે નવસારીમાં બીજા કાકા ભાઈઓ અને બીનાબેનના કુટુંબના લોકો સાથે મીટીંગ રાખી હતી.
- ‘બીજીવાર પૈસા લેવા આવશો તો મારી નાંખીશું’ : પિતરાઈ ભાઈ અને ભત્રીજાનો મહિલા પર હુમલો
- વિજલપોરમાં બાકી નીકળતા પૈસા લેવા ગયેલી સુરતની મહિલાને ધમકી આપતા પોલીસ ફરિયાદ
જેથી બીનાબેન અને તેમના સસરા નવસારી મેઘમલ્હાર એપાર્ટમેન્ટ ખાતે આવ્યા હતા. જ્યાં તેઓ વચ્ચે વાતચીત ચાલતી હતી. અને પ્રકાશભાઈ સંઘવી પૈસા આપવાની ના પાડતા બીનાબેન ત્યાંથી નીકળી તેમના ઘરની બહાર આવેલા પેસેજમાં નીચે બેઠા હતા. દરમિયાન કાકાનો દીકરો અને તેની પત્ની બીનાબેનને બોલાવવા આવતા બીનાબેન તેમના ઘરમાં બેસવા માટે ગયા હતા. જ્યાં ફરીથી આ પૈસા બાબતની વાતચીત ચાલુ થતા પ્રકાશભાઈએ ઉશ્કેરાઈ જઈ બીનાબેનના સસરા મહાસુખભાઈનો હાથ પકડીને ખેંચી નીચે પાડી માર મારવા લાગ્યા હતા.
પ્રકાશભાઈના છોકરા નિશાંતે બીનાબેનનો હાથ મચેડી કાઢી પ્રકાશભાઈએ હાથમાં માર માર્યું હતું. ત્યારબાદ બીનાબેનને ફરી બીજીવાર તમે જો પૈસા લેવા આવશો તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ બનાવ અંગે બીનાબેને વિજલપોર પોલીસ મથકે પ્રકાશભાઈ સંઘવી અને નિશાંતભાઈ સંઘવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. શ્રીકાંતભાઈ ચૌહાણને સોંપી છે.
વાપી હાઈવે અને સર્વિસ માર્ગ વચ્ચેની રેલિંગ ગાયબ, અકસ્માતની ભીતિ
વાપી : વાપી હાઈવેથી સર્વિસ માર્ગ પસાર થાય છે. જે માર્ગને જુદો કરવા તથા કોઈ અકસ્માત ન સર્જાય તેને ધ્યાને રાખી હાઈવે વિભાગ દ્વારા માર્ગની વચ્ચે લોખંડની રેલિંગ લગાવી સર્વિસ માર્ગ અલગ બનાવ્યો છે. સમય વીતતા હાઈવે પર લગાવાયેલી મોટેભાગની રેલિંગ ગાયબ થઈ ચૂકી છે. જેને કારણે સર્વિસ માર્ગ અને હાઈવે પરથી પસાર થનારા વાહનચાલકો ગમે તેમ વળાંક લેતા હોય છે. જેને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. દિવસે તો ઠીક પરંતુ રાત્રીના સમયે આવા વળાંક લેનારા વાહનોથી ઘણી વખત ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે અને જોખમી હોવાનું પણ દેખાઈ રહ્યું છે. એટલું જ નહીં મોટે ભાગની રેલિંગ વાહનની ટક્કર લાગતા તૂટી ગયેલી છે. આ તૂટેલી રેલિંગ કયાંક હાઈવે તો કયાંક સર્વિસ માર્ગ તરફ વળેલી હાલતમાં જોવા મળી રહી છે. હાઈવે અને સર્વિસ માર્ગની રેલિંગ ગાયબ તથા તૂટેલી અવસ્થાને લઈ અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. જવાબદાર વિભાગ દ્વારા વાપી હાઈવે પર રેલિંગનું સમારકામ કરાવે તેવી માગ થઈ રહી છે.