Business

ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જતા યુવાનો ત્યાં જ સ્થાયી થવાનું કેમ વિચારે છે?

ભારત દુનિયામાં બીજા નંબરની સૌથી વધુ યુવાન વસ્તી ધરાવતો અને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થકારણ ધરાવતો લોકશાહી દેશ છે. હમણાં જાહેર થયેલ આંકડાઓ મુજબ દુનિયાના દરેક પાંચ યુવાનોમાં એક ભારતીય છે અને ભારતની કુલ વસ્તીની સરેરાશ ઉંમર ૨૯ વર્ષની છે જે દેશની બહુમૂલ્ય અસ્કયામત/સંપત્તિ ગણી શકાય જેનો આપણા દેશને વિકાસને પંથે દોરવામાં ઉપયોગ થઇ શકે. પરંતુ ઘણા સમયથી આપણે જોઇએ છીએ કે દેશના યુવાનોનું અભ્યાસ અર્થે પરદેશ જવાનું પ્રમાણ વર્ષોવર્ષ વધતું જાય છે.

છેલ્લાં પાંચ વર્ષોમાં જ લગભગ ત્રીસ લાખ જેટલા યુવાનોએ અભ્યાસ અર્થે આપણો દેશ છોડીને વિદેશ જવાનું પસંદ કર્યુ. એ પણ હકીકત છે કે વિદેશ ગયેલ આ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પરદેશમાં જ સ્થાયી થવાનું પસંદ કરે છે. આની પાછળનાં ઘણાં કારણો હોઇ શકે પરંતુ મુખ્ય કારણ આપણા દેશમાં જરૂરી ધંધા/રોજગારીનો અભાવ છે જે કોઇ નકારી ન શકે. વધતી જતી બેરોજગારીનું એક કારણ દેશના મોટા ભાગના ઉદ્યોગોમાં માણસની જગ્યાએ મશીનનો વધતો જતો ઉપયોગ પણ બેકાર યુવાનોની સંખ્યામાં વધારો થવાનું એક મહત્ત્વનું કારણ છે.

નોકરી ન મળવાને કારણે ઘણાં યુવાન છોકરા-છોકરીઓ અલગ-અલગ ડીગ્રી પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરીને પણ પોતાની જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. દેશની મૂલ્યવાન અસ્કયામત જેવા પરદેશ ન જઇ શકતા ઘણાં યુવાનો સરકારી નોકરી મેળવવાના પ્રયત્નો કરે છે જેમાં સૌથી મોટી બાઘા પેપર ફૂટવાની છે જે બેકારોની સંખ્યામાં વૃધ્ધિ કરનારું એક વધારાનું પરિબળ છે જેના પર કોઇ પણ કારણસર હજી સુધી અંકુશ આવ્યો દેખાતો નથી. દુનિયાના ઘણા વિકસિત ગણાતા દેશોમાં ઉચ્ચ સ્થાને આપણા જ દેશનું બુધ્ધધન બેઠેલું જણાય છે એ પણ બતાવે છે કે યોગ્ય તકો, એમના જ્ઞાન અને એમની કુશળતાનો સદુપયોગ કરવા માટે સાનુકૂળ વાતાવરણના અભાવના કારણે પણ એ બધા અન્ય દેશોમાં જઇ સ્થાયી થઇ એ દેશોની પ્રગતિમાં ભાગીદાર બન્યા હોઇ શકે. ગુણવત્તાસભર શિક્ષણ અને ધંધા-રોજગારમાં વધારો કરવાના સઘન પ્રયત્નો જ બેકારોની સંખ્યામાં ઘટાડો કરી દેશમાં સમતોલ વિકાસનું સ્વપ્ન સાકાર કરી શકે જે સમય જતા બ્રેનડ્રેનની સમસ્યાને હળવી કરી શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top