નવસારી: (Navsari) મંદિર ગામે (Village) કરીયાણાના સામાનના (Groceries) ઉધારીના પૈસા બાબતે 4 લોકોએ ઝઘડો કરી દુકાનદારની બહેનને માર-મારતા મામલો જલાલપોર પોલીસ મથકે પહોંચ્યો હતો. કરિયાણાની દુકાનમાંથી એક લાખ રૂપિયાનો સામાન ઉધારમાં (Borrow) લઈ જતા તેમજ રૂપિયા પાછા ન આપતા વિવાદ થયો હતો.
- મંદિર ગામે કરીયાણાના સામાનના ઉધારીના પૈસા બાબતે 4 લોકોએ દુકાનદારની બહેનને મારી
- કરશનભાઈ ભમરજી પુરોહિત હેમંતની કરિયાણાની દુકાનમાં આવી થોડો-થોડો સામાન ઉધારમાં લઈ જતો હતો
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના મંદિર ગામે પટેલ ફળીયામાં હેમંતભાઈ છગનભાઈ પુરોહિત તેમના પરિવાર સાથે રહે છે અને ફળીયામાં કરિયાણાની દુકાન ચલાવે છે. દોઢ વર્ષ અગાઉ હેમંતનો ફોઈનો છોકરો કરશનભાઈ ભમરજી પુરોહિત હેમંતની કરિયાણાની દુકાનમાં આવી થોડો-થોડો સામાન ઉધારમાં લઈ જતા હતા. હેમંતે આજ સુધી એક લાખ રૂપિયા કરશનભાઇ પાસેથી લેવાના થતા હોય છે. જેથી ગત 7મીએ હેમંતે કરશનભાઈને જણાવ્યું હતું કે, તું અમારી કરિયાણાની દુકાનમાંથી કરિયાણાનો સામાન ઉધારમાં એક લાખ રૂપિયા સુધીનો લઈ ગયો છે તો તે ક્યારે આપીશ? જેથી કરશનભાઇએ હું આવતી કાલે આપી દઈશ તેમ જણાવ્યું હતું.
દરમિયાન રાત્રે હેમંત પર કરશનભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારા કરીયાણાના સામાનના પૈસા લઈ જાવ અને ઘરની બહાર રોડ ઉપર આવો તેમ કહેતા હેમંત, તેના પિતા છગનભાઈ અને બહેન કીર્તિ ઘરની બહાર રોડ પર આવેલા હતા. ત્યારે કરશનભાઈ, હીરો ઉર્ફે હિરસીંગ ભમરજી પુરોહિત, પ્રકાશભાઈ ભમરજી પુરોહિત અને દેવજી અદરાજી પુરોહિત હેમંતભાઈ અને તેના પરિવારજનોને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને તમે શેના પૈસા માંગો છો તેમ કહી માર મારવા લાગ્યા હતા. કરશનભાઈએ હાથમાં લાકડું લઈ કીર્તીબેનને માથાના પાછળના ભાગે મારી દેતાં તેણીને ઈજાઓ થઇ હતી. જેથી ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ વચ્ચે પડી તેઓને છોડાવ્યા હતા. આ બનાવ અંગે હેમંતે જલાલપોર પોલીસ મથકે કરશનભાઈ, હીરો ઉર્ફે હિરસીંગ, પ્રકાશભાઈ અને દેવજીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એ.એસ.આઈ. દિગ્વિજય સિંહને સોંપી છે.
નવસારીના જલાલપોરમાં ચોર ઘરમાંથી મોબાઈલ ચોરી ગયો
નવસારી : જલાલપોર ગૌરીશંકર મહોલ્લામાં ઘરમાંથી કોઈ અજાણ્યો ચોર મોબાઈલ ચોરી કરી નાસી ગયાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, જલાલપોર ગૌરીશંકર મહોલ્લામાં ગીતાનગર સોસાયટીની સામે કાર્તિક ખંડુભાઈ પટેલ તેમના પરિવાર સાથે રહે છે. ગત 16મી જાન્યુઆરીએ કાર્તિક ઘરે હતો. દરમિયાન કાર્તિકે તેનો ફોન ચાર્જીંગમાં મુક્યો હતો. ત્યારબાદ તેનો ફોન જોવામાં આવ્યો હતો. જેથી કાર્તિકે ઘરમાં ફોન શોધ્યો હતો. પરંતુ તેનો ફોન મળ્યો ન હતો. જેથી કાર્તિકે તેના નંબર ઉપર ફોન કરતા ફોન બંધ આવતા ફોન ચોરી થયો હોવાનું જણાયું હતું. આ બનાવ અંગે કાર્તિકે જલાલપોર પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. આર.એસ. ગોહિલે હાથ ધરી છે.