જ્યાં સુધી તમે પ્રવાહમાં છો ત્યાં સુધી તમે કયાંક પહોંચી શકો છો. ફિલ્મોમાં કામ કરતા કરતા જ પોતાની પ્રતિભાને અને કામને શોધતા રહેતા આવડવું જોઇએ. આદિત્ય રોય કપૂર એજ કરી રહ્યો છે. વિકી કૌશલ ‘યુરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’ સુધી પોતાને શોધતો હતો અને હવે જે ફિલ્મો મળે છે તેમાં શોધે છે. ‘આશિકી-2’ની જબરદસ્ત સફળતાએ આદિત્ય અને શ્રધ્ધા કપૂર બંનેને એક દિશા આપી હતી પણ બંને અત્યારે વળી પાછા સ્ટ્રગલર બની ગયા છે. વાત એટલી જ છે કે તેઓ હારી નથી ગયા. આદિત્ય રોય કપૂર ‘ધ નાઇટ મેનેજર’ નામની વેબ સિરીઝમાં અનિલ કપૂર સામે ટકરાય રહ્યો છે. આ સિરીઝ તેની રોમેન્ટિક ઓળખથી જુદા પ્રકારની છે. વિકી કૌશલને ‘યુરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક’ કે સિધ્ધાર્થ મલ્હોત્રાને ‘શેહશાહ’થી જે જૂદી જગ્યા મળી તે આદિત્યને મળશે?
સંજય લીલા ભણશાલીની ‘ગુઝારીશ’માં ઓમર સિદ્દીકીની ભૂમિકામાં પ્રભાવ મુકી ગયેલો આદિત્ય ‘યે જવાની હે દીવાની’, ‘દાવત-એ-ઇશ્ક’, ‘ફિતૂર’, ‘ઓકે જાનુ’, ‘વેલકમ ટુ ન્યુયોર્ક’, ‘કલંક’, ‘મલંગ’, ‘સડક-2’ અને ‘ઓમ-ધ બેટલ વિધીન’માં આવ્યો પણ છતાં તે તેને સ્ટાર ઓળખાવી શકે તેમ નથી. પણ હવે તે પોતાને બદલી રહયો છે. ‘ઠડમ’ નામની સુપરહિટ ફિલ્મની રિમેક ‘ગુમરાહ’માં તે મૃણાલ ઠાકુર, રોનિત રોય સાથે આવી રહ્યો છે. અને ‘ગુમરાહ’નો દિગ્દર્શક ‘દબંગ’નું દિગ્દર્શન કરી ચુકેલો વર્ધન કેતકર છે. આ ઉપરાંત અનુરાગ બસુની ‘મેટ્રો….. ઇન િદનો’ માં તે સારા અલી ખાન, અનુપમ ખેર સાથે દેખાશે. ‘મર્ડર’, ‘ગેંગસ્ટર’, ‘લાઇફ ઇન મેટ્રો’, ‘કાઇટ્સ’, ‘બર્ફી’ જેવી ફિલ્મોનો દિગ્દર્શક અનુરાગ હંમેશા અભિનેતા પાસે જૂદું કામ લઇ શકે છે.
આદિત્યને સારા દિગ્દર્શકો અને સારી સહઅભિનેત્રી સાથેની ફિલ્મો મળી. ‘મલંગ’માં તેની સાથે દિશા પટની તો ‘ઓકે જાનુ’માં શ્રધ્ધા કપૂર, ‘ફિતૂર’માં તેની સાથે કેટરીના કૈફ તો ‘દાવત-એ-ઇશ્ક’માં પરિણીતી ચોપરા હતી. આદિત્યને મહેશ ભટ્ટ, સંજય લીલા ભણશાલી, વિપુલ શાહ, અયાન મુખરજી, અભિષેક કપૂર, શાદ અલી, મોહિત સૂરી, અનુરાગ બસુ જેવા દિગ્દર્શકો સાથે કામ કરવા મળ્યું છે તો હવે પણ જો પોતાની જગ્યા ન ઊભી કરી શકે તો તેની પોતાની જ નિષ્ફળતા ગણાશે. આદિત્ય આ વર્ષે પોતાને નો કમબેક અંદાજમાં મુકી પછાડી સાબિત કરવા માંગે છે. અત્યારે નવા સ્ટાર્સના ઉદયની રાહ જોવાઇ રહી છે કારણકે ફિલ્મો માટે તે જરૂરી છે. જે ટોપના સ્ટાર્સ તે પચાસની ઉંમરે પહોંચ્યા હોય ત્યારે નવા સ્ટાર્સના ઉદય જરૂરી છે. આદિત્ય તો સૂર્યનું નામ છે તો તે ન ચમકે તો કેમ ચાલે? •