Charchapatra

સંગતથી સાવધાન

અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘એ મેન કેન નોન બાય ધ કંપની હી કીપ્સ’ એટલે કે માણસ તે ક્યા પ્રકારના મિત્રો ધરાવે છે, તેના પરથી પરખાય છે. કારણ એ પોતાની કલ્ચરવાળાને જ પોતાની બેઠક-ઉઠક માટે પસંદ કરશે. ઘણી વાર માણસ પોતાનું ખરું ચારિત્ર્ય દબાવી રાખવામાં વર્ષો સુધી સફળ થાય છે. છેલ્લે જ્યારે તક મળે કે તરત પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દેતાં અચકાતો નથી. આવી એક ઘટના રશિયામાં સ્ટાલિનના જમાના વખતે બની. સ્ટાલિન બહુ ક્રૂર અને લાગણીહીન માણસ ગણાયો. તેણે હજારો લોકોને ફાંસીએ ચઢાવી દીધાં. પરંતુ એક બાબતમાં તે થાપ ખાઈ ગયેલો, તે હીટલરનું મગજ બરાબર પારખી શકેલો નહીં અથવા હીટલરે રશિયા ઉપર અચાનક હુમલો કરવાની યોજના સફળતાપૂર્વક છૂપાવી રાખેલી. તેનો જમણા હાથ સમો ગૃહપ્રધાન બેરીયા, ભારે ઝનૂની અને ક્રૂર. આખું રશિયા આ બે થી ગભરાતું થઈ ગયું.

સ્ટાલિનના અવસાન બાદ બેરીયા હકૂમત ચલાવતો. જ્યારે મીટીંગ હોય, ત્યારે તે પોતાના અંગરક્ષકો સહિત જ આવતો અને બોડીગાર્ડ તેની આજુબાજુ પહેરો ભર્યા કરતા. તેને શુટ કરવાનું પણ અશક્ય હતું. હવે પછીની વાત જાણો. રશિયન સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી ક્રુશ્ચેવ ભારતને પ્રવાસે આવેલા તે વખતે એક પત્રકાર પરિષદ ભરી, તેમાં એક જબરજસ્ત ઘટસ્ફોટ કર્યો, તેમણે કહ્યું ‘બેરીયાથી તો અમે ય બહુ ત્રાસી ગયેલા, ક્યારે રાતના બાર વાગે કે.જી.બી.ની છૂપી પોલીસ અમને ઉઠાવી જાય અને શુટ કરી દે, તેનો કોઈ ભરોસો જ નહીં… એક વાર બેરીયાએ એક ભૂલ કરી, મીટીંગ હતી, તેમાં અંગરક્ષકો વગર આવ્યો, હું ઊભો થયો, તેની પાછળ ગયો અને રીવોલ્વર કાઢી તેને ત્યાંને ત્યાં શુટ કરી દીધો.’

ક્રુશ્ચેવ આ તકની વર્ષોથી રાહ જોતા હતા તે એકાએક મળી ગઈ, સ્ટાલિન મર્યો માર્ચ ’53માં અને બેરીયા ડીસે.’53 માં! સ્ટાલિન પરનો ગુસ્સો બેરીયા પર ઊતર્યો. નઠારા માણસોના મિત્રો કુટુંબીઓ આ અંગે ઘણું સહન કરે છે. એક વાર એવું બન્યું ગુજરાતના એક પ્રધાન મારા મિત્ર. મને થયું રાંદેર રોડ ઉપર રહેતા એક સિનીયર ધારાશાસ્ત્રીને હાઈકોર્ટના જજ બનાવીએ તો કેવું? મેં તેમને વાત કરી. તેમણે તો સચિવાલયમાં ફાઈલ ચાલુ કરી દીધી. સુરતના ડિસ્ટ્રીક્ટ જજ પાસે અભિપ્રાય મંગાયો, તો તેમણે એવી નોંધ મૂકી કે આ વકીલ બાર વર્ષથી નવસારી બજારના એક અસામાજિકના કેસો લડી રહ્યા છે, માટે તેને કોઈ સંજોગોમાં જજ બનાવાય જ નહીં. હું સચિવાલયે ગયો, ત્યારે એ પ્રધાનશ્રીએ આ વાત કરી. ખરાબ સંગત અને ખરાબ ગ્રાહકની સાથેના ઘરોબાની એ વકીલે બહુ મોટી કિંમત ચૂકવવી પડી. હંમેશા નિકટના મિત્રો પસંદ કરવામાં બહુ વિવેક મર્યાદાની જરૂર રહે છે.
સુરત     – ભરત પંડ્યા         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે
કવિ કલાપીએ કહ્યું છે કે સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે. કુદરતે આપણી ચારેકોર સૃષ્ટિમાં સૌંદર્ય પાથર્યું છે એને હેમખેમ રહેવા દેવું જોઇએ. એનો ઉપભોગ ન કરતાં એને મનભરીને માણવું જોઇએ અને એવું કરવાથી સૌંદર્ય રસના ઘુંટડે ઘુંટડા પીવા મળશે અને એનો અલૌકિક આનંદ પામવા મળશે. અંગ્રેજીમાં એક વાકય છે કે બ્યુટી ઇઝ ટુ સી એન્ડ નોટ ટુ ટચ. સૌંદર્ય જોવા માટે છે એ સ્પર્શ કરવા માટે નથી. આપણાં જંગલોનાં વૃક્ષો કાપી કાપી જંગલના સૌંદર્યને માનવીએ નષ્ટ કરવા માંડયું છે. નદીઓમાં કચરાના ઢગલે ઢગલા નાંખી એમાં ગંદકી ફેલાવી નદીને પ્રદૂષિત કરી છે. ફેકટરીઓનું ગંદુ પાણી નદીમાં જાય, બધી જ નકામી વસ્તુ નદીમાં જ સ્વાહા થાય છે તો નદીનું સૌંદર્ય કયાંથી હેમખેમ રહેશે? ડુંગરો, વૃક્ષોના કાપવાથી બોડા થઇ ગયા છે. ડુંગરોમાં પણ એક પ્રકારનું સૌંદર્ય હોય છે. લીલા ઘાસનાં મેદાનો પણ સફાચટ થવા લાગ્યાં છે. કુદરતનાં તત્ત્વોમાં માણસે દખલગીરી કરી છે એ કૈલાસ પર્વત ઉપર જાય અને માનસરોવર પાસે જાય તો ત્યાં પણ કચરાના ઢગ ખડા કરી દે છે. માણસ કુદરતની વિરુધ્ધ પ્રવૃત્તિ કરે છે. અંતે કુદરતનું સૌંદર્ય નષ્ટ થશે અને છેવટે તો માણસે જ ગુમાવવાનું રહેશે.
નવસારી            – મહેશ નાયક         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top