Charchapatra

વધતી જતી અસલામતી

આજકાલ ઘરની બહાર નીકળીએ એટલે અસલામતી અનુભવીએ છીએ. રસ્તામાં રખડતાં ગાય-ભેંસ ક્યારેક માણસોના જીવ લઈ લે છે. હવે તો જર્જરિત પુલ, ઓવરબ્રીજ પણ આપણા માટે સુરક્ષિત નથી. મોરબીની ઘટના થઈ હતી એટલે વ્યકિત અસલામતી અનુભવે છે. રોડ ઉપર જતાં ખૂબ જ ઝડપી વાહનો, ખાસ તો યુવકો વાંકાચુકા અને ઝડપથી ચલાવતા બાઈક પણ જીવને જોખમમાં મૂકી દે છે. હવે તો ટ્રેનમાં પણ અસલામતી જેવું થઈ ગયું છે. અસામાજિક તત્ત્વો દ્વારા ટ્રેક ઉપર ભંગાણ કરે અથવા ટ્રેન ઉથલાવવા તરકીબ કરે એટલે સલામતી જેવું રહ્યું જ નથી.

મહિલાઓ રસ્તામાં જતા હોય ત્યારે બેરોજગાર યુવકો સોનાની ચેઈન તોડી ફરાર થઈ જાય છે. આમ મહિલાની સલામતી પણ નથી રહી. બેંકના ખાતામાં રહેલા આપણા રૂપિયા ફ્રોડકોલ, લોભામણી જાહેરાત, લોભામણી મોબાઈલ એપ્લીકેશનથી પણ બેંકમાંથી આપણા રૂપિયા જાય. આમ દરેક ક્ષેત્રમાં અસલામતી જોખમ ઊભું થઈ ગયું છે. એટલે પોતાની બધી જ સલામતી માટે પોતે જ સતેજ રહેવું. લોભામણી જાહેરાત Mob. App થી દૂર રહેવું. પોતાનું રક્ષણ પોતે જ કરવું રહ્યું
વડોદરા   – જયંતી પટેલ         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વૃક્ષોની નોંધણી અને જાળવણી જરૂરી
સુરત ચારેકોર વિકસ્યું છે. આ વિકાસની સાથે સુરતના દરેક વિસ્તારમાં સુ.મ.પા.એ ઠેરઠેર બાગ-બગીચા-વોક વે-વૃદ્ધજનો માટે શાંતિકુંજ જેવી સુવિધાઓ વિકસાવી છે, જેમાં અગણિત વૃક્ષો ઉગાડયાં છે. સાથે BRTS કોરીડોર-સર્વિસ રોડના ડીવાઈડરો વગેરેમાં ત્થા ફૂટપાથો ઉપર પણ જાત જાતનાં વૃક્ષો ઉગાડાયાં છે. વસંત ઋતુમાં તો સુરતના ઘણા વિસ્તારોની શોભા નિખરી ઊઠે છે. પરંતુ ખાટલે મોટી ખોટ આ ઉગેલા કે ઉગાડાયેલાં વૃક્ષોની યોગ્ય જાળવણી / માવજત કે દેખરેખ યા નોંધણી સુ.મ.પા કરતી નથી.

હું ભારતના ઘણાં શહેરોમાં ફર્યો છું, રહ્યો છું અને વળી પ્રકૃતિપ્રેમી છું. ઘણાં શહેરોમાં વૃક્ષોને ગેરુ/ચુનો લગાડી દર વર્ષે એની હયાતિની નોંધ લેવામાં આવે છે જ્યારે સુરત જેવા સમુદ્ધ આધુનિક શહેરમાં આવી કોઈ નોંધ કે જાળવણી થતી હોય એવું માલમ પડતું નથી ! શું સુરતનો ગાર્ડન વિભાગ આવું કામ નથી કરી શકતો? સુ.મ.પા.એ સુરત શહેરમાં ઊગેલાં તમામ વૃક્ષોની નોંધ અને જાળવણી ફરજીયાત કરવા ઉપરાંત વિના કારણ કોઈ પણ વૃક્ષ કાપવા પર ભારે દંડની જોગવાઈ કરી સાચા અર્થમાં સુરતને હરિયાળું સુરત બનાવવું જરૂરી છે. સુ.મ.પા.ના નવા કમિશ્નરશ્રી ધ્યાન આપશે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top