SURAT

સુરતમાં મહિલાઓ 2 લાખની પર્સનલ લોન લેવા ગઈ અને અધધ 43.69 લાખનો ચૂનો લાગી ગયો

સુરત: (Surat) ડિંડોલી ખાતે મહિલાઓના નામે હપ્તાથી પાંચ લક્ઝરીયસ કાર (Car) ઉતારી અન્યોને ગીરવે આપી તેમની પાસેથી ગીરવે પેટે આવેલા નાણાં કાર માલિકોને આપવાના બદલે હર્ષવર્ધન નામના ઠગે પોતે રાખી કુલ 43.69 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

  • મહિલાઓ પર્સનલ લોન મેળવવા આવી તો ભેજાબાજે કાર લોન લેવડાવી 43.69 લાખની છેતરપિંડી કરી
  • સિબિલ સ્કોર સુધારવાનું કહીને મહિલાઓના નામે લોન પર ખરીદેલી પાંચ કાર ગીરવી મુકી દીધી

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા 32 વર્ષીય ઇશ્વરભાઇ ગોપાલભાઇ પટેલ હીરાની ઓફીસમાં નોકરી કરે છે. તેમણે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હર્ષવર્ધન ઉર્ફે વિજય (ઠે. આર.જે.ડી. બિઝનેસ પ્લાઝા, મિલેનીયમ પાર્કની સામે) વિરુધ્માં ફરિયાદ નોંધાવી છે. ઇશ્વરભાઈએ તેમના મિત્ર અજયસિંગના પત્ની ગુંજનબેનને પૈસાની જરૂર હોવાનું કહ્યું હતું. તેમણે નિર્મલાબેન સાથે સંપર્ક કરાવ્યો હતો. અને તેમના થકી હર્ષ વર્ધન સાથે સંપર્ક થયો હતો. તેમને 2 લાખની પર્સનલ લોન જોઈતી હોવાનું કહ્યું હતું. બાદમાં ઇશ્વરભાઈ તથા તેમના મિત્રો વિજયભાઇ પ્રકાશભાઇ ચૌધરીની પત્ની યોગીતાબેન, ગુંજનબેનને નાણાં અપાવવાનું કહી પર્સનલ લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. બાદમાં તેમનું સિબિલ સ્કોર નીચો હોવાથી તેમના નામે કાર લોન કરી આપવાનું કહ્યું હતું.

આ કાર લોનના હપ્તા અને ડાઉનપેમેન્ટ પોતે ભરશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. ઇશ્વારભાઈના નામે કારની ખરીદી કરાવી હતી. તે કાર અન્ય થર્ડ પાર્ટીને ગીરવે આપી તેની પાસેથી નાણાં અપાવવાનું જણાવી તેમજ કારની લોનના હપ્તા પણ પોતે ભરપાઇ કરવાનુ કહ્યું હતું. બાદમાં ઇશ્વારભાઈને નાણાં પણ નહીં અપાવી તેમજ તેમના નામે ખરીદી કરેલી કારના હપ્તા પણ ભર્યા નહોતા. અને આ કાર ત્રીજી વ્યક્તિને આપી દીધી હતી. આરોપીએ મહિલાઓ અને ઇશ્વરભાઈના નામે બલેનો કાર (GJ-05-RQ-2530), મિત્ર વિજયભાઇની પત્ની યોગીતાબેનના નામે બલેનો કાર (GJ-05-RQ-8527) અને આઇ ૨૦ કાર (GJ- 05- RQ-5570), ગુંજનબેનના નામે બલેનો કાર (GJ-05-RQ-2138) અને મહીન્દ્રા XUV 300 કાર (GJ-05-RQ-1252) મળીને કુલ ૪૩,૬૯,૧૧૪ ની મત્તાની છેતરપીંડી કરી હતી. ડિંડોલી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી પીએસઆઈ હરપાલસિંહે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top