એક સમય હતો કે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ જેવી મોટી ટેક કંપનીઓને બખ્ખા હતા. તેમની કમાણી એટલી મબલખ હતી કે તેઓ નાણાના ઢગલા પર નહીં પરંતુ પહાડ પર બેસેલી હોવાનું કહેવાતું હતું. પરંતુ પછી આ કંપનીઓ સામે વિવિધ દેશોની સરકારોએ કડકાઇ દાખવવા માંડી. ખાસ કરીને ગૂગલ જેવી કંપનીઓ બજારમાંના પોતાના પ્રભુત્વનો લાભ લઇને સ્પર્ધાત્મકતાના નિયમોનો ભંગ કરતી હોવાની અને તે પોતાના ગ્રાહકોને તથા અન્ય નાની કંપનીઓને ચોક્કસ સ્થિતિઓમાં પોતાના જ ઉત્પાદનો વાપરવા મજબૂર કરતી હોવાના અને ભેદભાવભર્યા નિયમો બનાવતી હોવાની ફરિયાદો ઉઠવા માંડી અને ખાસ કરીને યુરોપિયન દેશોએ આ બાબતે આ કંપનીઓ સામે લાલ આંખ કરી.
યુરોપિયન દેશોના આવા વર્તન પાછળ કદાચ અમેરિકા પ્રત્યેની તેમની ઇર્ષા પણ થોડા અંશે જવાબદાર હોવાનું મનાય છે કારણ કે આ તમામ મોટી ટેક કંપનીઓ અમેરિકાની છે. જો કે પોતાની એકહથ્થુતા સ્થાપવાના તેમના પ્રયાસોને યુરોપિયન દેશોએ મક્કમપણે અવરોધ્યા. ભારત સરકારે પણ આ કંપનીઓ સામે કડક વર્તન અપનાવ્યું. યુરોપમાં, ભારતમાં આ કંપનીઓને મોટા દંડના આદેશો થયા અને તેમની શાખમાં પણ ઘટાડો થયો. આ કંપનીઓને અનેક દેશોમાં કાનૂની સખતાઇઓનો સામનો કરવાનો સમય આવી ગયો, અને હવે છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક નાણાકીય મુશ્કેલીઓની મોટા પાયે અસર આ કંપનીઓ પર વર્તાવા માંડી છે. હાલમાં અમેરિકી કંપનીઓના ચોથા ક્વાર્ટરના જે પરિણામો બહાર પડ્યા છે તેમાં કેટલીક મોટી ટેક કંપનીઓના જે પરિણામો આવ્યા છે તે નિરાશાજનક જણાય છે અને એવી ચિંતા કરવા પ્રેરે છે કે ટેક કંપનીઓના સુવર્ણ યુગનો અંત આવી રહ્યો છે કે કેમ?
ગુરુવારે જાહેર થયેલા પરિણામોમાં જણાય છે કે એપલના વેચાણમાં પ ટકાનો ઘટાડો થયો છે અને ૨૦૧૬ પછી આ સૌથી મોટો ત્રિમાસિક ઘટાડો છે, આલ્ફાબેટ કંપની ચોથા ક્વાર્ટરનું લક્ષ્ય ચુકી ગઇ છે, એમેઝોને તો કોઇ નફો નહીં થયો હોવાનું દર્શાવ્યું છે જ્યારે ગૂગલ એડની આવક પણ ઘટી છે. આ તમામ ત્રણ મોટી ટેક કંપનીઓના વડેરાઓએ આવા પરિણામો માટે ગ્રાહકોમાં નાણાકીય તંગીને દોષ આપ્યો છે. આલ્ફાબેટ આઇએનસીએ ચોથા ક્વાર્ટરના પરિણામોમાં દર્શાવેલ નફો અને વેચાણ વૉલ સ્ટ્રીટની અપેક્ષાઓ કરતા નીચા છે, જ્યારે ગૂગલના એડવર્ટાઇઝમેન્ટ ક્લાયન્ટોએ જાહેરાતો પાછળ ખર્ચ ઓછો કરી નાખ્યો છે પરિણામે ગૂગલને જાહેરાતોની આવક ઘટી ગઇ છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઇ ગુરુવારે રોકાણકારોને સંબોધન કરતા ઉદાસ જણાયા હતા.
એપલના સીઇઓ ટીમ કૂક અને એમેઝોનના બોસ એન્ડી જેસીએ પણ હતાશાજનક પરિણામો જાહેર કર્યા હતા. આલ્ફાબેટની ચોખ્ખી આવક ઘટીને ૧૩.૬૨ અબજ ડોલર અથવા ૧.૦પ ડોલર પ્રતિશેર થઇ ગઇ છે જે એક વર્ષ અગાઉ ૨૦.૬૪ અબજ ડોલર અથવા ૧.પ૩ ડોલર પ્રતિશેર હતી. ચાર ક્વાર્ટરમાં આલ્ફાબેટનો આ સૌથી મોટો ઘટાડો છે. ગૂગલને જાહેરાતોની આવક કે જેમાં સર્ચ અને યુ-ટ્યુબમાંથી થતી આવકનો સમાવેશ થાય છે તેમાં ૩.૬ ટકાનો ઘટાડો થયો છે અને તે ૫૯.૦૪ અબજ ડોલર થઇ ગઇ છે.
આઇફોન જેવા ગેજેટ્સનું વેચાણ કરતી એપલ કંપનીના વેચાણમાં પ ટકાનો ઘટાડો થયો છે જ્યારે ચોથા ક્વાર્ટરમાં એમેઝોને તો પોતાને કોઇ જ નફો નહીં થયો હોવાનુ દર્શાવ્યું છે. આ બાબતો સ્પષ્ટ દર્શાવે છે કે આ કંપનીઓને આવકની દષ્ટિએ જે બખ્ખાનો સમય હતો તેનો હવે અંત આવ્યો છે. લોકો એપલના મોંઘા આઇફોન અને આઇપેડ ખરીદવાને બદલે સામાન્ય સ્માર્ટફોનથી કે ટેબ્લેટથી ચલાવી લેવાનો વિકલ્પ ધરાવે છે અને આર્થિક તંગીના સમયમાં તેમને આ વિકલ્પનો ઉપયોગ કરવો પડી રહ્યો છે તેમ જણાઇ રહ્યું છે. આઇફોન જેવા ગેજેટ્સનું વેચાણ ઘટે, નાણાકીય ખેંચને કારણે ગૂગલને તેના કલાયન્ટો જાહેરાતો ઓછી આપે તો આ કંપનીઓની આવક ઘટે તે સ્વાભાવિક છે અને હાલ આ કંપનીઓની આવકને મોટો ફટકો પડયો છે.
હાલ છેલ્લા કેટલાક સમયમાં માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન સહિતની અનેક મોટી આઇટી અને ટેક કંપનીઓએ મોટા પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કર્યા છે. અનેક મોટી ટેક કંપનીઓએ જ હજારો કર્મચારીઓને છૂટા કર્યા છે અને બીજી નાની ટેક કંપનીઓએ પણ મોટા પ્રમાણમાં કર્મચારીઓને છૂટા કર્યા છે. એક સમયે કોઇ મોટી ટેક કંપનીમાં નોકરી મળવી તે પ્રતિષ્ઠાની વાત ગણાતી હતી પરંતુ આજે હવે આ કંપનીઓમાં નોકરી અધ્ધર જીવે કરવી પડે તેવી સ્થિતિ છે. આવી કંપનીઓમાં આજે તગડા પગારો મેળવતા ફક્ત મોટા હોદ્દેદારો જ સલામત હોય એમ લાગે છે. બીજા પણ અનેક ક્ષેત્રોમાં ભૂતકાળમાં આવી સ્થિતિ સર્જાઇ ચુકી છે. વૈશ્વિક નાણાકીય સ્થિતિ સુધર્યા બાદ ટેક કંપનીઓની સ્થિતિ ફરી સુધરે તો પણ તેઓ કદાચ હવે પહેલાના સ્તરે નહીં પહોંચી શકે તેવું બની શકે.