SURAT

જંત્રીના ભાવ રાતોરાત બમણા કરી દેવાતા બિલ્ડરો નારાજ, કાલે બિલ્ડર એસો. દ્વારા CMને કરાશે રજૂઆત

સુરત: (Surat) રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં (Gujarat) જંત્રીના (Jantri) ભાવ ડબલ કરી દેવામાં આવતા બિલ્ડરોમાં (Builders) રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનના (Builders Association) હોદ્દેદારો મુખ્યમંત્રીને જંત્રીના ભાવમાં કરવામાં આવેલ વધારાને રદ કરવાની રજૂઆત કરશે. ક્રેડાઈમાં (Credai) યોજાયેલ મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે રાતોરાત જમીન મિલકતોના જંત્રીના ભાવો બમણા કરી નાંખતા સરકારી તિજોરી છલકાઇ જવા સાથે રિઅલ એસ્ટેટ માર્કેટમાં મોમેન્ટમ સ્લો થશે. રિઅલ એસ્ટેટ માર્કેટમાં વ્હાઇટના પેમેન્ટની કાપાકાપી વચ્ચે સરકારના આ પગલાથી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થશે. જે સોદાઓ અધવચ્ચે છે અને પુરા થયા નથી તેના માટે આ સ્થિતિ અઘરી બની ગઈ છે.

આ મામલે ક્રેડાઈ બિલ્ડર એસોસિએશનની મીટીંગ યોજાઇ હતી. મિટિંગમાં રાજ્યના અન્ય જિલ્લાના ક્રેડાઈના હોદ્દેદારો પણ ઓનલાઇન જોડાયા હતા. બિલ્ડર એસોસિયેશનના કહેવા મુજબ સરકારે આ નિર્ણય લેવા પહેલા એક બેઠક યોજવી જોઇતી હતી. સરકારના એકાએક નિર્ણયને કારણે યુઝર અને ડેવલોપર્સ વચ્ચે મુશ્કેલી ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ક્રેડાઈ ગાહેડ બિલ્ડર એસોસિયેશન દ્વારા સોમવારે સરકારના આ નિર્ણયના અમલીકરણમાં થોડા સમયની છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવશે. બિલ્ડરોનું કહેવું છે કે સરકારે જે જંત્રી વધારવાનો નિર્ણય લીધો છે એ લાંબા સમયથી માંગ હતી પરંતુ અચાનક જંત્રીના ભાવ ડબલ કરી દેતા બિલ્ડર જ નહીં પરંતુ સામાન્ય લોકોને પણ તકલીફ પડશે. સરકારે આ નિર્ણય રદ કરી જંત્રીના ભાવ એક સાથે વધારવાના બદલે ધીમે ધીમે વધારો કરવો જોઈએ.

રાજય સરકારે સને-2011 પછી જંત્રીના દરો રાતોરાત બમણા કરી નાંખતા જમીન મિલકત બજારમાં ખળભળાટ થઇ ગયો છે. સરકારે અગિયાર વરસ બાદ જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ-2011)માં આવતીકાલથી બે ગણો વધારો ઝીંકી દેતા સેકડો લેન્ડ ડેવલપર સહિત બિલ્ડર અને જમીનદારો દોડતા થઇ ગયા છે. સુરત શહેરમાં જંત્રી વધારો અનિવાર્ય હતો. પરંતુ તે પહેલા લોકોને આગોતરી જાણ કરવાની હતી. જેને લઇને લોકો દસ્તાવેજ કરવા સહિત પોતાના રનિંગ સોદા અને ચાલુ રહેલા સોદા મામલે ગોઠવણ કરી શકે. સુરતમાં જમીન મિલકતોના બજાર કિંમત અને ઓન પેપર વ્હાઇટ રકમ વચ્ચે આસમાન જમીનનો તફાવત હતો. આ તફાવત વચ્ચે અંતર ઘટાડવું જરૂરી હતું. પરંતુ તે અંગે લોકોને આગોતરી જાણ કરાઇ હોત તો સેકડો સોદાઓ ઉપર તેની માઠી અસરો રોકી શકાઈ હોત.

રાજય સરકારે પોતાની તિજોરી ભરવા માટે લોકોના માથે રાતોરાત જંત્રીનું ભારણ ડબલ કરી નાંખતા રિઅલ એસ્ટેટ માકેર્ટમાં મંદીના વાદળો ફરી વળશે. આગામી દિવસોમાં આઇટીના પણ પ્રશ્નો ઉભા થશે. કેમ કે જે લોકોએ આગામી 31 માર્ચના રોજ પુરા થતા નાણાંકીય વરસને ધ્યાને રાખી ટેક્ષ કન્સલ્ટન્ટ સાથે રાખી જે દસ્તાવેજ કરવાના હતા તે પણ ખોરવાઇ જશે. આઇટીમાં પણ કેસોનું ભારણ વધે તેવી વકી છે કેમ કે જંત્રી વધતા દસ્તાવેજો માટે વ્હાઇટ અમાઉન્ટ સીધી ડબલ થતા એન્ટ્રી સહિતની તકલીફો ઉભી થશે.

સુરત શહેરના કોટ વિસ્તારના વોર્ડ નંબર 1થી 12ની જંત્રી વધતા લોકોની હાલાકી વધશે
રાજય સરકારે જંત્રીના ભાવ બે ગણા ઠોકી બેસાડતા સુરત શહેરના સેંકડો એવા વિસ્તાર છે, જ્યાં બજારભાવ અને જંત્રીભાવ વચ્ચે ઝાઝો ફેર નથી. કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં જંત્રી ડબલ થઈ જતાં તેની સામે બજાર ભાવ ઓછો છે. આવા વિસ્તારોમાં મોટાભાગે કોટ વિસ્તારનો સમાવેશ થાય છે. કોટ વિસ્તારમાં મહિધરપુરા, હરિપુરા, નાનપુરા, સગરામપુરા, સલાબતપુરા, રૂસ્તમપુરા બેગમપુરા, મંછરપુરા, ચોકબજાર, સોની ફળિયા. નવાપુરા, વાડીફળિયા, ગોપીપુરા, રામપુરા, લાલદરવાજા અને સૈયદપુરા જેવા વિસ્તારોમાં જંત્રી ભાવોની માઠી અસરો થશે. હાલ આ વિસ્તારોમાં બજારભાવ અને જંત્રી ભાવ લગોલગ છે. તેવા સંજોગોમાં જંત્રીના ભાવો ડબલ થતા વહેવારો અટકી જશે.

જંત્રી ડબલ થઈ જતાં મિલકત વેચનારે મોટી રકમનો કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો આવશે
જાણીતા સીએ મયંક દેસાઈએ જણાવ્યું હતું કે, મિલકતોના ખરીદ-વેચાણ પર કેપિટલ ગેઈન ટેક્સ લાગતો હોવાથી સરકાર દ્વારા અચાનક જંત્રી ડબલ કરી દેવામાં આવતા જે લોકો મિલકત નવા જંત્રી દરે વધશે તેણે મોટી રકમનો કેપિટલ ગેઈન ટેક્સ ભરવાનો આવશે. કેપિટલ ગેઈન ટેક્સ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ માટે લાગે છે. આ ટેક્સનો દર 20 ટકાથી શરૂ કરીને 30 ટકા સુધીનો થતો હોવાથી મિલકત ખરીદનારાઓને કેપિટલ ગેઈન ટેક્સ મથાવશે.

અચાનક વધારી દેવાયેલી જંત્રીનો ભારે વિરોધ થશે: ક્રેડાઈ સુરત પ્રેસિડેન્ટ સંજય માંગુકીયા
સરકાર દ્વારા અચાનક જંત્રી ડબલ કરી દેવાના નિર્ણય અંગે ક્રેડાઈ સુરતના પ્રેસિડેન્ટ સંજય માંગુકીયાએ જણાવ્યું હતું કે, આ સરકારનું પગલું ખોટું છે. આ રીતે જંત્રી વધારી શકાય નહીં. પહેલા તેનો સરવે થવો જોઈએ. વાંધા-સૂચનો મંગાવવા જોઈએ અને ત્યારબાદ ધીરેધીરે જંત્રી વધારવી જોઈએ. જંત્રી ડબલ થઈ જતાં અનેક વિસ્તારોમાં બજાર ભાવ કરતાં જંત્રી વધી જવા પામી છે. જંત્રી વધારવાને કારણે ફ્લેટના ભાવો વધી જશે. સરકારે પેઈડ એફએસઆઈ ઘટાડવી જોઈએ. જંત્રી વધી જતાં સ્ટેમ્પ ડ્યુટી પણ ઘટાડવી જોઈએ. આમ નહીં કરવાને કારણે આ જંત્રી વધારાનો ભારે વિરોધ થશે. જંત્રી વધારાને કારણે અનેક વિસંગતતાઓ ઊભી થઈ છે. જેથી અમે પણ અમારી રણનીતિ નક્કી કરીને આ અંગે સરકારમાં રજૂઆતો કરીશું.

સરકાર જંત્રીના વધારા અંગે ફેરવિચાર કરે: એડવોકેટ મનિષ પટેલ
શહેરના જાણીતા ધારાશાસ્ત્રી એડવોકેટ મનિષ પટેલએ કહયુ હતુ કે સરકારે જંત્રીના ભાવ વધારા અંગે ફેરવિચાર કરવો જોઇએ. લોકોને તે માટે પુરતો સમય આપવો જોઇએ. હવે લીટીગેશન વધશે. અને જે સોદાઓ રનિંગ છે કે પુરા થવા આરે છે. તેવા કિસ્સામાં પણ મોટી સમસ્યાઓ ઉભી થશે.

જંત્રી વધતાં નવા વિકસિત વિસ્તારોમાં મોટો ફાયદો થશે: એડવોકેટ પ્રણવ ઉપાધ્યાય
શહેરના જાણીતા એડવોકેટ પ્રણવ ઉપાધ્યાયે કહયુ હતુ કે જંત્રી વધી તે સારી બાબત છે. કેમ કે નવા ડેવલપ વિસ્તારમાં તેનો ભરુપુર ફાયદો થશે. લોકોની મિલકતોની ચોપડે કિંમત વધશે.

સોમવારે ઉઘડતી કચેરીએ સ્ટેમ્પપેપર માટે દોડાદોડી ન થાય તે માટે કલેક્ટરે આગોતરી વ્યવસ્થા કરી
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે કહ્યું હતું કે, અમે સરકારના નિર્ણય અંગે તમામ સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર બેઠક કરી છે…. અમે બેંક શાખાઓ, જન સેવા કેન્દ્ર અને સબ રજિસ્ટ્રાર કચેરીઓ સાથે સંવેદનશીલ સ્થાનો ઓળખી કાઢ્યા છે. જ્યાં આજે એક્ઝિક્યુટ થયેલા કરારો માટે સોમવારે સ્ટેમ્પ ખરીદવા માટે ઘણો ધસારો હોઈ શકે છે…. આવા તમામ સ્થળોએ પોલીસ બંદોબસ્ત મુકવામાં આવશે. જેથી લોકોને કોઈ અગવડતા ન પડે.

Most Popular

To Top