એક દુનિયાભરની નાની મોટી પરેશાનીઓથી કંટાળેલો યુવાન પરેશાનીથી દૂર ભાગવા દારૂની બોટલમાંથી દારૂ પીતાં પીતાં મોડી રાત્રે રસ્તા પર બડબડ કરતો ચાલી રહ્યો હતો અને નશાની હાલતમાં એક ઝાડ નીચે બેસી ગયો.પરેશાનીઓથી દૂર ભાગવા તે દારુ પી રહ્યો હતો પણ દારૂના નશામાં પણ પરેશાનીઓ વિષે જ બોલી રહ્યો હતો. ‘આખી દુનિયા મને વેરી લાગે છે.’…. ‘હંમેશા સ્ટ્રેસમાં પ્રેશર અને એસીડીટી થઈ જાય છે’…. ‘કોઈ માન આપતું નથી.’…. ‘ખર્ચા વધતા જાય છે અને આવક વધતી નથી, હાથ તંગ જ રહે છે અને ઉધાર કયાં કયાં માંગુ ….’‘
સંસારમાં કોઈ સારું નથી બધા સ્વાર્થી છે’…. મારા જ જીવનમાં મુશ્કેલીઓ જ મુશ્કેલીઓ છે …આમ પોતાની મુશ્કેલીઓ અને તકલીફો વિષે અર્ધ બેભાન અવસ્થામાં બોલતો બોલતો તે બેભાન થઇ ગયો.એ ઝાડ પાસે જ એક ફકીર બાબા બેઠા હતા.તેઓ તેને પોતાની ઝૂંપડીમાં લઇ ગયા. કલાકો બાદ યુવાન ઊઠ્યો. તેને આજુબાજુ નજર કરી…ફકીરબાબાએ પૂછ્યું , ‘માથું દુખે છે ને? ચા બનાવું? આટલો બધો નશો કરવો સારો નહિ.’યુવાન ધીમેથી બોલ્યો, ‘બાબા, કંટાળી ગયો છું આ દુનિયાભરની પરેશાનીઓથી… શું કરું કંઈ સમજાતું જ નથી.એટલે દારૂ ન પીઉં તો શું કરું?’
ફકીરબાબા બોલ્યા, ‘યુવાન, આ કોઈ ઉકેલ નથી. તેના કરતાં મારી પાસે તારી પરેશાનીઓના ઘણા સારા ઉકેલ છે.’યુવાન બોલ્યો, ‘બાબા , તમારી પાસે એવો તે કયો જાદુ છે જે મારી પરેશાનીઓ દૂર કરી શકે? મારા જીવનમાં એક નહિ અનેક પરેશાનીઓ છે..’ફકીરબાબા બોલ્યા, ‘દોસ્ત મારે કંઈ નથી કરવાનું, જે કંઈ કરવાનું છે તે તો તારે કરવાનું છે …જે દુનિયાથી તને તકલીફ છે તું હસીને મળ તો દુનિયા હસીને મળશે…તારી તબિયત ખરાબ છે તો રોજ ચાલવાનું રાખ. કસરત કર. તબિયત સુધરી જશે…જરા દારૂની આ ખરાબ લત છોડ તો કોઈ તારું અપમાન નહિ કરે બધે માન વધશે …ખર્ચા ઘટાડ… અને કોઈ પાસે હાથ લાંબો ન કર ..તો જીવન જીવવા જેવું લાગશે અને રોજ મીઠી ઊંઘ આવશે…
વધુ ને વધુ પ્રયાસો કર, મહેનત કર, તો આવક વધશે અને પૈસાની તંગી દૂર થશે અને યુવાન તું સારો તો દુનિયા સારી …અને તું ખરાબ તો દુનિયા ખરાબ એટલે જેવું વિચારીશ અને જેવું કરીશ તેવું જ મેળવીશ સમજ્યો….અને જીવનમાં બધી જ મુશ્કેલીઓ દૂર ભગાવવાનો એક સરળ રસ્તો છે કે ભગવાનમાં વિશ્વાસ રાખી બધું તેના ભરોસે છોડી ભગવાનની ભક્તિ કર. રોજ થોડી વાર ધ્યાન -જપ-નામસ્મરણ કર, તો બધી જ મુશ્કલીઓ આપોઆપ દૂર થઇ જશે.આ બધું તારે કરવાનું છે અને આ કરીને જો. પછી મને કહેજે. નહિ તારા જીવનમાં મુશ્કેલીઓ રહે, નહિ તારે દારૂ પીવાની જરૂર પડે.’ફકીર બાબાએ યુવાનને સાચો રસ્તો દેખાડ્યો.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.