દમણ: (Daman) સંઘપ્રદેશ દમણના કચીગામ નજીક આવેલી એક વાડીમાંથી પસાર થતી ગટર લાઈન (Sewer Line) પાસે એક અજાણ્યા પુરૂષની લાશ (Dead Body) મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. અજાણ્યા પુરુષને કોઈએ મોઢાના તથા માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર રીતે માર મારી હત્યા નિપજાવી હોવામની આશંકાએ પોલીસે હત્યાનો (Murder) ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
- બોથડ પદાર્થ વડે મોઢા અને માથાના ભાગે માર મારી અજાણ્યાને પતાવી દેવાયો
- દમણના કચીગામમાં ગટર લાઇન પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી
દમણમાં આજરોજ સવારે કચીગામ પાસે એક વાડીના ઝાડી ઝાંખર પાસેના જૂના ઝૂપડા નજીકથી પસાર થતી ગટર નજીક એક અજાણ્યા પુરૂષની લાશ એક તાડી પાડવા જતા સ્થાનિક વ્યક્તિને જોવા મળી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને લોહી લુહાણ હાલતમાં પડેલી લાશને જોયા બાદ અન્ય ગ્રામજનોને જાણ કરતા લોકો ઘટના સ્થળે એકત્ર થવા પામ્યા હતા. ઘટનાની જાણ કચીગામ પોલીસને કરતા પોલીસની એક ટીમ જગ્યા પર આવી પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસને તપાસમાં કોઈ અજાણી વ્યક્તિને કોઈએ બોથડ પદાર્થ વડે મોઢાના અને માથાના ભાગે ગંભીર રીતે વાર કરી હત્યા નિપજાવી હોઈ એવું પ્રથમ દ્રષ્ટિએ જોવા મળ્યું હતું. આ અંગે વલસાડ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમ્યાન લાશ નજીકથી એક આધાર કાર્ડ પોલીસને મળતાં આસામના કોઈ 32 વર્ષીય ગૌરીશંકર દલાઈનો હોવાનુ જાણવા મળ્યું હતું. ત્યારે મૃતક ગૌરીશંકર દલાઈ જ છે કે અન્ય કોઈ એ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં મોકલી પોલીસ ચોપડે હત્યાનો ગુનો દાખલ કરી કોણે મૃતકને આ પ્રમાણે મોતને ઘાટ ઉતાર્યો એ દિશામાં તપાસ હાથ ધરી છે.
ઉમરગામના ફણસામાં જૂની અદાવતમાં એકને લાકડાથી ફટકારાયો
ઉમરગામ : ઉમરગામના ફણસામાં જૂની અદાવતમાં એકને લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી હોવાના બનાવની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ફણસા તળાવ ફળિયામાં રહેતા ફરિયાદી પરેશ દિનેશ કોળી રવિવારે બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. ત્યારે ભાવેશ કામળી (રહે ફણસા કામરવાડ)એ ફરીયાદીના ઘરે આવી મારી પત્ની સાથે એક વર્ષ પહેલા કેમ સંબંધ રાખ્યો હતો. તેમ કહી ગાળા ગાળી કરી લાકડીથી માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી નાસી ગયો હતો. આ બનાવની નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પરેશ કોળી (રહે ફણસા તળાવ ફળિયા)એ આપતા પોલીસે ભાવેશ કામળી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.