બારડોલી: બારડોલીના NRI પરિવારની કારને દહાણુ નજીક ચારોટી પાસે મળસ્કે 3.30 કલાકે અકસ્માત (Accident) નડતા ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ પરિવાર બારડોલીથી (Bardoli) સ્કોડા કારમાં મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) તરફ જઈ રહ્યો હતો ત્યારે લક્ઝરી બસ સાથે અકસ્માત થયો હતો. વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલો મુસ્લિમ પરિવારને અકસ્માત નડતા બારડોલીના વ્હોરાવાડ વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો.
- મુસ્લિમ એનઆરઆઈ પરિવાર પરત લંડન જવા માટે બારડોલીથી સોમવારે રાત્રે કારમાં નીકળ્યા હતા
- એનઆરઆઈ પરિવાર કારમાં બાયરોડ મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા
- મળસ્કે ચારોટી જંકશન પાસે ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી બસમાં ઘુસી ગઈ
- કાર અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતા કારમાં બેઠેલાં ચારેય જણાના સ્થળ પર જ મોત નીપજ્યાં
- પાલઘર પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ હાથ ધરી
- બારડોલીના વ્હોરાવાડમાં શોક વ્યાપી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા ઈબ્રાહીમ દાઉદ તથા આશિયા કલેક્ટર થોડા સમય પહેલાં પરિવારને મળવા માટે બારડોલી આવ્યા હતા. અહીં પરિવાર, સગાસંબંધીઓ સાથે સમય વિતાવ્યા બાદ તેઓ લંડન (London) પરત ફરવા માટે સોમવારે રાત્રે બારડોલીથી મુંબઈ એરપોર્ટ જવા નીકળ્યા હતા. ઈબ્રાહીમ દાઉદ, આશિયા કલેક્ટર તથા તેમના સંબંધી ઈસ્માઈલ મહંમદ દેસાઈ, કારચાલક મહંમદ સલામ હાફેજી સાથે સ્કોડા કારમાં બાયરોડ નીકળ્યા હતા. મળસ્કે ચાર વાગ્યાના અરસામાં દહાણુથી આગળ ચારોટી જંકશન (Charoti Junction) પાસે સ્કોડા કાર અન્ય વાહન સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં ચાર જણાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
મૃતકોના નામ : ઈબ્રાહીમ દાઉદ, આશિયા કલેક્ટર, ઈસ્માઈલ મહંમદ દેસાઈ, મહંમદ સલામ હાફેજી
અકસ્માતની જાણ થતા મહારાષ્ટ્રની પાલઘર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત કાર અને બસ વચ્ચે થયો હતો. કારમાં બેઠેલા ચારેય લોકોના મોત નિપજ્યા હતા. પાલઘર પોલીસે મૃતકોના ઓળખપત્ર મેળવી બારડોલીમાં તેમના સંબંધીઓને જાણ કરી હતી. પાલઘર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસે કહ્યું કે, ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર સીધી બસમાં ઘુસી ગઈ હતી. મોતના સમાચાર મળતા જ બારડોલીના વ્હોરાવાડમાં મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ ગયા હતા. પરિવાર અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી.