Sports

મેચ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા ભડક્યો, કહ્યું, ‘પહેલાં ખાતરી કરી લેવાની હોય’

લખનઉ: ન્યુઝીલેન્ડ (New zealand) સામે બીજી T20 મેચમાં માંડ જીતેલી ભારતીય ટીમ લખનઉની પીચથી નિરાશ છે. 100 રનનો ટાર્ગેટ હાંસલ કરવા માટે ભારતીય બેટ્સમેનોને 20 ઓવર રમવી પડી હતી. મેચ પૂરી થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પીચ ક્યૂરેટર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) કહ્યું કે, લખનઉની પીચ T20 મેચ માટે હતી જ નહીં.

રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લખનઉ ખાતે બીજી ટી20 મેચ રમાઈ હતી. આ મેચ જીતીને ભારતે ત્રણ મેચોની સિરીઝ 1-1થી બરોબર કરી છે. રવિવારે લખનઉની મેચમાં ટોસ જીતીને ન્યુઝીલેન્ડની ટીમના કેપ્ટન મિશનલ સેન્ટનરે પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ન્યુઝીલેન્ડની ટીમ માત્ર 99 રન જ બનાવી શકી હતી. ટૂંકા લક્ષ્યનો બચાવ કરવા માટે ઉતરેલી કીવી ટીમે ટક્કર આપી હતી પરંતુ છેલ્લી ઓવરમાં સૂર્યકુમાર યાદવના ચોગ્ગા સાથે યજમાન ભારતે રોમાંચક જીત મેળવી હતી. આ મેચ લખનઉના શ્રી અટલ બિહાર વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ એક લો સ્કોરિંગ મેચ રહી હતી. કારણ કે પીચ ખૂબ જ ખરાબ હતી. મેચ ખતમ થયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પીચ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

મેચ બાદ હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ‘ટૂંકા ટાર્ગેટની આ મેચ અમે સરળતાથી જીતી જઈશું તેવો મને વિશ્વાસ હતો, પરંતુ તેમ બન્યું નહીં. 100 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં ઘણું મોડું થયું. જેમ વિકેટ પડતી હતી તેમ આઘાતનો આંચકો લાગતો હતો. જોકે, ડરવાની જરૂર નથી. આ પીચ પર સ્ટ્રાઈક રોટેટ કરવાની હતી, અને અમે એમ જ કર્યું હતું. બેઝિક્સ પર ધ્યાન આપ્યું હતું. પીચ વિશે હાર્દિકે કહ્યું કે, સાચું કહું તો અત્યાર સુધી જેટલી મેચ રમ્યા છે તેમાં આ સૌથી ખરાબ પીચ હતી. મુશ્કેલ પીચથી અમને ફરક પડતો નથી, પરંતુ આ પીચ તો ટી20 માટે બની જ નહોતી. પીચ સારી છે કે નહીં તેની ખાતરી ક્યૂરેટરે પહેલાં જ કરી લેવાની હોય છે.

સ્પીનર્સ સામે બેટ્સમેનો નિષ્ફળ રહ્યા
લખનઉના મેદાનમાં સ્પીનર્સનો દબદબો રહ્યો હતો. ન્યુઝીલેન્ડની ટીમ સામે ભારતના સુંદર, ચહલ સફળ રહ્યાં હતાં જ્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટને પણ પાર્ટટાઈમ બોલર્સ સહિત 5 સ્પીનર્સને અજમાવ્યા હતા. આ મેચમાં 239 બોલ સુધી એક પણ છગ્ગો લાગ્યો નહોતો, તે પણ એક રેકોર્ડ થયો છે. ન્યુઝીલેન્ડની ટીમ 20ઓવરમાં 8 વિકેટ પર 99 રના જ તેઓ બનાવી શકી હતી. ભારતીય બેટ્સમેનોએ પણ સ્પિન સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. ટીમે 20મી ઓવરની પાંચમી બોલ પર 100 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો.

ભારતના બોલિંગ કોચે કહ્યું, પીચ ક્યૂરેટરે યોગ્ય જવાબ આપી શકે
હાર્દિક પંડ્યાએ લખનઉની પીચને ખરાબ ગણાવી ત્યાર બાદ આ મામલે ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચનું નિવેદન સામે આવ્યુંછે. બોલિંગ કોચ પારસ મહામ્બ્રે કહ્યું કે, ન્યુઝીલેન્ડ સામેની બીજી ટી20 મેચ જયાં રમાઈ તે લખનઉના સ્ટેડિયમની પીચ અંગે તેના ક્યૂરેટર જ યોગ્ય જવાબ આપી શકે. જોકે, અમે ચોક્કસપણે જાણતા હતા કે પીચ પડકારજનક રહેશે. આ પીચ પર 120થી 130 સ્કોર ખરેખર પડકારજનક બની ગયો હોત.

Most Popular

To Top