વડોદરા : વડોદરા શહેરના કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળ મેળાનું આયોજન કરાયું હતું.જેના પગલે કમાટીબાગની બહાર દબાણ ન થાય તે માટે ખાણીપીણીની લારીઓના દબાણોને દૂર કરવા માટે પાલિકાની દબાણશાખાની ટીમ પહોંચી હતી.દબાણ શાખાની ટીમે લારી ગલ્લા દૂર કરવાની કાર્યવાહી હાથધરી હતી.દરમિયાન કમાટીબાગની બહાર ચણાની દાળ વેચતી એક મહિલાની દીકરીએ ઉશ્કેરાઈ જઈને જાહેરમાં ચપ્પા વડે હાથની નસ કાપી નાંખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જ્યારે દબાણ કર્તા મહિલાએ પાલિકાની દબાણ શાખાના કર્મીઓ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. જોકે ઈજાગ્રસ્ત થયેલ મહિલાને તુરંત સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.નોંધનીય છે કે આડે દિવસે પણ ઘણા દબાણોનો ખડકલો જામતો હોય છે.ત્યારે આ વખતે બાળમેળાને લઈ રોજનું કમાઈ રોજ પેટિયું રડતા આવા નાના શ્રમજીવીઓ પોતાને ચાર પૈસા મળે તે માટે વિવિધ ખાણી પીણાના ઠેલાં લગાવતા હોય છે.ત્યારે પાલિકાની દબાણ શાખાની ટીમ બાળ મેળાને લઈ કમાટીબાગની બહાર દબાણ દૂર કરવા પહોંચી હતી.
જેથી અહીં મેળો નિહાળવા આવતા સહેલાણીઓ તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને કોઈ અડચણ ઉભી ન થાય.જોકે પાલિકાની દબાણ શાખાની ટીમને જોઈ ને ચણાની દાળ વેચતી યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી. અને પોતે પોતાના જ હાથની નસ ચપ્પુ વડે કાપીને જાહેરમાં આપધાત કરવાનો પ્રયત્ન કરી પોતાને ઈજા પહોંચાડી હતી.જેથી દબાણની ટીમ કોઈ કાર્યવાહી ન કરે.જોકે આપઘાતનો પ્રયાસ કરતા તુરંત જ દબાણ શાખાની ટીમે સયાજીગંજ પોલીસ મથકમાં આ અંગેની જાણ કરતા સયાજીગંજ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત જયાબહેનને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.