લુણાવાડા : લુણાવાડા પાલિકાના ઈજનરે અને કોન્ટ્રાક્ટરના બુદ્ધિ પ્રદર્શન જેવા કામને લઇ નગરજનો પરેશાન છે. ખોડિયારનગર સોસાયટી વિસ્તારમાં રોડની વચ્ચે જ ગટર એક ફુટ ઉંચી બનાવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. આવા ધનધડા વગરના કામને લઇ રહિશોમાં પણ ફિટકારની લાગણી જોવા મળી રહી છે. લુણાવાડા નગરમાં રહીશોની અનેક રજૂઆતો બાદ ખોડિયાર નગર સોસાયટીમાં રોડ બન્યો હતો.
પરંતુ રોડની વચ્ચોવચ રહેલી ગટરના ગોળ ઢાંકણાને એક ફૂટ ઊંચું પ્લાસ્ટર કરી યથાવત સ્થિતિમાં રહેવા દેતા છેલ્લા બે વર્ષથી રહીશો અવરજવર માટે પરેશાન થઈ રહ્યા છે. પરંતુ પાલિકા તંત્રના સત્તાધીશો અને અધિકારીઓને રહીશો અવાજ સંભળાતો નથી અને સમસ્યા દેખાતી નથી. ખોડિયાર નગર સોસાયટીમાં રોડ બન્યો ત્યારથી ભૂગર્ભ ગટર યોજનાનું રોડ વચ્ચે આવતું ઢાંકણ વચ્ચે અને રોડ લેવલથી એક ફૂટ ઊંચું હતું તેને રોડ સાથે સમાંતર કરવાને બદલે યથાવત સ્થિતિમાં પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું.
રોડ બન્યો ત્યારે તેમજ પણ અનેક રહીશોએ રજુઆત કરી હતી. પરંતુ આ સમસ્યાનો હલ કરવા પાલિકા તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા રહીશોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્રની બેદરકારીને પગલે લોકો આંદોલનના મૂડમાં જોવાઈ રહ્યા છે ત્યારે સત્વરે કામગીરીની માંગ ઉઠી રહી છે. લુણાવાડા પાલિકા દ્વારા કરાતા વિકાસ કામોમાં વેઠ ઉતારવાના પગલે પ્રજાના પરસેવાના નાણાનો વેડફાટ થઇ રહ્યો છે. આ અંગે અગાઉ પણ વિજીલન્સ તપાસની માગણી ઉઠી હતી. પરંતુ સત્તાધિશોને પ્રજાની કોઇ પડી ન હોઇ તેવો સુર ઉઠ્યો છે.
પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલન કરીશું
‘અમારી ખોડીયાર નગર સોસાયટીના રહીશોએ આ રોડ વચ્ચોવચ ગટર બાબતે અનેક રજુઆત કરી છે. પહેલી નજરે જ સામાન્ય માણસને પણ દેખાય કે આ ભૂલ છે અને પાલિકા તંત્રની બેદરકારી છે તેમ છતાં લાંબા સમયથી તેનો કોઈ નિકાલ આવ્યો નથી. જો આ અંગે સત્વરે કાર્યવાહી નહી કરવામાં આવે તો રહીશો ઉગ્ર આંદોલન કરશે અને આગામી પાલિકા ચુંટણીનો પણ બહિષ્કાર કરશે.’ – ગજેન્દ્રસિંહ સોલંકી, સ્થાનિક રહિશ, લુણાવાડા.