Charchapatra

ચાર્જિંગ પોઇન્ટ પ્રશંસનીય છે

ચાર્જીંગ પોઇન્ટ વાર્તાકથન થકી વાચકોને પ્રેરણાદાયી અને બોધદાયી સંદેશાઓ અત્યંત પ્રશંસનીય રહે છે. તા. 20.1.23 ચાર્જીંગ પોઇન્ટ હેઠળ તમે ઇશ્વરની નજરમાં છો. મનમાં ગહેરી અસર મૂકતો ગયો. સીસીટીવી કેમેરાની હાજરીથી સૌ કોઇ ચેતતા રહે છે અને અઘટિત કૃત્ય કરતાં ભય અનુભવે છે. આ જ દિવસને મનમાં રાખી આપણે સીસીટીવી કેમેરા હોય કે ન હોય તો પણ અહીં ઇશ્વર બધું જ જુએ છે એનો અમલ કરીએ એટલે કે વ્યાપાર, નોકરી, સંસ્થાઓના સંચાલનમાં નાણાંકીય પ્રલોભનની લાલચમાં બિનપ્રમાણિત, કાયદા વિરૂધ્ધ આચરણ ન કરીએ તો દેશમાં થતા લાખ્ખો કૌભાંડો ચોક્કસ અટકી જાય અને વ્યકિત ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી પ્રામાણિક સુલભ સજ્જનશીલ જીવન પોતે તથા કુટુંબીજનો પણ માણી શકે.
સુરત     – દીપક બંકુલાલ દલાલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આ લોકોને વળતર કેમ ન ચુકવાય?
આપણાં દેશમાં વિવિધ આકસ્મિક ઘટનાઓમાં ભોગ બનનારને કે એના પરિવારોને સરકાર તરફથી વળતર ચુકવવાની પરંપરા છે. જેમકે રાજકોટમા ઝૂલતો પુલ તૂટી પડતા જેઓ માર્યા ગયા એમના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રાહત વળતર ચુકવવાની જાહેરાત વિના વિલંબે કરાઇ. સૌરાષ્ટ્રમા ઝેરી દારૂ અર્થાત લઠ્ઠો પીને મરનારના પરિવારજનોને ય ચુપ કરી દેવા તુરંત વળતર ચુકવવાની જાહેરાત કરાઇ એ જ રીતે બળાત્કારનો ભોગ બનેલી સગીર વયની બાળકીઓને કે એના પરિવારજનોને જીલ્લા કાનૂની સેવા મંડળની તિજોરીમાંથી ૨૦/૨૦ લાખ સુધીની સહાય ચુકવવાના યે હુકમો થાય છે. જયારે હાલમા જ ગયેલા ઉત્તરાયણના તહેવાર દરમ્યાન પતંગના દોરાનો ભોગ બની સાત નિર્દોષ ટુ વ્હીલર ચાલકોએ જીવ ગુમાવ્યા એમના પરિવાર નોંધારા બન્યા. સરકાર આ નિર્દોષોના મૃત્યુ બદલ ચુપ કેમ છે? આ લોકોના મોતને આકસ્મિક મોત ગણાવીને કેસ (ફાઇલ) બંધ કરી દેવાય છે એ કેમ ચાલે? સરકાર જો પ્રતિબંધિત દારૂ કે લઠ્ઠો પીને મરનારના પરિજનોને વળતર ચુકવતી હોય તો પતંગ દોરાનો ભોગ બનનાર નિર્દોષોના પરિજનોને યોગ્ય વળતર કેમ ન ચુકવે?
સુરત     – જીતેન્દ્ર પાનવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top