Columns

ચા ઉકળવા લાગી

એક દિવસ સાંજે રોહિતના ઘરે આવવાના સમયે રિયા ચા બનાવી રહી હતી.ગીત ગણગણતાં તેણે ચાની તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું ..તેમાં ચા…ચાનો મસાલો …આદુ…લીલી ચા …નાખી થોડી વારમાં ચા ગરમ થઈને ઉકળવા લાગી અને અને ચાની સુગંધ ચારે બાજુ પ્રસરી ગઈ.થોડો સમય ચાને બરાબર ઉકળવા દીધા બાદ રીયાએ તેમાં સાકર નાખી અને થોડીવાર માટે ભરપૂર ઉકળતી ચા જાણે શાંત થઇ ગઈ.

આ તો રોજ જયારે ચા બને ત્યારે થતું જ હશે પણ આજે રિયાનું ખાસ ધ્યાન ગયું અને તે આ બાબતે કંઇક વિચારવા લાગી. રીયાએ વિચાર્યું કે આમ તો આ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે કે એકદમ ગરમ ઉકળતા ચા ના પાણીમાં સક્ર નાખવામાં આવે એટલે જે એનર્જી પાણીને ઉકાળી રહી હતી તે એનર્જી સાકરને ઓગાળવામાં વપરાવા લાગી એટલે ચા ઉકળતી ધીમી થઈ ગઈ. પછી રિયાએ આગળ એમ વિચાર્યું કે આ ઉદાહરણને જીવન સાથે સરખાવીએ તો કોઇ પણ કારણસર જયારે પરિવારમાં કે સમાજમાં વાત બગડે કે ઝઘડો થાય અને બોલાચાલી થતાં વાતાવરણ વધુ પડતું ઉકળતા ચા ના પાણી જેવું ગરમ થઇ જાય ત્યારે જો તે ઉકળતા વાતાવરણમાં પ્રેમની ,સ્નેહની, શાંતિની કે માફીની મીઠાશ નાખવામાં આવે તો તે ઉકળતું ગરમ વાતાવરણ શાંત થઇ જાય…. રિયા આ વિચારોમાં હતી અને ચા ઉકળી રહી હતી.

રોહિત આવ્યો અને બોલ્યો, ‘અરે ચા ઊકળી ગઈ છે તું કયા વિચારોમાં ખોવાયેલી છે?’ રીયાએ ચાના પાણીમાં દૂધ નાખ્યું અને ચા ગાળીને બે કપ ભર્યા પછી બેસીને ચા પીતાં પીતાં તેણે પોતે ઉકળતી ચા વિષે શું અવલોકન કર્યું અને શું વિચારતી હતી તે રોહિતને જણાવ્યું.રોહિત તેની વાત સાંભળીને બોલ્યો, ‘અરે હા ,આમ તો આ રોજ થતી પ્રક્રિયા છે પણ તારું અવલોકન અને જીવન સાથે તેનું જોડાણ સરસ છે.

મને એવો વિચાર આવ્યો કે આ ઉકળતી ચાના પાણીની જેમ આપણામાં પણ ઘણી બધી એનર્જી હોય છે જે કામ કરે છે પણ સાકરની જેમ તેમાં કોઈ બીજા વિચારો ભળે તો આપણી એનર્જી વહેંચાઇ જઈને કામ તરફથી ઓછી થઇ જાય છે….એમ પણ શક્ય બને કે આપણા મનમાં અનેક ઉચાટ ઉકળતા હોય પણ તેમાં સાકર જેવો કોઈ સ્વજનનો સાથ મળે તો તે ઉચાટ થોડા શાંત થઇ જાય… આ ઉદાહરણને આપણે જુદી જુદી રીતે જોઈ શકીએ.’રોહિત અને રિયા ચા વિષે વાતો કરતા સાંજની ચા માણી.   -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top