રાજકોટ: ગઈ તા. 30મી ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટી (Morbi Bridge Collapsed) પડ્યો હતો. આ કમનસીબ ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં ત્રણ મહિના બાદ મોરબી પોલીસે મોરબી કોર્ટમાં 1200 પાનાની ચાર્જશીટ (Charge Sheet) દાખલ કરી છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાની હોનારતમાં આજે મોરબીની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે 1200 પાનાની ચાર્જશીટ કોર્ટ સમક્ષ દાખલ કરી છે. આ કેસમાં 9 આરોપીઓ જેલ કસ્ટડીમાં છે. આ ચાર્જશીટની ખાસ વાત એ છે કે બ્રિજના રિપેરીંગનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઘડિયાળ નિર્માતા કંપની ઓરેવા ગ્રુપના (Orewa ) જયસુખ પટેલને પણ આરોપી બનાવાયા છે. જયસુખ પટેલનું નામ પણ ચાર્જશીટમાં આરોપી તરીકે ઉમેરાયું છે. કુલ 10 આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરાઈ છે.
જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર 1 ફેબ્રુઆરીએ સુનાવણી
ઝૂલતા પુલનું સમારકામ ઓરેવા કંપનીને સોંપાયું હતું. આ પુલ તૂટી જતા ઓરેવા કંપનીને જવાબદાર માનવામાં આવી હોય સીધી રીતે કંપનીના એમડી જયસુખ પટેલ ગુનેગાર બન્યા છે. ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ આરોપી તરીકે ઉમેરાયું છે, ત્યારે ધરપકડ થવાની બીકે જયસુખ પટેલે અગાઉથી જ આગોતરા જામીનની અરજી કરી રાખી છે. જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર 1 ફેબ્રુઆરી 2023ના રોજ સુનાવણી હાથ ધરાશે. આગોતરા પર આજે સુનાવણી હતી પરંતુ કોર્ટે તેની મુદ્દત 1 પર રાખી છે. તમને જણાવી દઈએ કે ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ અગાઉ ધરપકડ વોરેન્ટ ઈશ્યુ થઈ ચૂક્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મોરબીના 100 વર્ષ જુના ઝુલતા પુલના મેઈન્ટેનન્સ અને મેનેજમેન્ટની જવાબદારી મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી. કંપની દ્વારા ઝુલતા પુલનું રિનોવેશન કરાયા બાદ કોઈ પણ મંજૂરી લીધા વિના ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દિવાળીના વેકેશનમાં લોકો મોટી સંખ્યામાં પુલ પર ભેગા થયા હતા અને ખુલ્લો મુકાયાના પાંચ જ દિવસમાં તે તુટી પડ્યો હતો. આ ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોના પરિવારો દ્વારા ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાતા ફરિયાદમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે ઉમેરાયું હતું.