ભરૂચ: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express Train) શરૂ થયા બાદથી ટ્રેન સાથે પશુ અથડાવવાની ઘટનામાં ઉછાળો આવ્યો છે. અથડામણના લીધે પશુના મોત થવા સાથે હાઈસ્પીડ ટ્રેનને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે, જેના પગલે રેલવે તંત્ર દ્વારા અમદાવાદ-મુંબઈના રેલવે ટ્રેક (Ahmedabad Mumbai Railway Track) પર ફેન્સીંગની (Fencing) કામગીરી કરવાનો નિર્ણય લેવાયો છે, જેના ભાગરૂપે ભરૂચમાં (Bharuch) ફેન્સિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેલવે ટ્રેક પર ધસી જતાં રખડતાં ઢોરોને અટકાવવા માટે પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા 620 કિલોમીટરના અંતરમાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતી મુંબઈ-અમદાવાદ ટ્રેક રૂટ પર લોખંડની ફેન્સિંગ બનાવવાનું શરૂ કરાયું હોવાની માહિતી વેસ્ટર્ન રેલવેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જાહેર કરી છે.
- પશુઓને કારણે વંદે ભારત ટ્રેનોને અકસ્માત નડતાં ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેકના 620 કિ.મી.ના રૂટમાં ફેન્સિંગ શરૂ કરાયું
સુમિત ઠાકુરે કહ્યું હતું કે, વડોદરા ડિવિઝન હેઠળના અંકલેશ્વર-ભરૂચ સેક્શન પર વ્યસ્ત રૂટ પર મેટલ બીમ ફેન્સિંગ ઊભી કરવાનું કામ શરૂ થઈ ગયું છે અને તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગયા વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈ અને ગાંધીનગર વચ્ચેની પ્રતિષ્ઠિત વંદે ભારત એક્સપ્રેસની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે પશુઓને કારણે થતાં અકસ્માતમાં વધારો થતાં તંત્ર ચિંતિત બન્યું હતું. વેસ્ટર્ન રેલવેએ પાટા પર રખડતાં પ્રાણીઓને રોકવા માટે માર્ગ પર મેટલ વાડ સ્થાપિત કરવાનો નિર્ણય કરી લીધો હતો.
622 કિ.મી.માં મેટલ ફેન્સીંગનો ખર્ચ 245.26 કરોડ થશે
ઠાકુરે જણાવ્યું હતું કે, મેટલ ફેન્સિંગ 622 કિ.મી.ની લંબાઈને આવરી લેશે અને સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ 245.26 કરોડ થશે. તમામ આઠ ટેન્ડર આપવામાં આવ્યાં છે અને ફેન્સિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી 4થી 5 મહિનામાં કામ પૂર્ણ થવાની અપેક્ષા છે. એકવાર પૂર્ણ થઈ ગયા પછી, આ પ્રોજેક્ટ ઢોરની અથડામણની ઘટનાઓને રોકવામાં અને ટ્રેનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.
ડબ્લ્યૂ બીમના ઉપયોગથી મજબૂત મેટલની ફેન્સિંગ બનાવાઈ રહી છે
મુંબઈ-મુખ્ય મથક વેસ્ટર્ન રેલવે મુજબ તેઓ ફેન્સિંગના કામ માટે કોંક્રીટની દીવાલો બાંધવાને બદલે સ્ટીલની બનેલી ગાર્ડરેલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ફેન્સિંગ ખૂબ જ મજબૂત છે. કારણ કે, તેમાં બે ડબ્લ્યૂ-બીમનો સમાવેશ થાય છે. જે પહોળા ફ્લેંજ માટે ઊભા અને જાડા હોય છે. જે વળાંકના તાણનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે.