સુરતઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભ્રષ્ટ્રાચારી જુનિયર એન્જિનિયરને ૫૦૦૦ની લાંચ લેવાના ગુનામાં ૨૮ વર્ષના લાંબા સમયગાળા બાદ પાંચ વર્ષની જેલની સજા થવાની ઘટના બાદ સુરતમાં ત્રણ દાયકા બાદ ગુનેગારને પકડવાનો કિસ્સો બન્યો છે. સુરત પોલીસે હત્યાના આરોપીને ૨૮ વર્ષ બાદ પકડ્યો છે. જે દર્શાવે છે કે વહેલો મોડો ન્યાય તોળાય જરૂર છે.
શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલા ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સ્પેશ્યિલ ડ્રાઈવનુ આયોજન કરેલું હોય જે અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર ક્રાઈમ સુરતની સુચનાના આધારે નાયબ પોલીસ કમિશ્રર ક્રાઈમ સુરત તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઈમ સુરત નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી. પો.સ્ટે.ના રાહબરી હેઠળ નાસતા-ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને બાતમી મળી હતી કે, ૨૮ વર્ષ જુના હત્યા કેસનો આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાન (ઉ.વ.૫૨, ગુનાના સમયે ઉ.વ.૨૩) કે જે પાંડેસરામાં બનેલી એક હત્યાના ગુનામાં વોન્ટેડ છે. મુળ ઓરિસ્સાના ગંજામનો રહેવાસી કૃષ્ણ રઘુનાથ પ્રધાન છેલ્લાં કેટલાંક વર્ષોથી તેના મુળ ગામથી પરિવાર સહિત કોઇ અન્ય જગ્યા ઉપર સ્થળાંતરીત થઈ ગયો હતો અને હાલ મિસ્ત્રીકામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ટેકનીકલ તથા હ્યુમન સર્વેલન્સથી આરોપીને કેરળ રાજ્યના અદુરગામ, જી.પથનમથીટ્ટા ખાતેથી શોધી કાઢી તેને પકડી લાવ્યા છે અને આરોપીનો કબજો પાંડેસરા પોલીસને સોંપવા તજવીજ કરી છે.
૨૮ વર્ષ પહેલાં મિત્રની હત્યા કરી હતી
સને-૧૯૯૫ ની સાલમાં હાલ પકડાયેલ આરોપી અને તેના સાગરીત અન્ય સહ આરોપી સુરત શહેરમાં પાંડેસરા સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહી કારખાનામા મજુરી કામ કરતા હતો. આરોપીઓએ તેમના મિત્ર શીવરામ ઉદય નાયક (મરણ જનાર)નો તેઓની સાથે ગદ્દારી કરતો હોવાનો વહેમ રાખી તા.૦૪/૦૩/૧૯૯૫ ના રોજ રાત્રીના નવેક વાગ્યે શીવરામ ઉદય નાયકને તેના ઘરેથી વાત કરવાના બહાને બહાર લઈ જઈ તલવાર અને ચાકુથી પેટમા, છાતીમાં ઘા મારી જીવલેણ ઈજા કરી ખુન કરી લાશને ગૌતમનગર નહેરમાં નાંખી નાસી ગયા હતા.