ડાકોર: ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં વિકલાંગ તેમજ વૃધ્ધ શ્રધ્ધાળુઓ સરળતાથી ઘુમ્મટમાં જઈ દર્શન કરી શકે તે હેતુસર લિફ્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતાં હોય છે. જેમાં વિકલાંગ તેમજ વૃધ્ધ શ્રધ્ધાળુઓનો પણ સમાવેશ થાય છે. આવા વિકલાંગ તેમજ વૃધ્ધ શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ કર્યાં બાદ ભગવાનના દર્શન કરવા માટે પગથિયા ચઢવામાં ભારે હાલાકી પડતી હતી. વૃધ્ધોને પગથિયા ચઢવા માટે અન્યના સહારાની જરૂર પડતી હતી. તો વળી વિકલાંગોને ઉંચકીને પગથિયા ચઢાવવાની નોબત આવતી હતી. ત્યારે, આવા વૃધ્ધ અને વિકલાંગ શ્રધ્ધાળુઓને દર્શન કરવામાં પડતી હાલાકી દૂર થાય તે હેતુસર મંદિરમાં કોટના દરવાજાની સામે લિફ્ટ બનાવવામાં આવી છે. રવિવારના રોજ મંદિરના ભંડારી મહારાજના હસ્તે આ લિફ્ટ વિકલાંગ અને વૃધ્ધ શ્રધ્ધાળુઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ લિફ્ટના માધ્યમથી હવે મંદિરમાં વિકલાંગ તેમજ વૃધ્ધ શ્રધ્ધાળુઓ પણ સરળતાથી ભગવાન સન્મુખ ઘુમ્મટમાં પહોંચીને દર્શન કરી શકશે.
ડાકોર મંદિરમાં વિકલાંગો – વૃધ્ધો માટે લિફ્ટની સુવિધા શરૂ કરાઈ
By
Posted on