આણંદ : ગુજરાત કો – ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન અને વાઇસ ચેરમેન સર્વાનુમત્તે રિપિટ કરવામાં આવ્યાં છે. જેના પગલે 46,481 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી અમૂલ બ્રાન્ડમાં હાલ કોઇ ચણભણ ન હોવાનો સંકેત આપ્યો છે. આમ અઢી વર્ષની બીજી ટર્મ માટે આ બંન્ને પુન: સત્તારૂઢ થયા છે. આ ચૂંટણીમાં રાજ્યના 18 દૂધ સંઘો પૈકી 17ના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત કો – ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે શામળભાઈ બી. પટેલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે. તેમના નામો પ્રસ્તાવ મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ બી. ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે ખેડા દૂધ સંઘના ચેરમેન રામસિંહ પરમાર દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે વાઇસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી છે. તેમના નામનો પ્રસ્તાવ સુરત દૂધ સંઘના માનસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર દૂધ સંઘના વિહાભાઈ સભાડે ટેકો જાહેર કર્યો હતો.
આણંદ પ્રાંત અધિકારી વિમલ બરોટ ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યાં હતાં અને તેમાં અમૂલ ફેડરેશનના 18માંથી 17 સભ્ય દૂધ સંઘોના ચેરમેન હાજર રહ્યાં હતાં. અમૂલ ફેડરેશનમાં વર્ષ 1973થી ચેરમેનપદની બિનહરીફ રીતે થતી આવી છે, તે પ્રણાલિકાને પુનઃ જાળવી રાખવામાં આવી છે. જોકે, આણંદ ખાતે અમૂલ ફેડરેશનના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા ગેરહાજર રહ્યા હતા. જ્યારે અન્ય 17 દુધ સંઘના ચેરમેનો ઉપસ્થિત હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશની 46,481 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે. જેના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટીંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘ દ્વારા રાજ્યના 18,154થી વધુ ગામડાંમાંથી 36 લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ 264 લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરવામાં આવે છે.
દૂધ સંઘના ચેરમેનોનું લોબીંગ એળે ગયું
અમૂલ ફેડરેશનની બીજી ટર્મ માટે ચૂંટણીનું જાહેરનામું કલેક્ટર ડી.એસ. ગઢવીએ જાહેર કર્યું હતું. જેથી અંદાજીત 46,481 કરોડના ટર્ન ઓવર ધરાવતા ફેડરેશનમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બનવા દોડ તેજ થઇ ગઈ હતી. જેની રેસમાં રાજ્યના 18 દૂધ સંઘો પૈકી કેટલાક ચેરમેનોએ ભાજપના ઉચ્ચ મોવડી મંડળ સુધી લોબીંગ શરૂ કર્યું હતું. જેમાં વર્તમાન હોદ્દેદારો સહિત ઉત્તર ગુજરાતમાંથી મહેસાણા દુધ સંઘના ચેરમેન અશોક ચૌધરી, મધ્ય ગુજરાતથી ખેડા દુધ સંઘના ચેરમેન રામસિંહ પરમાર તથા દક્ષિણ ગુજરાતના સુરત દુધ સંઘના ચેરમેન માનસિંહ પટેલ દાવેદારોની રેસમાં સૌથી આગળ હતા.
શામળભાઈ પટેલ 33 વર્ષથી સહકારી માળખા સાથે જોડાયેલા છે
શામળભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન છે. ડેરી સહકારી માળખા સાથે 33 વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ દ્વારા રૂ.6800 કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તથા 3.85 લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજ્યના મોટા દૂધ ઉત્પાદક સંઘમાનો એક એકમ છે. શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારા માટે ઘણા ગૌરવની ક્ષણ છે કે તેમને ડો. કુરિયન દ્વારા જે સંસ્થાનું નેતૃત્વ કર્યું હતું, તે સ્થળે ચેરમેન બનવાનો મોકો મળ્યો છે. ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા 75થી વધુ વર્ષથી સફળ છે. કારણ કે, આ સંસ્થામાં સિધ્ધાંત અને નૈતિકતાના ગુણો ત્રિભુવનદાસ પટેલ અને ડો. કુરિયન દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યાં હતાં. સહકારી ખેડૂત આગેવાનો અને નિષ્ણાંત તજજ્ઞોની મદદથી અમૂલ ફેડરેશન ખૂબ ઉંચી સિદ્ધીઓ હાંસલ કરી છે.
વલમજી હુંબલ 14 વર્ષથી સરહદ ડેરીના ચેરમેન છે
જીસીએમએમએફના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલ કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સરહદ ડેરીના ચેરમેન છે. તેઓ 14 વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત છે. કચ્છ જિલ્લા દૂધ સહકારી સંઘ ગત વર્ષે રૂ.870 કરોડથી વધુ ટર્નઓવર કર્યું છે તથા લગભગ એક લાખ દૂધ ઉત્પાદક સભ્યો સંઘ સાથે જોડાયેલા છે. તેઓએ જણાવ્યું હતું કે, એનડીડીબી દ્વારા અમૂલ મોડલને સમગ્ર દેશમાં પ્રસરાવવાથી આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો છે. અમૂલ ફેડરેશન દેશના અન્ય સ્ટેટ ફેડરેશનો સાથે ઘનિષ્ઠતાથી કામ કરતું રહેશે કે જેથી સહકારી ચળવળને મજબુત બનાવી શકાય અને જો જરૂરિયાત હશે તો અન્ય રાજ્યના દૂધ ઉત્પાદકોને પણ ટેકો પુરો પાડશે.