દૃશ્ય પહેલું
સ્થળ: પૃથ્વી: એક મંદિરમાં રોજે રોજ ભક્તોનાં ટોળેટોળાં આવે, ભગવાનનાં દર્શન માટે અને મનની પ્રાર્થના કરે. આ મંદિરની નામના હતી કે અહીં કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે જ છે અને અહીં ભગવાન સાક્ષાત્ બિરાજે છે.એક યુવાન આવ્યો અને જોર જોરથી ઘંટ વગાડવા લાગ્યો અને પુજારીજીને કહેવા લાગ્યો કે, ‘હું ભગવાનને શોધું છું. મારે ભગવાનને મળવું છે અને કહે છે કે ભગવાન આ મંદિરમાં સાક્ષાત્ બિરાજમાન છે તો મારે તેમને મળવું છે. મને રસ્તો દેખાડો. ભગવાનને કઈ રીતે મળી શકાય?’પુજારીજી બોલ્યા, ‘યુવાન..શાંત થા અને વિચાર કે ભગવાનને ભાવથી ભજવા પડે અને ભગવાનની ભક્તિ કરવી પડે.એમ ખાલી કહેવાથી કે મારે ભગવાનને મળવું છે, કંઈ ભગવાન મળી ન શકે સમજ્યો. તેને માટે લાયક થવું પડે.’યુવાન અને પૂજારીની વાત સાંભળી ત્યાં રોજ આવતા એક કાકા બોલ્યા, ‘પૂજારીજી, હું તો વર્ષોથી અહીં રોજ દર્શન કરવા આવું છું.રોજ ભક્તિ કરું છું પણ મને હજી સુધી ભગવાન નથી મળ્યા. તમે જ કહો, મારે ભગવાનને મળવું હોય તો હજી શું કરું.’પૂજારીજીએ કહ્યું, ‘ભક્ત ભક્તિ કરી શકે અને સાથે સાથે આસ્થા રાખી પ્રતીક્ષા કરી શકે,જયારે લાયકાત કેળવાય ત્યારે અનુભૂતિ થાય.હું તો અહીં રોજ એની જ સેવા કરું છું પણ હજી મને ભગવાન મળ્યા નથી.દરેક માણસની એ જ ફરિયાદ છે અને એક જ તકલીફ છે કે ઈશ્વરને મળવું છે પણ તે મળતો નથી.’
દૃશ્ય બીજું
સ્થળ: વૈકુંઠ: ભગવાન વિષ્ણુ ઉદાસ ચહેરે પધારે છે.લક્ષ્મીજી પૂછે છે, ‘સ્વામી શું થયું? તમારા ચહેરાનું સ્મિત ક્યાં ગાયબ થઈ ગયું.કેમ ઉદાસ છો?’ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘દેવી, મારે એક માણસને મળવું છે પણ માણસ મળતો નથી.’દેવી લક્ષ્મી અને શેષ નાગજી બંને આ સાંભળી આશ્ચર્યમાં ડૂબી ગયા.દેવી લક્ષ્મી બોલ્યાં, ‘પ્રભુ માણસ વૈકુંઠમાં તો ન જ હોય ને…પણ જાવ પૃથ્વી પર અધધ માણસો છે અને તમારા કોઈ પણ મંદિરમાં જાવ અસંખ્ય ભક્તો મળશે તમને… આટલા માણસો તમારી ભક્તિ કરે છે અને તમે ઉદાસ છો કે મને માણસ મળતો નથી.’ભગવાન બોલ્યા, ‘આ પૃથ્વી પર કોઈ બ્રહ્માજીએ બનાવેલો માણસ મને દેખાતો નથી. આ તો બધા સ્વાર્થ અને અભિમાનનાં મહોરાં ચઢાવીને ફરતાં પૂતળાં છે, જેઓ પોતાના ફાયદા માટે અન્યને નુકસાન પહોંચાડે છે.જેઓ જે કરે છે તે માત્ર દેખાડો કરે છે. તેમનો પ્રેમ પણ ખોટો અને નફરત પણ જુઠ્ઠી હોય છે.મારી ભક્તિ કરવાનો પણ તેઓ ખોટો ડોળ અને ઢોંગ કરે છે.મને એ જ તકલીફ છે કે મારે એક માણસને મળવું છે અને માણસ મને મળતો નથી.’કેવી વાત છે સ્થળ જુદા જુદા પણ તકલીફ બંને છેડે સરખી જ છે માણસ ભગવાન શોધે અને તે મળતો નથી અને ભગવાન પણ એક સાચો માણસ શોધે છે પણ તેને માણસ મળતો નથી.