Charchapatra

અસાધ્ય અને કષ્ટદાયક રોગોથી પીડાતી વ્યકિતને ઇચ્છામૃત્યુ મળવું જોઇએ

જે મનુષ્યો અસાધ્ય રોગોથી પીડાતાં હોય અને આગળ ઉપર જીવવું એમને માટે દોહ્યલું છે. એવાં લોકો, જો મૃત્યુ ઇચ્છતાં હોય તો એમને સ્વેચ્છા મૃત્યુની પરવાનગી આપવી જોઇએ. આ બાબતનો મનનીય લેખ, તંત્રીશ્રીએ લખ્યો છે. લેખ મુજબ સરળ રીતે ઇચ્છામૃત્યુની મંજૂરી મળે એ જરૂરી ખરું. પણ સાથે સાથે આવી મંજૂરીનો દુરુપયોગ નહિ થાય એ પણ એટલુ જ ઇચ્છનીય છે. વિશ્વભરમાં ઇચ્છામૃત્યુની ચર્ચાઓ થતી રહે છે. કેટલાક દેશોમાં ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી છે. વ્યકિતને ખરેખર ઇચ્છામૃત્યુની જરૂરિયાત છે કે પછી કોઇના દાબ દબાણ તળે, એને ઇચ્છામૃત્યુ વહાલું કરવું પડે એમ છે, એની પૂરી તપાસ કર્યા વગર, આપણા જેવા દેશોનાં લોકોને એની મંજૂરી આપી શકાય નહિ.

આપણે ત્યાં એવા ઘણા કિસ્સાઓ બનતા રહ્યા છે કે, વ્યકિતની મિલકત માટે કે એની વિમાની પોલીસી પકવવા માટે એવી વ્યકિતઓનાં ખૂન પણ થઇ જતાં હોય છે અને એ ખૂનને અકસ્માતમાં ખપાવવામાં આવતાં હોય છે. ઇચ્છામૃત્યુ મળે, એ સારી વાત છે. પણ બળજબરીપૂર્વક ઇચ્છામૃત્યુની માગણી વ્યકિત પાસે કરાવવી, એવું બનવું જોઇએ નહિ. જે સમાજમાં નીતિને નામે શૂન્યાવકાશ પ્રવર્તતો હોય એવા આપણા દેશમાં ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં સો ગળણે પાણી ગાળવા જેવી પ્રક્રિયા આદરવી પડે. ‘ગુજરાતમિત્ર’ની રમણ-ભ્રમણ કોલમમાં, સ્વ.રમણ પાઠક ઘણી વખત ઇચ્છા મૃત્યુની તરફેણ કરતા લેખો લખતા હતા. અને એની ‘ગુજરાતમિત્ર’માં સારી એવી ચર્ચા અને આલોચના થતાં રહેતાં હતાં. ખાસ કરીને કષ્ટદાયક અને અસાધ્ય રોગયુકત વ્યકિત, ખરેખર ઇચ્છામૃત્યુ માટે કહેતો હોય તો ડોકટરોની સલાહ લઇ એને ઇચ્છામૃત્યુ પ્રદાન કરવું એમાં પણ માનવતા જ રહેલી છે.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top