૧૯૯૨ ના બાબરી મસ્જીદના કોમી રમખાણના સમય પર ઝાંપાબજારના હિન્દુ અને મુસ્લિમ વ્યાપારીઓને એકતા અને ભાઇચારાની ભાવનાનાં જબરદસ્ત દર્શન થયાં હતાં. એ નાજુક સમય પર સળિયાવાળા માર્કેટમાં બંને કોમનાં અગ્રણીઓએ ભેગાં થઇને ઝાંપાબજારમાં શાંતિ જળવાય એ માટે અપીલ કરી હતી જેની ધારી અસર જોવા મળી હતી. આ શહેરના રાજનેતા બાબુભાઇ શેઠના ઉપરાંત અન્ય મુસ્લિમ નેતાઓ વ્યાપારીઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી. એમાં મોહમદી બેકરીના માલિકે પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. એક જમાનામાં મોહમદી બેકરી અને ‘નાનાભાઇ લલ્લુભાઇ પાનવાલા’ બંને પડોશી દુકાનદાર હતા.
સિત્તેરના દાયકામાં ધંધાનો પ્રકાર બદલાયો હતો અને પાનાવાલામાંથી લોટરીના વ્યાપારી બન્યા હતા. બંને દુકાનદારના પારિવારિક સંબંધો અંત સમય સુધી અત્યંત મીઠા મધુરા રહ્યા હતા. હજુ આજે પણ મને મોહમદ કાસીમ ચાચાની યાદ આવે છે. જેમણે એ સમય પર તોફાની ટોળાશાહીથી રક્ષણ આપીને મારા યુવાન દીકરાની રક્ષા કરી હતી. એમની બહુ જાણીતી સ્વીટ ‘સગલા બગલા’ એક વાર નહીં અનેક વાર ખાધી છે. મોહમદ સલીમ દીકરા હજુ પણ અમારા પાનવાલા પરિવારને વાર તહેવારે યાદ કરે છે. બીજા દીકરા મોહંમદ ખાલીદ હવે રહ્યા નથી. વડા મુલ્લા સાહેબની પધરામણીના સમય પર તેઓ અમારી દુકાનનો પણ માલ મૂકવા માટે ઉપયોગ કરતા. એંસીના દાયકાની એક મહત્ત્વની કરુણ વાત યાદ આવે છે. અમારી આજુબાજુની બંને દુકાનનો ઉપરનો ભયજનક ભાગ ઉતારવા માટે એસ.એમ.સી.ની ટીમ આવી હતી.
અધિકારી જયંત ભટ્ટ સાહેબના માણસોએ કળને બદલે બળ વાપરવાના કારણે એક બહુ મોટી હોનારત થઇ હતી. જેમાં એ ટીમના બે માણસોનાં સ્થળ પર મૃત્યુ થયાં હતાં. બીજાં કેટલાંકને ઇજા થઇ હતી. એ સમય પર ‘ગુજરાતમિત્ર’ અખબારના એ સમાચાર પહેલા પાને પ્રકટ થયા હતા. એટલું સારું કે અમે બંને દુકાનદારોએ ધીરજ ધારણ કરીને ટૂંકા સમયમાં દુકાનનું નવસર્જન કર્યું હતું. ૧૯૯૮ માં એ દુકાનને સંજોગવશાત મોહંમદી બેકરીને આપી દીધી હતી. આજે એ બે ગાળાની દુકાન એમના સ્વભાવ – સંસ્કારને કારણે અને બેસ્ટ કવોલિટીના કારણે બહુ સારી રીતે ચાલી રહી છે. જેની નોંધ તાજેતરમાં ‘ગુજરાતમિત્ર’ અખબારે ‘સિટીપલ્સ’ પૂર્તિમાં લીધી છે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
શું સરખું છે?
ચાલીસની ઉંમરે ‘ ઉચ્ચ શિક્ષિત ‘ અને ‘ ઓછું શિક્ષિત’ સરખા છે. ( કેમકે હવે ક્યાંય ઈન્ટરવ્યુ આપવાનો નથી કે ડિગ્રી બતાવવાની નથી ). પચાસની ઉંમરે ‘ રૂપ ‘ અને ‘ કુરૂપ ‘ સમાન હોય છે. ( મોઢા પરની કરચલીઓ છુપાવી નથી શકતા ) સાંઠની ઉંમરે ‘ ઉચ્ચ દરજ્જો ‘ અને ‘ નીચો દરજ્જો ‘ સમાન છે. ( પટાવાળા પણ નિવૃત્ત અધિકારી સામે જોવું ટાળતા હોય છે ) સિત્તેરની ઉંમરે ‘ મોટું ઘર ‘ અને ‘ નાનું ઘર ‘ સમાન હોય છે. ( માંદગી કે ખાલીપણું હોય ત્યારે ઘરનો એક ખૂણો કાફી છે ) એંસીની ઉંમરે તમારી પાસે ‘ ઓછું ધન ‘ કે ‘ વધુ ધન ‘બેય સરખું. ( તમે ક્યાં ખર્ચ કરવા જશો ) નેવુંની ઉંમરે ‘ સૂવું અને જાગવું ‘ બેય સમાન. ( જાગ્યા પછી શું કરવું એ પ્રશ્ન ).
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે