વૃદ્ધ પેન્શનમાં વધારો કેમ જરૂરી? – Gujaratmitra Daily Newspaper

Comments

વૃદ્ધ પેન્શનમાં વધારો કેમ જરૂરી?

લગભગ બપોરના બાર વાગ્યે અમે ખેડાના અમારા કાર્યકર રજનીભાઈના ઘરે પહોંચ્યા. ઘરમાં દાખલ થતાં જ બેઠક ખંડ આવે, જેમાં એક સાથે દસેક બાને બેઠેલાં જોયાં. રજનીભાઈએ પરિચય આપતાં કહ્યું, આપણે આ બધાં બાને સરકારમાંથી રોકડ રકમ વિધવા સહાય અથવા વૃદ્ધ પેન્શન જે મળે તે મેળવી આપવામાં મદદ કરેલી તે ખાસ આભાર માનવા આવ્યા છે. લાઈનમાં ભીંતને ટેકો દઈને બેઠેલાં બા સામે જોઈને, ‘અમે આ સ્વીકાર્યું એમાં આભાર કેમ માનવાનો એમ કહ્યું.’ જવાબમાં ડહીમાએ કહ્યું;

આ ઉંમર જ એવી. છતે દીકરે, ઘર બહાર ઊંઘીએ. ચોવીસે કલાક ઘરમાં કે ઘર બહાર બેસી રહીએ એ વહુઓને આકરું લાગે. બે ટંક રોટલો આલવામાંય કાનના કીડા ખરી પડે એવું બોલે. કામ થતું નથી એટલે નથી કરતાં. મફતના રોટલા ખાવાનું કોને ગમે? પણ મફતના રોટલા, મફતના રોટલા સાંભળી સાંભળીને કાન પાકી ગ્યા’તા. ઘરમાં રોજ કલેશ થાય. છેવટે મેં તો જુદો ચુલો કર્યો. પેટ જોગું મળી રહે તે માટે હૉટલમાં વાસણ ધોવાનું કામ કરું. આમ તો આવા ઘરડા શરીરને કોઈ કામ ન આપે. પણ હૉટલવાળા ભાઈને સ્થિતિ સમજાવી એટલે એ માન્યો. બીજાં કામો માટે માણસો અમને ન લઈ જાય પણ વાસણ ઘસવાનું કામ ચોક્કસ સમયમર્યાદામાં પૂરું કરવાનું ન હોય એટલે એ ચાલે.’

ડાહીમાની વાત પતી નહોતી ત્યાં તો કમળાબાએ કહ્યું; ‘મારા ઘરવાળાને મરી ગયે ચોત્રીસ વર્ષ થયાં. એ વખતે તો છોકરાંય નાનાં હતાં. કાળી મજૂરી કરી છોકરાંને મોટાં કર્યાં પણ વહુઓ આવી પછી એ એમના માળામાં જતા રહ્યા. પણ મજૂરીનો પ્રશ્ન મનેય નડે. આ ડાહી ડોશી જેમ વાસણ ઘસવાનું કામ મને મળે તે એ કરું. પણ બિમાર પડીએ તો પણ કામે જવું પડે. ન જઈએ તો ખાઈશું શું? ની પળોજણ થાય. સરકાર વિધવા બહેનોને સહાય આપે એવી મને ખબર તે એ મળે એ માટે છેલ્લાં ચોત્રીસ વર્ષથી મથતી પણ કોણ જાણે મેળ જ નહોતો પડતો. પૈસા પણ ઘણા ખર્ચ કર્યા પણ કશું થતું નહીં. પણ રજનીભાઈએ કામ હાથમાં લીધું ને મને પેન્શન મળવાનું શરૂ થઈ ગ્યું.’

એક પણ બાને મેં કશુંયે પૂછ્યું નહોતું છતાં બધા બેબાક આપવીતી કહી રહ્યાં હતાં. મને ડર આ બધા બા જે છૂટથી પોતાની વાત કરી રહ્યાં હતાં તે એમના દીકરાને જઈને કોઈ કહી દેશે તો નકામો બા સાથે કલેશ કરશેનો લાગ્યો. એટલે મેં વાતને વાળતાં કહ્યું; ‘તે સરકારમાંથી તમને રકમ મળે તે ચાલી જાય?’ ‘આ મોંઘવારીમાં ચાલે તો શું? પણ અમને ટેકો રહે. પાછું રજનીભાઈએ અમને વધારે અનાજ મળે એવા રૅશનકાર્ડ પણ કઢાવી આપ્યા છે. એટલે હખે ડખે હેંડ્યું જાય. પાછું થાય તે કામ તો કરીએ. ક્યારેક પેટ કાપીએ. પણ કોઈનું હાંભળવું તો મટ્યું’.

હું બસ આ બધાં બાને જોઈ રહી હતી. ઘડપણ કેવી સ્થિતિમાં માણસને મૂકી દે છે? એ દીકરાઓ કે જેમને એમણે જન્મ આપ્યો. જેમને લઈને એમણે કેટલાય ઓરતા કરેલા એ દીકરાઓએ એમને એ કામ નથી કરી શકતાં એટલે ત્યજી દીધાં. આપણે કેવા સમાજની રચના કરી છે વગેરે જેવા વિચારો મારા મનમાં ચાલી રહ્યા હતા ત્યાં સાડીના પાલવમાં પોતાના આંગળા છુપાવવાનો પ્રયાસ કરતાં એક બાએ ધીમા અવાજે કહ્યું; ‘ મારું નામ પસી. આ ડભાણ મારું પિયર થાય. કૂખ જ નથી માંડી. ઘરવાળાએ જુવાનીમાં મને કાઢી મૂકી. એ પછી પિયર આવીને રહી. ભઈઓના ઘરની પાસે સરકારી જગ્યા પડી હતી તેમાં છાપરું કર્યું. પણ ખાવા પીવાની બહુ તકલીફ થાય. મને તો પેન્શન પણ નથી મળતું. પાછી બિમારી…’ એ આગળ કશું ન બોલ્યાં. એમનો ચહેરો એકદમ નિસ્તેજ હતો. મોંઢા પર ભયંકર ગમગીની પથરાયેલી દેખાય.

બધાં બાને જાણે કહી જ દેવું હતું. છેવટે મેં વચમાં રોકીને આ બધું ન ક્યો, ક્યાંક તમારા ઘરમાં કોઈ કહી દેશે તો તમે વધારે હેરાન થશોનું કહ્યું. જવાબમાં ડાહીમાએ કહ્યું; ‘છો ને કહી દે. એ લોકો એવું કરે છે એટલે અમને મોકો મળે છે ને? વળી સાચું હોય એમાં વાવવાનું શું? આજે બધા દીકરો દીકરો ખૂબ કરે. દીકરો તો કુળદીપક, જોઈએ જ એવું માને પણ અમારી આપવીતી સાંભળી દીકરાઓ પાછળનું ગાંડપણ ઘટે તોય ઘણું.’

ડાહી માએ અઘરી વાત કરી નાખી. લગભગ નવ મહિનામાં આવા એંસીથી વધુ બાઓને ખેડા જિલ્લામાંથી શોધીને વૃદ્ધ પેન્શન કે વિધવા સહાયની રકમ અપાવવાનું અમે કરી શક્યાં હતાં. એમાં ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી બાચાણી સાહેબની ભૂમિકા મહત્ત્વની હતી.

ઢગલો વાતો કરીને હું નીકળી રહી હતી ત્યાં રજનીભાઈએ પસીમાના ઘરે જવાનું કહ્યું. અમે ત્યાં પહોંચ્યાં. જોઈને આઘાત લાગ્યો. માણસ જ્યાં રહેતું હોય એ જગ્યાને ઘર કહેવું હોય તો કહેવાય. બાકી પતરાની દિવાલ કરી દસ બાય દસ ફૂટની જગ્યા કવર કરી હતી. છતના નામે કશું નહોતું. વળી રક્તપિત્તની બિમારી એટલે કોઈ કામ ન આપે. પગનાં આંગળાં ખરી રહ્યાં હતાં. જોઈને મન શૂન્ય થઈ ગયું.

કલેક્ટર શ્રી બાચાણી સાહેબને મેસેજ લખ્યો. એ સંવેદનશીલ એમણે બીજા દિવસે પસીમાને રૂબરૂ બોલાવી અનાજ મળે એવું કાર્ડ આપ્યું તેમજ વૃદ્ધ પેન્શન આપવાનું પણ શરૂ કર્યું. સાથે પોતાનું મકાન બને તે માટે પ્લોટ આપવાની કામગીરી પણ એમણે હાથ ધરી. આવા સંવેદનશીલ અધિકારીને પ્રણામ. પણ સરકાર દ્વારા વિધવા કે નિરાધાર વ્યક્તિઓને અપાતી રકમ કેટલી રાહત પહોંચાડનારી એ આ બધાં બાને સાંભળ્યા પછી લાગ્યું. આ રકમમાં વધારો થાય તે ઈચ્છનીય.
– મિત્તલ પટેલ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top