વડોદરા: વડોદરા શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં ઘણા લાંબા સમયથી પાણીની બુમરાણો ઉઠી હતી. આ મામલે સ્થાનિકોએ છાશવારે પાલિકા તંત્રને રજૂઆત કરવા છતાં પણ તેનો યોગ્ય નિવેડો આવ્યો ન હતો ત્યારે સ્થાનિકોએ આ મામલે વિસ્તારના કોર્પોરેટરને જાણ કર્યા બાદ લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળી રહે તે માટે પાલિકા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વડોદરા શહેરના શિયાબાગ ખોડીયાર આમલી વિસ્તાર તથા મહાવીર સોસાયટીના સ્થાનિકો છેલ્લા છ મહિનાથી ઓછા પ્રેશરના પાણીની સમસ્યાથી હાલાકી ભોગવી રહ્યા છે.વારંવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ ઘણા સમયથી પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું.જેને લઈ સ્થાનિક લોકોએ વિસ્તારના કોર્પોરેટરને પૂરતા પ્રેશરથી પાણી મળે તેવી રજૂઆત કર્યા બાદ રાજમહેલ રોડના મુખ્ય માર્ગો પર પાણીની લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી હતી.કામગીરી દરમિયાન વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર જાગૃતિબેન કાકા અધિકારીઓ તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા કોર્પોરેટર જાગૃતીબેન કાકાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રેસરની બૂમો વિસ્તારમાંથી આવતી હતી.શિયાબાગ વિસ્તારમાં પણ ખૂબ જ ઓછું પાણી આવી રહ્યું છે અને એટલા બધા સિનિયર સિટીઝન રહે છે.
મહાવીર કોલોની , ખાડિયા પોળ , વિજય સોસાયટી , નારાયણ સોસાયટી આ તમામ જગ્યાએ પાણીની ખૂબ જ મોટી સમસ્યા છે પણ અહીં જે વાલ હતો એમાં કચરો ભરાયો છે એટલે માટે આજે કામગીરી કરવામાં આવી છે અને અધિકારીઓ પણ તાત્કાલિક પગલા લઈ કામગીરી કરી વહેલામાં વહેલી તકે લોકોને પાણી મળે એવો પ્રયાસ કરી રહ્યા છે.આ કામગીરી જ્યાં ચાલી રહી છે.ત્યાંથી 200 મીટરના અંતરે જેલ રોડ ટાંકી આવેલી છે જે તૂટી ગઈ એ સંપ માંથી પાણી આવે અને ઉપરથી પાણી આવે એમાં સો ટકા ફેર પડવાનો છે.સાડા નવ કરોડ ના ખર્ચે ખાતમુહૂર્ત થઈ ગયું છે જેલ ટાંકીનું અને તેની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે.જો એ ટાંકી થઈ ગઈ ત્યાર પછી આ વિસ્તારના લોકોને કોઈને પાણીની તકલીફ નહીં પડે તેમ જણાવ્યું હતું