વડોદરા: શહેરમા રખડતા ઢોર અને પશુ પાલકો સામે પગલા ભરવાની ઝુબેશ ધીરે ધીરે વેગ પકડી રહી છે આજે પણ પાલિકા ની વિવિઘ ટીમ શહેર ના વિસ્તારો મા ત્રાટકી હતી. આજે સવારે પરશુરામ ભઠ્ઠા નજીક ના ઢોરવાડા પર ત્રાટકી હતી.
અગાઉ પાલિકા એ આ પશુપાલકો ને નોટિસો ફટકારી હતી નોટિસ બાદ કોઈ પરિણામ ન આવતા આજે પાલિકા ની દબાણ ટીમે સયાજીગંજ પોલીસ ને સાથે રાખી ઢોરવાડા માટે બનાવાયેલ 12 જેટલાં શેડ તોડી પાડવા મા આવ્યા હતા. અને રસ્તા ને ખુલ્લો કરવા મા આવ્યો હતો. હવે જયારે રાજ્ય સરકારે ગુજરાત ના વિવિઘ શહેરો ને રખડતા પશુઓ ના ત્રાસ માંથી મુક્ત કરવાની ઝુબેશ ઉપાડી છે તેમાં વડોદરા મહાનગર કેટલું કારગત નીવડે છે તે આવનારો સમય જ બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા માં રસ્તાઓ ઉપર રખડતી ગાયોના કારણે અવાર-નવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને કેટલાક ગાયો દ્વારા હુમલામાં અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. રસ્તે રખડતી ગાયોનો ત્રાસ માત્ર વડોદરામાં છે, તેવું નથી. સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાં ગાયોનો ત્રાસ છે. ઉપરા-છાપરી ગાયોના હુમલામાં મોતની ઘટનાઓ બનતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. પરિણામે હાઇકોર્ટે સરકારને આડેહાથ લીધી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગાયોના પ્રશ્ન ત્વરીત હલ કરવા માટે ગુજરાત સરકારને કડક તાકીદ કરી હતી. જેના પગલે સરકાર દ્વારા વડોદરા સહિત સમગ્ર રાજ્યના શહેરોના સત્તાવાળાઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી અને તેમાં આગામી 15 દિવસમાં રસ્તાઓ ઉપરથી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે સૂચના આપી હતી.
વડોદરા શહેરમાં 400 ઉપરાંત ઢોરવાડા છે. અને તમાં મોટાભાગના ઢોરવાડા ગેરકાયદે છે, ત્યારે વડોદરા મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા ઢોરવાડાના સ્થળે જઇ નોટીસો આપવામાં આવી હતી. પાલિકા દ્વારા નોટિસો આપવા છતાં પશુ પાલકો નોટિસ ની પરવાર કર્યા વગર પશુપાલકો ગાયો રસ્તા ઉપર છોડી દેતા હોય છે પરિણામે કોર્પોરેશનની ઢોર પાર્ટી દ્વારા વડોદરાના માર્ગોને રખડતી ગાયો મુક્ત કરવા માટે ઝુંબેશ શરવામાં આવી છે છતાં પણ હજુ માર્ગો પર રખડતા ઢોરો નજરે પડે છે.
ઢોર પાર્ટીની આજની કામગીરી
બે દીવસ મા 60 રખડતા ઢોર પકડાયા પશ્ચિમ ઝોન પરશુરામ ભઠ્ઠા મા 11 હંગામી ઢોર વાડા નું દબાણ દુર કરાયું, દક્ષિણ ઝોન મા 13 પશુપાલકો ને નોટિસ અપાઈ તેમજ ટેગિંગ ના આધારે 5 ગાયો ના માલિકોની ઓળખ કરી ચેતવણી અપાઈ.10 ઢોરો નું ટેગિંગ કરાયું હતું અને 24 જેટલી ગાયો ને પાંજરાપોળ મા મોકલી આપવામાં આવી તેમજ 2 ગાયો ને ટેગિંગ આધારે પશુ માલિક ની ઓળખ કરી અક્ષય રબારી સામે નવાપુરા પોલીસમા ફરિયાદ નોંધવામાં આવી હતી.