આણંદ : આણંદ શહેરના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ એવા બોરસદ ચોકડીના રેલવે ઓવરબ્રિજની બાજુના સર્વિસ રોડ પાસેની ગટરનું લેવલ ઉંચુ હોવાનો મામલો ઉઠ્યો છે. એક તરફ 26મીએ તેના લોકાર્પણની તૈયારી ચાલી રહી છે, તેવા સમયે આ ગટરનું લેવલ નીચું કરી વધુ પહોળો સર્વિસ રોડ આપવા માટે નેશનલ હાઈવે ઓથોરિટિને રજુઆત કરવામાં આવી છે. જોકે, કામગીરી અંતિમ તબક્કામાં હોવાથી આ ડ્રોઇંગમાં ફેરફાર કરવા અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
આણંદ શહેરના વિકાસ સાથે વાહનોની સંખ્યા વધી છે, બીજી તરફ શહેરની વચ્ચે થી જ પસાર થતી રેલવે લાઇનના કારણે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. આથી, આણંદ – ખંભાત રેલવે લાઇન પર બોરસદ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા અઢી વર્ષથી ચાલી રહી છે. આ રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે અને 26મી જાન્યુઆરીના રોજ તેના લોકાર્પણ કરવાની તૈયારી ચાલી રહી છે. જોકે, આ તૈયારી વચ્ચે અધિકારીઓ અને પદાધિકારીઓની તપાસ દરમિયાન સર્વિસ રોડ બાજુની ગટરનું લેવલ ઉંચુ હોવાથી સમસ્યા સર્જાય તેવી શંકા સેવવામાં આવી છે. ખાસ કરીને દબાણો ખડકાય જાય તેવો ભય પણ ઉભો થયો છે.
આશ્ચર્યજનક બાબત એ છેકે, અઢી વર્ષથી ચાલી રહેલા રેલવો ઓવરબ્રિજની કામગીરીમાં પ્રથમ તબક્કામાં જ ગટર લાઇન નાંખી દેવામાં આવી હતી. તે સમયે કોઇને કલ્પના પણ નહતી કે ઓવરબ્રિજની આ લાઇન હવે નડતર રૂપ બનશે. હાલ સ્થળ સ્થિતિ એવી છે કે, સાંકડા સર્વિસ રોડની બાજુમાં ગટર અને ફરી ખુલ્લી જગ્યા છે. આ જગ્યા પર આમ પણ પહેલેથી જ દબાણકારો ડોળો રહેલો છે. હજુ પખવાડિયા પહેલા જ આ દબાણો હટાવવામાં આવ્યાં છે. જો ગટર લાઇનના કારણે તે સ્થળે રસ્તો નહીં બને તો ફરી દબાણ ખડકાવાનો ભય ઉભો થયો છે.
સ્મશાન તરફ જતાં ડાઘુને તકલીફ પડી શકે છે
‘બ્રિજના છેડે સર્વિસ રોડને અડીને ઊંચી ગટર બનાવવામાં આવી છે. આ ઉંચાઇના કારણે સ્મશાન તરફ જવાના ડાઘુઓને તકલીફ પડી શકે તેમ છે. આથી, ગટરનું લેવલ નીચું કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટિને રજુઆત કરવામાં આવી છે.’ – વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ, આણંદ અને ધારાસભ્ય, સોજિત્રા.
ગટર લાઇનની રજુઆત ઉચ્ચ કક્ષાએ મોકલી આપવામાં આવી છે
‘બોરસદ ચોકડીના રેલવે ઓવર બ્રિજની ગટર ઊંચી હોવાની રજુઆત મળી છે. હાલ બ્રિજની કામગીરી છેલ્લા તબક્કામાં હોવાથી તેના ડ્રોઈંગમાં ફેરફાર કરવાની મંજુરી ઉચ્ચ કક્ષાએથી લેવી પડે છે. આથી, રજુઆતને ઉચ્ચ કક્ષાએ મોકલી આપી છે. તેમના નિર્ણય પર ફેરફાર કરવામાં આવશે.’
–ડી.આર. મિસ્ત્રી, એક્ઝિ. એન્જિનિયર, નેશનલ હાઈવે, વડોદરા.