SURAT

સાડા સાત કલાકે ચાર્જ થતી ઈ-બાઈકની બેટરી અઢી કલાકમાં જ બોમ્બની જેમ ફાટી, સુરતની ઘટના

સુરત: શહેરમાં એક બાજુ લોકોમાં ઈ-વાહનો ખરીદવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જ્યારે બીજી બાજુ ઈ-વાહનોમાં ઉપરાછાપરી આગ લાગવાના અને બેટરી ફાટવાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવી વધુ એક ઘટના બહાર આવી છે. સુરત શહેરના અડાજણમાં પાલનપોર જકાતનાકા વિસ્તાર નજીક બુધવારની રાત્રે ઘરની બાહર ર્ચાર્જિંગમાં મુકેલી એક ઈ – બાઇકમાં બેટરી ફાટવાની (E Bike Battery Blast In Surat) સાથે આગ ભડકી ઉઠી હતી જેના પગલે સ્થળ પર અફરાતફરી અને ભય ફેલાયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી.

  • સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા પુજન રો હાઉસની ઘટના
  • પીનલ સુખડીયાએ સાંજે ચાર્જિંગ પર મુકેલી બાઈક રાત્રિના 9 વાગ્યે અચાનક સળગી ઉઠી
  • બેટરીમાં શોર્ટ સર્કિટ અથવા ઓવર હિટિંગના લીધે આગ લાગી હોવાની આશંકા

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાલનપોર જકાતનાકા ખાતે આવેલ પૂજન રો-હાઉસમાં રહેતા પીનલભાઈ સુખડીયાએ ગઈ કાલે બુધવારે સાંજે ઘરની બાહર પોતાની ઈ-બાઈક ર્ચાર્જિંગ પર મુકેલી હતી. દરમિયાન રાત્રે નવેક વાગે અચાનક બાઇકમાં આગ ભડકી ઉઠી હતી જેના પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ ફેલાયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

ફાયર ઓફિસર ગિરીશ સેલરે જણાવ્યું હતું કે ઈ-બાઈક ચાર્જિંગમાં મુકેલી હતી ત્યારે આગ ભડકી હતી. બેટરીમાં ઓવરહિટિંગ અથવા શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હશે. થોડા સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યું હતું.પરંતુ આગને લીધે બાઈક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની નહીં થવા પામી હતી.

સાડા ચાર કલાકમાં ચાર્જ થાય તે પહેલા અઢી કલાકમાં જ બેટરી ફાટી
પીનલભાઈએ જણાવ્યું હતું કે તેમને પોણા બે વર્ષ પહેલા આ ઈ -બાઈક લીધી હતી. બુધવારની રાત્રે ઘરની બહાર ર્ચાર્જિંગ પર મુકેલી હતી. બેટરી સાડા ચાર કલાકમાં ચાર્જ થાય છે પરંતુ તે અઢી કલાકમાં જ ફાટી ગઈ અને તેમાં આગ ભડકી ઉઠી હતી. એટલું જ નહીં બૉમ્બ ફાટ્યો હોય તે રીતે બેટરી ફાટવાનો વાજ આવ્યો હતો. જેના કારણે અમે ઘ૨ની બાહર દોડી ગયા હતા. આગને કારણે બહારથી ઘરનો કલર પણ કાળો પડી ગયો હતો.

Most Popular

To Top