Entertainment

માત્ર પૈસા રોકવાથી સારી ફિલ્મો નથી બનાવાતી : અમર બુટાલા

અમર બુટાલા નવી પેઢીના હિન્દી ફિલ્મોના ગુજરાતી નવી પેઢીના અમરના પિતા રાજેન્દ્ર બુટાલા ઘણા વર્ષોથી ગુજરાતી નાટકોના નિર્માતા-અભિનેતા તરીકે જાણીતા છે. અમર બુટાલા નિર્મીત ‘મિશન મજનુ’ હવે રિલીઝ થઈ રહી છે પણ તે પહેલાં તેમની જે કેટલીક ફિલ્મો આવી ચુકી છે તેમાં ‘હિમ્મતવાલા’, ‘પિઝા’, ‘બજરંગી ભાઈજાન’, ‘હરો’, ‘ટ્યૂબ લાઈટ’, ‘લવ સોનિયા’, ‘ટોટલ ધમાલ’, ‘કેસરી’, ‘મિશન મંગલ’વગેરે છે. આ બધી ફિલ્મોમાં તે સહનિર્માતા હતા. ‘મિશન મજનુ’ પછી તેમની શાહીદ કપૂર સાથેની ‘બુલ’ અને જોહન અેબ્રાહમ, નોરા ફતેહ, રીતેશ દેશમુખ સાથેની ‘100%’ ફિલ્મ આવી રહી છે. અમર બુટાલા એક સાહસી અને વ્યસાયિક સમજદારી ધરાવતા નિર્માતા છે. તેઓ આ ઈન્ટરવ્યુમાં ફિલ્મ, ફિલ્મસ્ટાર્સ અને આજના માહૌલ વિશે વાત કરે છે.

પ્ર: તમારી ‘મિશન મજનુ’ ફિલ્મ રજૂ થઈ રહી છે. પ્રેક્ષક તરીકે જો પૂછીએ તો આ ફિલ્મમાં એવું શું છે જે ખાસ છે.
અમર બુટાલા: અત્યાર સુધી સોલ્જર્સ અને તેમના બહાદૂરી ભર્યા વિજય વિશે ઘણી ફિલ્મો આવી પણ રૉ એજન્ટના સમર્પણની ફિલ્મ નથી આવી.આ એક સત્યઘટના પર આધારીત ફિલ્મ છે અને 1974ના સમયગાળામાં એક રો એજન્ટ દુ:શ્મન દેશમાં જઈ ભારત વિરુદ્ધની ખતરનાક યોજનાને નિષ્ફળ બનાવે છે.

પ્ર: તમારી આ ફિલ્મમાં સિધ્ધાર્થ મલ્હોત્રા રો એજન્ટ બન્યો છે. તો શું ‘શેરશાહ’ની સફળતા પછી તેને કાસ્ટ કર્યો હતો?
અમર: ના,ના. આ ફિલ્મ અને ‘શેરશાહ’ પહેલાં શરૂ કરેલી પણ કોરોનાના સમયમાં મોડી થઈ. અમે આ ફિલ્મની વાર્તા સિધ્ધાર્થને બહુ વહેલા સંભળાવેલી. કઈ ફિલ્મ માટે કયો સ્ટાર હોવો જોઈએ તો વાર્તા અને પાત્ર આધારે જ નક્કી થાય છે.

પ્ર: ને રશ્મિકા મંદાનાની પસંદગી?
અમર: એ પણ તેની ફિલ્મ હિન્દીના પ્રેક્ષકોમાં સફળ થઈ પહેલા અમારી પસંદ બની હતી. અમારે એકદમ ક્રેશ જોડી બનાવવી હતી. આ ફિલ્મમાં તે એક પાકિસ્તાની છોકરી બની છે જે અંધ હોય છે. રશ્મિકાએ અત્યાર સુધીમાં જે જે ભાષામાં ફિલ્મોમાં કામ કર્યું તેમાં સફળ રહી છે.

પ્ર: કેવી ફિલ્મો બનાવવી તમને ગમે છે?
અમર: હું કોઈ એક જ પ્રકારના વિષય પર કામ નથી કરતો. ‘બજરંગી ભાઈજાન’બનાવી છે તો ‘ટોટલ ધમાલ’પણ બનાવી છે અને મારી હવેની ફિલ્મ ‘100%’એકદમ કોમેડી ફિલ્મ છે.

પ્ર: તમે ફિલ્મનાં નિર્માણ દરમ્યાન પપ્પા સાથે મસલત કરો છો?
અમર: હું જે કાંઈ શીખ્યો છું તે પપ્પા પાસેથી જ શીખ્યો છું. નિર્માતા તરીકે મેં હિન્દી નાટકો બનાવ્યા ત્યારે તેઓ જ માર્ગદર્શક હતા. વિષયની પસંદગી કરું ત્યારે પણ પપ્પા સાથે વાતો તો થતી જ હોય છે.

પ્ર: આજે કેવી ફિલ્મો સફળ થશે તે કહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે નિર્માતા તરીકે તમે શું વિચારો છો?
અમર: સારી સ્ટોરી હોય તો ફિલ્મ ચાલે છે. સ્ટોરી પછી યોગ્ય સ્ટાર્સ, સંગીત વગેરેનું મહત્વ છે. નિર્માતા તરીકે આર્થિક બાબતોને સંભાળવી તે એક વાત થઈ અને ફિલ્મની ક્રિયેટિવિટી મેનેજડ કરવી તે બીજી બાબત છે. માત્ર પૈસા રોકવાથી સારી ફિલ્મ બનાવી શકાતી નથી. લોકો તો ટ્રેલર જોઈને જ નક્કી કરી નાંખે છે કે આ ફિલ્મ જોવી યા ન જોવી.

પ્ર: આજકાલ 400 કરોડ 500 કરોડના રોકાણ કરી ઘણા નિર્માતા સકસેસની અપેક્ષા રાખે છે.
અમર: કેટલું રોકાણ કર્યું તેમાંથી ફિલ્મના સકસેસની ગેરંટી નથી આવી જતી. સારી ફિલ્મ હોય તો જ ચાલશે. હિન્દી ફિલ્મોની સફળતા-નિષ્ફળતા જરા વધુ પડતી ચર્ચાતી હોય છે બાકી બીજી ભાષામાં પણ ફિલ્મો સફળ-નિષ્ફળ જતી જ હોય છે. કોરોનાના બે વર્ષમાં આખુ ગણિત બદલાઈ ગયું છે. કોઈ નક્કી ન કરી શકે કે કેવા પ્રકારની ફિલ્મ વધારે સકસેસ જશે. સારી વાર્તા સારી રીતે કહો એ જ મહત્વનું છે.

પ્ર: શું ટોપના સ્ટાર્સ લેવાથી ફિલ્મની સફળતા વિશે નિશ્ચિંત થવાય છે?
અમર: આજના સ્ટાર્સ પણ સ્માર્ટ છે. તેઓ વિષય અને પટકથા જોયા પછી જ નક્કી કરે છે કે કામ કરવું કે નહીં. હવે ફક્ત સ્ટારડમ પર ફિલ્મ નથી ચાલતી. પટકથા જ બાઈબલ છે. હું પટકથા પૂરી થાય પછી જ શૂટિંગ શરૂ કરું છું.

પ્ર: સાઉથની ફિલ્મોથી હિન્દી ફિલ્મોનો ખતરો છે ખરો?
અમર: જે ફિલ્મ સારી હોય તે ચાલવી જ જોઈએ. ‘આર આર આર’મારી ફેવરિટ ફિલ્મ છે. ‘બ્રહ્માસ્ત્ર’સારી બની તો તે પણ ચાલી જ છે. પ્રેક્ષક તો સારી ફિલ્મ જ જોવા માંગે છે.

પ્ર: ‘મિશન મજનુ’માં તમે પાકિસ્તાનામાં ઘટનાક્રમ બતાવ્યો છે. ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં કર્યું છે?
અમર: 60 % શૂટિંગ લખનૌમાં અને પછી મુંબઈમાં થયું છે. અમારે 1970ના સમયનું પાકિસ્તાન બતાવવાનું હતું એટલે તે સમયની પાકિસ્તાની ફિલ્મો, કેટલીક દસ્તાવેજી ફિલ્મો જોઈને ખૂબ સંશોધન કરી સેટસ બનાવ્યા છે. આ ફિલ્મ અમારા માટે પડકાર સમી હતી અને બધાજ ડિપાર્ટમેન્ટમાં ખૂબ કામ થયું છે એ તમને ફિલ્મ જોતાં જ વર્તાશે. •

Most Popular

To Top