SURAT

સુરત: હજીરામાં 14 વર્ષની દીકરીની લાશ દફનાવવા નીકળેલા બાપને પોલીસે પકડ્યો

સુરત: સુરતના હજીરા વિસ્તારમાં મંગળવારે મધરાત્રે ચોંકાવનારી ઘટના બની છે. અહીં અવાવરું જગ્યામાં ખાડો ખોદી 14 વર્ષની કિશોરીની લાશ દફનાવવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, ત્યારે સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે ત્યાં દુલ્હનને શણગારી હોય તેવા લાલ કપડા પહેરાવેલી કિશોરીની લાશની નનામી જમીન પર પડી હતી અને બાજુમાં કેટલાંક લોકો ખાદો ખોડી રહ્યાં હતાં. પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. સગો બાપ જ પોતાની 14 વર્ષની દીકરીની લાશને દફનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દીકરીએ આપઘાત કર્યો હોવાનું પિતાએ પોલીસને જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા ગામમાં રહેતી 14 વર્ષીય કિશોરીનું ગઈકાલે મોત થયું હતું. કિશોરીના પરિવારજનો રાત્રિના અંધારામાં ટ્રેક્ટરમાં કિશોરીની લાશ લઈ દફનવિધિ કરવા નીકળ્યા હતા. હજીરા પોર્ટ પાસે આવેલી ખુલ્લી અવાવરુ જગ્યામાં નાયકો કંપનીના ગેટ પાસે લાશ મુકી પરિવારજનો ખાદો ખોડી રહ્યાં હતાં. રાતના અંધારામાં કોઈ લાશ દફનાવવામાં આવી રહી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, તેથી હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર એક પરિવાર કિશોરીની લાશની દફનવિધિ કરી રહી હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી હતી. જે ટ્રેક્ટરમાં લાશ લાવવામાં આવી હતી તે ટ્રેક્ટર પણ પોલીસે જપ્ત કરી લીધું હતું.

દરમિયાન હજીરા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, લાશનો કબ્જો લેવામાં આવ્યો છે. શંકાસ્પદ રીતે કિશોરીની લાશ દફનાવવાની પ્રક્રિયા તેના પરિવાર દ્વારા જ કરવામાં આવી રહી હતી. પરિવાર મૂળ બિહારનો છે. કિશોરીના પિતા ચંદન મજૂરીકામ કરે છે. પિતાએ એવી હકીકત જણાવી છે કે દીકરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. કોઈની સામે ફરિયાદ કરવી નહીં હોય વિધિ અનુસાર દફનાવવા નીકળ્યા હતા. નાની ઉંમરમાં મૃત્યુ પામતા બાળકોને દફનાવવાનો રિવાજ હોવાનું પણ જણાવ્યું હતું.

અંધારામાં 14 વર્ષની કિશોરીની લાશની દફનવિધિની પ્રક્રિયા અંગે હજીરા ગામમાં તરેહ તરેહની ચર્ચા ઉઠી છે. કિશોરીનું કુદરતી મૃત્યુ નહીં થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માત્ર 14 વર્ષની નાની ઉંમરમાં કિશોરી કેમ જીવન ટૂંકાવી લે? એવું તો શું કારણ હતું? તે અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હાલ હજીરા પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવશે.

Most Popular

To Top