Columns

શું તમને સેક્સ માણવા માટે ઈચ્છા નથી થતી?

ઘણા ખરા પુરુષોના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે જાતીય વિષયોમાં તેમનો રસ ઘટી જાય છે, જાતીય સુખ માણવાની તેમની કામનાઓ મંદ થઈ જાય છે અથવા તે પ્રત્યે વધતેઓછે અંશે અણગમો પેદા થાય છે. મોટાભાગના પુરુષોને કે તેમની મહિલા પાર્ટનર્સને આ બાબતે ચર્ચા કરવી નથી ગમતી પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે જાતીય નબળાઈ અથવા કમજોરીની અન્ય કોઈ સમસ્યા કરતાં કામેચ્છા મંદ પડી જવી અથવા તો જાતીય આવેગોમાં અવરોધ સર્જાવાની સમસ્યા લગ્નજીવનમાં તણાવ સર્જતી સૌથી મોટી સમસ્યા છે.

છેલ્લા અઢી વર્ષમાં કોરોનાની પ્રથમ, બીજી અને તેના પછીની લહેરો એ લોકોમાં માત્ર શારીરિક અસ્વસ્થતાનો જ નહિ પરંતુ માનસિક અસ્વસ્થતાઓ જેવી કે, ચિંતા, તણાવ, ડિપ્રેશનનો પણ અનુભવ કરાવ્યો છે. કોરોના મહામારીની પુરુષો અને મહિલાઓ બન્નેના સ્વાસ્થ્ય પર ભારે અસર જોવા મળી છે. ખાસ કરીને પુરુષો વિશે વાત કરીએ તો, માનસિક તણાવ, ખોરવાયેલી જીવનશૈલી અને દિનચર્યાની તેમના જાતીય સ્વાસ્થ્ય પર ભારે અસર પડી છે. કોરોના સમયગાળા દરમિયાન ખાસ કરીને પુરુષોમાં જાતીય સ્વાસ્થ્ય સમસ્યાઓના વધુ કિસ્સાઓ બહાર આવ્યા. હાલમાં પુરુષોમાં જાતીય સંબંધો પ્રત્યે ઉદાસીનતાના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

લોકડાઉનના બીજા તબક્કાથી, જાતીય સમસ્યાઓ અંગે સલાહ લેનારા પુરુષોની સંખ્યા વધી છે. જેમાંથી મોટા ભાગના પુરુષો જાતીય ઇચ્છાની અછત અને શીઘ્ર સ્ખલનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લોકડાઉનને લીધે અનિર્ણિત દિનચર્યા અને જીવનશૈલીએ પુરુષોની જાતીય ક્ષમતાને ઘણી હદ સુધી અસર કરી છે. કસરતનો અભાવ, અસંતુલિત ભોજન, અતિશય આલ્કોહોલનું સેવન અને અતિશય માનસિક તાણ જેવી ઘણી અનિચ્છનીય ટેવો પુરુષોમાં સેક્સ માટેના હોર્મોન્સ ટેસ્ટોસ્ટેરોનમાં ઘટાડો લાવી રહી છે. એટલું જ નહીં, આ પરિસ્થિતિઓને લીધે જાતીય ઇચ્છાને ઘટાડતા પ્રોલેક્ટીનના સ્તર પર પણ અસર થઈ રહી છે.

 મહિલાઓની તુલનાએ કામેચ્છા મંદ પડી જવાની કે તેમાં ઘટાડો થવાની સમસ્યા પુરુષોમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે, આશરે 20થી 25 % પુરુષો તેનો ભોગ બને છે જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ બમણાથી પણ વધુ જોવાય છે. પણ હા, પુરુષ જ્યારે સેક્સમાંથી રસ ગુમાવી દે ત્યારે તેઓ મહિલાઓની સરખામણીએ અનેકગણી વધુ ચિંતા અને તણાવ હેઠળ આવી જાય છે કારણ કે આ બાબત સીધી જ તેમના પૌરુષત્વ સાથે સંકળાયેલી છે.

મહિલાઓની તુલનાએ કામેચ્છા ગુમાવી દેવાની બાબત પુરુષોને તેમના બાકીના જીવનકાળ દરમિયાન સૌથી વધુ દુઃખી રાખે છે. જાતીય વિષયોમાં રસ ગુમાવી ચૂકેલા પુરુષોમાંથી માત્ર 23 % જ પોતે તેમની વર્તમાન સ્થિતિમાં ખુશ હોવાનું સ્વીકારે છે, જ્યારે મહિલાઓમાં આ પ્રમાણ 46 % જેટલું છે. અહીં મહત્ત્વની નોંધનીય બાબત એ છે કે એક વાર જાતીય ઈચ્છાઓ સુષુપ્ત કે મંદ પડી જાય ત્યાર પછી આજીવન એ જ સ્થિતિમાં જીવન પસાર કરવું પડે તેવું સહેજ પણ નથી. તમે તમારી જાતીય ઈચ્છાઓને ફરીથી અગાઉ જેવી જ આવેગમય, ઉષ્માસભર અને સક્રિય બનાવી શકો છો. જે તમને ફરીથી ખુશહાલ જીવન જીવવા પ્રેરિત કરશે.

તમે કામેચ્છા ગુમાવી દીધી છે તે કેવી રીતે જાણશો?
કામેચ્છા કે જાતીય ઈચ્છાઓ એકાએક ગાયબ નથી થઈ જતી કે નથી તેમાંથી એકાએક રસ ઊડી જતો. આ એક તબક્કા વાર અને ધીમી ગતિએ આકાર લેતી પ્રક્રિયા છે. તેનું ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ હોવા છતાં કેટલાક ચોક્કસ માપદંડને આધારે આ સમસ્યાને ઓળખી શકાય છે. છેલ્લા કેટલાક મહિનાઓ કે એકાદ વર્ષમાં સેક્સ માણવામાં રસ ઊડી જવો એ તેનું પ્રાથમિક લક્ષણ છે.

જાતીય સમાગમની સંખ્યાના આધારે જાતીય ઈચ્છાઓની વધઘટનું આકલન ના કરી શકાય કારણ કે અનેક વાર ઈચ્છાઓ પ્રબળ હોવા છતાં પરિસ્થિતિને કારણે સમાગમ કરવો શક્ય નથી બનતું પરંતુ હા જો તમે પરિણીત અને સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતાં સપ્તાહમાં માત્ર એકાદ વખત સેક્સ માણતા હોવ તો તમારે સ્વયં એ બાબત નક્કી કરવી જોઈએ કે સપ્તાહમાં એકાદ વખત સેક્સ માણવાથી તમે ખુશ છો કે કેમ? જો તમે કામેચ્છાઓ ગુમાવવાને લીધે સતત નાખુશ રહેતા હોવ તથા તેને લીધે તણાવ અનુભવતા હોવ તો આ સમસ્યા વધુ વકરે તે પહેલાં જ તેનો ઉકેલ લાવવો જરૂરી છે. આ સમસ્યાના પ્રારંભિક લક્ષણો ઓળખવા માટે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા છે તે તમારી સ્થિતિના સંદર્ભમાં ખોટા કે ખરા છે તે ચકાસો.

  • માત્ર બેડરૂમમાં જ તમે એકમેકને સ્પર્શ કરો છો?
  • સેક્સથી તમને ઉત્કટતા અને લાગણીના આદાન-પ્રદાનનો અનુભવ નથી થતો?
  • તમારા બેમાંથી એક જણ હંમેશાં સેક્સની શરૂઆત કરે છે, જ્યારે બીજો દબાણ અનુભવે છે?
  • તમને સેક્સ માણવા માટે ઈચ્છા નથી થતી?
  • સેક્સ તમને યંત્રવત અને કંટાળાજનક પ્રક્રિયા લાગે છે?
  • તમને તમારા જીવનસાથી વિશે સેક્સી વિચારો નથી આવતા?
  • તમે મોટાભાગે મહિનામાં એક કે બે વખત માંડ સેક્સ માણો છો?

 જો ઉપરના સવાલોમાંથી મોટાભાગનાના જવાબો તમે ‘હા’માં આપ્યા હોય તો તમે જાતીય ઈચ્છાઓ ગુમાવી દેવાની સ્થિતિની નજીક સરકી રહ્યા છો તેમ કહી શકાય. સમસ્યાના વિવિધ કારણો પારખી લેવા તે યોગ્ય નિદાન માટેનું પ્રથમ પગલું છે.

સારા જાતીય સ્વાસ્થ્ય માટે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોવી જરૂરી છે. તેથી તે જરૂરી છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, નિયમિત શિસ્તબદ્ધ બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ, ખોરાક હંમેશાં તાજો, પાચક અને પૌષ્ટિક હોવો જોઈએ અને નિયમિત કસરત કરવી જોઈએ પરંતુ તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે જો તમને કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યા લાગે તો તરત જ નિષ્ણાતનો સંપર્ક કરો.

Most Popular

To Top