આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટીમાં ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓને તાલીમ આપવા કેન્દ્ર સરકારે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ રૂ. 29.01 લાખની ગ્રાન્ટ મંજુર કરી હતી.જેમાંથી વિદ્યાર્થી અને શિક્ષકને તાલીમ આપી માનવબળ બનાવવામાં આવશે. ભારત સરકારનાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત કાર્યરત ડીપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા “સ્કિલ વિજ્ઞાન પ્રોગ્રામ” અંતર્ગત વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ક્ષેત્રે કૌશલ્ય વર્ધન થાય તે હેતુથી અરજીઓ મંગાવવામાં આવી હતી.
જેમાં સમગ્ર ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓએ નિયત ફોર્મેટમાં અરજીઓ કરી હતી.આ બાબતનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી 6 યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગોની જરૂરીયાત મુજબ કૌશલ્ય વિકાસ થાય તે હેતુથી ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.જેમાંથી સરદાર પટેલ યુનિવર્સિટીને ભારત સરકારનાં મંત્રાલય દ્વારા ગુજરાતમાં સૌથી વધુ 29.01 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી.
આ અંગે સરદાર પટેલ યુનિવર્સિટીનાં કા.કુલપતિએ મંજુરી મળવા બદલ ફાર્માસ્યુટિકલ સાયન્સીસ વિભાગના સૌ પ્રાધ્યાપકને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ મંજુરી મળ્યા બાદ આગામી સમયમાં અમારો ફાર્માસ્યુટિકલ સાયન્સીસ વિભાગ સ્થાનિક ઉદ્યોગોને સંપર્ક કરી તેમને જોઈતા માનવબળને તૈયાર કરી આપશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા 120 જેટલા માનવબળને તૈયાર કરવા આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં વર્ષ 2010 થી ફાર્માસ્યુટિકલ સાયન્સીસ વિભાગ કાર્યરત છે. વર્ષ 2021 થી ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં નિયત ધારાધોરણો મુજબ બી.ફાર્મ.નો અભ્યાસક્રમ શરુ કરવામાં આવ્યો હતો. વર્ષ 2022 થી વિભાગની ગુણવત્તા જોઈને એમ.ફાર્મ.ની 30 બેઠકો કરી આપી હતી.
ફાર્માસ્યુટિકલ વિભાગ દ્વારા લેબ ટેકનીશીયન અને મશીન ઓપરેટરની તાલીમ અપાશે
ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ઉદ્યોગની ક્ષમતા આશરે અંદાજીત ૫,૬૬૦ બિલિયન રૂપિયાની છે. જેમાં સૌથી વધુ માનવબળ ઉત્પાદન અને ગુણવત્તા ચકાસણી ક્ષેત્રે જરૂરીયાત ઉભી થશે. આ બાબતને ધ્યાને રાખી સરદાર પટેલ યુનિવર્સિટીનાં ફાર્માસ્યુટિકલ સાયન્સીસ વિભાગ દ્વારા લેબ ટેકનીશીયન અને મશીન ઓપરેટરની તાલીમ આપવામાં આવશે.