Charchapatra

ટેક્ષ્સ્ટાઈલ ઉદ્યોગના માઠા દિવસોમાં ય મનપાની લાગણીશૂન્યતાથી બેફામ વેરો જ ઉઘરાવે છે

વૈશ્વિક મંદીની અસર હર કોઈને થવા પામી છે. ખાસ કરીને દેશભરમાં સિલ્ક સીટી તરીકે ઓળખાતો કાપડ ઉદ્યોગ પણ ભયંકર મંદીમાં ફસાયો છે. આર્થિક સંકડામણમાંથી છુટકારો મેળવવા ઉદ્યોગકારો જીવસટોસટની બાજી લગાવી રહ્યા છે. નાછુટકે વણાટ ઉદ્યોગને લગતી મશીનરીઓ ભંગારના ભાવે વેચાઈ રહી છે. ઉદ્યોગની આવી હકીકત છૂપી રહી નથી. પડતા પર પાટુની ઉક્તિ અનુસાર સુરત મહાનગરપાલિકાના આકરા વેરાના દર ઉદ્યોગકારો માટે ચિંતાનું કારણ બન્યા છે. છેલ્લા બે દાયકામાં લગભગ 1000 ટકાનો વેરા વધારો ઉદ્યોગકારોએ મૂંગા મોઢે સહન કર્યો છે અને શહેર વિકાસમાં ફાળો આપ્યો છે.

હાલની વણાટ ઉદ્યોગની દયનિય પરિસ્થિતિમાં જેમ ઘટના કોઈ બિમાર વ્યકિતને સ્વજનો   દૂધનો કટોરો આપે છે તે રીતે મહાનગરપાલિકા તરફથી રાહતની અપેક્ષા ઉદ્યોગકારો રાખે તે સ્વાભાવિક છે. વર્તમાન પરિસ્થિતિમાં મ્યુ.કોર્પો. નો આકરો વેરો ભરવા ઉદ્યોગકારો સક્ષમ નથી કારણ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિ ઉદાહરણથી સમજવી જરૂરી છે. વાસ્તવિક્તા એવી છે કે ગ્રાઉન્ડ વત્તા બે માળની ઔદ્યોગિક મિલ્કતનો વેરો લગભગ 60 હજાર વાર્ષિક હોઈ શકે છે. મતલબ મહિને 5 હજાર મ્યુ.કોર્પોરેશન માટે કમાવવા પડે !! આ જ લોકો મશીનરીઓ ભંગારના ભાવે વેચી રહ્યા છે. વેચ્યા પછી ખાલી શેડનું ભાડું ગાળા દીઠ 5 હજાર આવે તો નસીબદાર ગણાવ.

ગ્રાઉન્ડ વત્તા બે માળના ઉદ્યોગકાર પાસે મહિને 15 હજાર ભાડુ આવે તેમાંથી 5 હજાર રૂપિયા મ્યુ.ટેક્ષ ભરવામાં ખર્ચાઈ જાય. ઉદ્યોગકારના હાથમાં આવે બાબાજી કા ઉલ્લુ/- વ્યવસાય વેરો અલગ  આશ્ચર્યની વાત તો એ છે કે ભાડુઆતના વેરાના દર વળી પાછા વધુ – ત્રણ અલગ અલગ વેરાના બિલ આવે ત્રણે બિલમાં સફાઈવેરો વત્તા પાણી વેરો વત્તા શિક્ષણ ઉપકર વિગેરે વેરા અલગ આવે. મિલ્કત એક વેરા બિલ અનેક. વળી તાકા મૂકવા અલગ ઓરડી બનાવી હોય તો વધુ એક બિલ ઉધારાય ! વેરો નિર્ધારિત સમયમાં નહિ ભરો તો પેનલ્ટી, નોટીસ, ફી લેટ ફી, અલગ-વ્યાજ પણ પાછો જુલ્મી. ઘરેણા વેચો કે કોઈપણ કરો વેરો સમયસર ભરો. પણ એક વાત સૌએ દિવાલ પર કોતરાવી લેવી જોઈએ કે, ઘરવાળીનો સાડલો ફાટેલો હોય (ઉદ્યોગકારોની દયનિય સ્થિતિ હોય) ત્યારે ઘરવાળો તેણી માટે હીરાનો નેકલેશ (સત્તાધિશો આડેધડ વિકાસ) લાવે તો તે તર્કસંગત ગણાય નહિ.
સુરત     – અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top