Vadodara

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2023 વડોદરામાં વિવિધ પતંગોની ભવ્યતા

વડોદરા,: કોરોના મહામારી બાદ ફરી એક વખત વડોદરાના પતંગ રસીયાઓને આંતરરાષ્ટ્રીય પતંગ કળા અને પરંપરાનો સાક્ષાત્કાર થયો હતો.શહેરના નવલખી મેદાનમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી બાળકૃષ્ણ શુક્લના અધ્યક્ષ સ્થાને સોમવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 19 દેશો અને દેશના 6 રાજ્યો સહિત 60 થી વધુ જેટલા પતંગબાજોએ પોતાના પ્રચલિત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કરતા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલો પતંગોત્સવ આજે વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે.આપણા પરંપરાગત ઉત્સવો, તહેવારોને જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય ઉત્સવ તરીકે ઉજવવાની એક આગવી અને નવતર પરંપરા વડાપ્રધાને આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-20 દેશોની બેઠકોની યજમાની કરવા જઈ રહ્યું છે.

ડેપ્યુટી મેયર નંદાબેન જોષીએ વિદેશી પતંગબાજો અને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી, ઉત્સવપ્રિય નગરી વડોદરામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન બદલ ધન્યભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે વડોદરાની ધરતી પર આવા વૈશ્વિક કક્ષાના મહોત્સવ યોજાવા એ ગર્વ અને ગૌરવની વાત ગણાવી શહેરીજનોને અભિનંદન પાઠવીને, આંતરરાષ્ટ્રીય ઉત્સવો હવે વડોદરા શહેરના ઈવેન્ટ કેલેન્ડરની એક વાર્ષિક પરંપરા બની ગયો હોવાનું જણાવ્યું હતું.

સાંસદ રંજનબેન ભટ્ટે આપણા પરંપરાગત ઉત્સવોને વૈશ્વિક ઓળખ અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ પ્રસંગે વધુમાં કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજનથી સ્થાનિકો અને વિદેશી પતંગબાજો વચ્ચે પોતાની આગવી પતંગ સંસ્કૃતિનું આદાનપ્રદાન થાય છે.કાર્યક્રમની શરૂઆત પહેલા વિદેશી મહેમાનો સહિતના પતંગબાજોએ ફિટનેસ આઈકન ઉર્વી સાથે ઝૂમ્બા કર્યા હતા. અને ત્યારબાદ ગુજરાતની અસ્મિતા સમા વિશ્વપ્રસિદ્ધ ગરબા નિહાળી ગરબાના તાલે ઘૂમ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે મેયર અને ધારાસભ્યશ્રી કેયુરભાઈ રોકડીયાએ વિદેશી પતંગબાજોને  મળીને તેમનું સ્વાગત સહ અભિવાદન કર્યું હતું.

Most Popular

To Top