વડોદરા: ઐતિહાસિક ન્યાય મંદિરને હેરિટેજ સાઇટ બનાવવા તંત્રએ કમર કસી છે.ત્યારે ઐતિહાસિક વારસાને જાળવવા માટે પદ્માવતી શોપિંગ સેન્ટરને ઝડપથી હટાવવા માટે નિર્ણય લેવાયો છે તેમજ આસપાસ થતા દબાણો અને પાર્કિંગ પણ દૂર થશે.તો બીજી તરફ ન્યાય મંદિરના ફુવારા પાસેની જૂની રેલિંગો કાઢી તે જગ્યા પર નવી રેલિંગો નાખવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા તંત્રના પ્રયાસ અને રાજ્ય સરકારના સહયોગથી હવે આ ન્યાય મંદિર ઐતિહાસિક ઈમારત હેરિટેજ સાઇટ બનવા જઈ રહી છે.ત્યારે તંત્ર દ્વારા ન્યાયમંદિર ફુવારા પાસે રેલિંગ નાખવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.
દર મહિને પાલિકામાં મળતી સંકલનની બેઠક જુલાઈ 2022 માં મળી હતી.ત્યારબાદ છ મહિના પછી નવા વર્ષની નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની પાલિકામાં સંકલનની બેઠક મળી હતી.જેમાં હેરિટેજ ન્યાય મંદિર સામેના પદ્માવતી શોપિંગ સેન્ટર અને આસપાસના પથારાના દબાણો અંગે સૂચનો કરવામાં આવ્યા હતા તેમજ ન્યાયમંદિર વિસ્તારને હેરિટેજ સાઈટ તરીકે વિકસાવવા અને ઐતિહાસિક ન્યાય મંદિરના વારસાને જાળવવા માટે નડતરરૂપ જર્જરિત પદ્માવતી શોપિંગ સેન્ટરને ઝડપથી હટાવવાનો નિર્ણય પણ સંકલનની બેઠકમાં લેવા આવ્યો હતો.કમુર્તા પછી એટલે કે ઉતરાયણ બાદ પદ્માવતીનું મુહૂર્ત નીકળશે.ત્યારે રાત્રી દરમિયાન ન્યાય મંદિરના ફુવારા પાસેની રેલિંગો બદલવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.સવાર સુધી પણ કામગીરી જોવા મળી હતી.જૂની રેલીંગો કાઢી નવી રેલિંગો લગાવવાની કામગીરી પૂરજોશમાં થતી જોવા મળી હતી.