બીલીમોરા: (Bilimora) બીલીમોરા આનંદનગર સોસાયટીમાં રવિવારે વહેલી સવારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજીત રૂ.15 લાખની માલમત્તા ચોરી જતા પોલીસ (Police) દોડતી થઈ હતી. ડોગ સ્ક્વોડ (Dog Squad) અને એફએસએલની (FSL) મદદથી પોલીસ તપાસ કરી રહી છે. જોકે મોડી સાંજ સુધી ફરીયાદ નોંધાઇ નથી.
- બીલીમોરાનો પરીવાર મોસાળું લઈને ગયો ને તસ્કરો ઘરમાંથી 15 લાખ ચોરી ગયા
- ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પોલીસે તપાસ શરૂ કરી
- ઘરમાં કબાટ અને હાઈ ફાઈ લોકર તોડી તસ્કરો રોકડા અને સોનાના ઘરેણાં મળી 15 લાખની મત્તા ચોરી ગયા
બીલીમોરા ગૌહરબાગ બંગલા નં.77 આનંદ નગરમાં રહેતા બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા જનક ચીમનલાલ ગાંધી શનિવારે નવસારી બહેનની દીકરીના લગ્નમાં મોસાળું લઈ ગયા હતા. જેથી ઘર બંધ હતું. દરમિયાન રવિવારે સવારે કામવાળી ઘરકામ કરવા આવતા તેણે ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં અને અંદર ઘરવખરી રફેદફે જોતા માલિકને જાણ કરી હતી. જેને કારણે ઘરે પરત ફરી તપાસ કરતા સમાન વેરવિખેર હતો. તમામ કબાટ અને હાઈ ફાઈ લોકર પણ તૂટેલું હતું. જેમાંથી રોકડ અને સોનાના ઘરેણાં મળી અંદાજીત રૂ.15 લાખની મત્તા ચોરાઈ હતી. તસ્કરો સીસીટીવીના ડીવીઆર, વાઈફાઈ રાઉટર, સેટ અપ બોક્ષ લેતા ગયા હતા. વહેલી સવારે 3.47 કલાકે વાઇફાઇનું કનેક્શન કપાયું હતું. જે અંગે પોલીસને જાણ કરતા એલસીબી પોલીસ, ડોગ સ્ક્વોડ, એફએસએલની મદદથી તપાસ પ્રારંભ કર્યો હતો. પોલીસનો લેબ્રાડોર ડોગ ઘરના વાડા પાછળ 200 મીટર દૂર જઈ પરત ફર્યો હતો.
નવસારીના સિનિયર સીટીઝનને લલચાવી 38.60 લાખ પડાવનાર 3 ઝડપાયા
નવસારી : નવસારીના સિનિયર સીટીઝનને ફોરેક્ષમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી 38.60 લાખ ઓનલાઈન ફ્રોડ કરી પડાવનાર 3 આરોપીને સુરત રેંજ સાયબર ક્રાઈમ પોલીસની ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ, નવસારીના સિનિયર સીટીઝનને ગત ફેબ્રુઆરી 2022 માં ફેસબુક ચેક કરતા હતા. તે વખતે ફોરેક્ષ ટ્રેડીંગ માટે સર્ચ કરતા કેપિટલ ફોરેક્ષ લાઈવ લિમિટેડ નામની આઈ.ડી. જોવા મળી હતી. તેમાં એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ આવતા સિનિયર સીટીઝને ફોન ઉપર વાતચીત કરતા અજાણ્યા ઇસમે તેમની ઓળખાણ શીવાંશુ ગુપ્તા તરીકે આપી હતી. તેણે કેપિટલ ફોરેક્ષ કંપનીમાં ટ્રેડીંગની વિવિધ સ્કીમો સમજાવી હતી. સિનિયર સીટીઝનને લોભામણી લાલચ આપી આધાર કાર્ડ, પાન કાર્ડ તથા બીજી ડીટેઇલ લઈ તેમના મોબાઈલમાં મેટા ટ્રેડર-5 કંપનીની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું.
ત્યારબાદ તે અજાણ્યાએ સિનિયર સીટીઝનને ક્વિક સન કંપનીના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાં 26.50 લાખ રૂપિયા જમા કરાવડાવી રોકાણમાં પ્રોફિટ થતા એપ્લિકેશનમાં 1,23,570.22 યુ.એસ. ડોલર નફો દર્શાવ્યો હતો. જેથી સિનિયર સીટીઝનને નફો વધુ દેખાતા રોકાણની ઉપાડ કરવા માટે શિવાંશુ ગુપ્તાએ સરકારના ધારા ધોરણો મુજબ ટેક્સની રકમ ચુકવણી માટે બીજા 12.10 લાખ મળી કુલ્લે 38.60 લાખ રૂપિયા એચડીએફસી બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ સિનિયર સીટીઝને શિવાંશુ ગુપ્તા પાસેથી રોકાણના રૂપિયાની માંગણી કરતા શિવાંશુએ પૂણેની ઓફિસમાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે અને તેનું બેંક એકાઉન્ટ શીલ કર્યું છે તેમ જણાવી તેમણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જે બાબતે સિનિયર સીટીઝને ઓનલાઈન ફ્રોડની ફરિયાદ દાખલ કરી હતી.
આ બાબતે પોલીસે તપાસ કરતા મુંબઈ દહિસરની ક્વિકસન ટેક્નોલોજીના ડિસ્ટિબ્યુટર રવિન્દ્રભાઈ મનુભાઈ રૂડાનીએ તમામ રૂપિયા કંપનીના સ્વીફ્ટ મની એપમાં કલેઈમ કરી પોતાના મોબાઈલમાં સ્વીફ્ટ મની એપ દ્વારા ટ્રાન્સફર લઈ પોતાનું તેમજ સહ આરોપી સતીષ પ્રેમલાલ યાદવે દર એક લાખ ઉપર 200-200 રૂપિયા બંને આરોપીઓએ કમીશન લઈ તમામ રૂપિયા વિનય કપિલદેવ ગુપ્તાને રોકડા આપ્યા હતા. જેથી પોલીસે કંપનીના ડિસ્ટિબ્યુટર રવિન્દ્રભાઈ મનુભાઈ રૂડાનીને ઝડપી પાડી તેમના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. સાથે જ પોલીસે મુંબઈ દહીસર પૂર્વમાં એસ.આર.એ. કોલોનીમાં રહેતા સતીષ પ્રેમલાલ યાદવ અને દહીસર પૂર્વ ઓરચીડ પ્લાઝામાં રહેતા વિનય કપિલદેવ ગુપ્તાને ઝડપી પાડ્યા હતા.