સુરત: (Surat) પાંડેસરા ખાતે કપાયેલો પતંગ છત ઉપર લેવા ગયેલી 12 વર્ષીય કિશોરીની પાડોશી યુવાને છેડતી કરતાં ધક્કો મારી ભાગી છૂટેલી કિશોરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન (Child Help Line) પર ફોન (Phone) કરી પોતાની સાથે થયેલા ગેરવર્તનની જાણ કરી હતી. છેડતીના (Abuse) મામલે કિશોરીએ દાખવેલી બહાદૂરી અને ચાઈલ્ડ હેલ્પ લાઈન અંગેની તેની જાગૃતિ કાબિલેદાદ છે. બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકમાં છેડતી કરનાર યુવાન વિજય બંસીલાલ ગૌતમ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- પતંગ લેવા અગાસી પર ગયેલી કિશોરીની છેડતી કરતા 12 વર્ષની બહાદૂર દિકરીએ સીધો ચાઈલ્ડ હેલ્પ લાઈનને કોલ કર્યો
- પાંડેસરામાં રહેતા વિજય ગૌતમએ કિશોરીને અગાસી પર એકલી જોતાં પોતાની તરફ ખેંચી કિસ કરી લીધી હતી, યુવક સામે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ
- સ્કૂલમાં આપવામાં આવેલી ગુડ ટચ-બેડ ટચની શિખામણ કિશોરીએ બરાબર યાદ રાખી હતી
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે અપેક્ષાનગર સોસાયટીમાં રહેતો વિજય બંસીલાલ ગૌતમ પોતાના ઘરની અગાસી ઉપર શુક્રવારે પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે પાડોશમાં રહેતી એક 12 વર્ષીય કિશોરી કપાઈને આવેલા પતંગને લેવા એક નાના બાળકની સાથે અગાસી પર દોડી આવી હતી. એકલી કિશોરીને જોઈને વિજયની દાનત બગડી હતી અને નાના બાળકની પરવા કર્યા વિના વિજયે કિશોરીને પોતાની તરફ ખેંચી કહ્યું હતું કે, મેં તુઝે રોજ પૈસા દુંગા તુ રોજ છત પે ખેલને આના, હમ મસ્તી કરેંગે તેમ કહીને કિશોરીને 10 રૂપિયાનો સિક્કો આપ્યો હતો. આ દરમિયાન કિશોરી કંઈ સમજે તે પહેલાં તો વિજયે તેને કિસ કરી લેતાં કિશોરી એકદમ ડઘાઈ ગઈ હતી પણ તે હિંમત કરી યુવાનને ધક્કો મારી નીચે દોડી ગઈ હતી. એટલું જ નહિં આ બહાદૂર દિકરીએ જાતે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ઉપર ફોન કરીને બનાવની જાણ કરી હતી.
ઉલ્લેખનિય છે કે કિશોરીની માતા તેની દાદીની તબિયત ખરાબ હોવાથી છેલ્લાં દોઢ મહિનાથી વતનમાં રહે છે અને કિશોરી પાંડેસરામાં તેના પિતા સાથે એકલી જ રહે છે. ઘરમાં કોઈ જ નહિં હોવાથી પોતાની સાથે થયેલા ગેરવ્યવહારથી કિશોરી ખૂબ ડરી ગઈ હતી કેમકે વાત કરવાવાળું પણ કોઈ ન હતું. આ સ્થિતિમાં તેણીએ સ્કૂલમાં શીખવવામાં આવેલ બેડટચ-ગુડટચની થિયરી યાદ કરી હિંમત કેળવી સીધો ચાઈલ્ડ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. સાથે હિંમતપૂર્વક તેણીએ પોતાની સાથે થયેલી છેડછાડની ફરિયાદ કરી હતી. કિશોરીએ દાખવેલી આ જાગૃતિ અન્ય બાળકીઓ અને કિશોરીઓ માટે એક દાખલા સમાન છે કે ક્યારેય તમારી સાથે અઘટિત થાય તો ગભરાયા વિના ચાઈલ્ડ હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ. સાથે સાથે શક્ય તેટલું જલદી પોતાના પરિવારને જાણ કરવી જોઈએ.
કિશોરીએ પણ પિતા ઘરે આવ્યા એટલે તુરંત જ પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દરમિયાન તેઓ પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ચાઈલ્ડ હેલ્પ લાઈનમાંથી બે મહિલા કર્મચારી પણ ત્યાં પહોંચ્યા હતા. બનાવ અંગે પાંડેસરા પોલીસે શકમંદ આરોપી વિજય બંસલાલ ગૌતમની સામે ફરિયાદ દાખલ કરી હતી.