SURAT

MBBSની થિયરી પરીક્ષામાં 20 માર્ક્સના એમસીક્યૂ માટે ઓએમઆર શીટ સિસ્ટમ લાવો

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) એમબીબીએસની (MBBS) થિયરી પરીક્ષામાં (Exam) 20 માર્ક્સના એમસીક્યૂ (MCQ) માટે ઓએમઆર શીટ (OMR Sheet) આપવામાં આવે તેવી માંગ સેનેટ સભ્ય ડો. વિપુલ ચૌધરી દ્ધારા કરવામાં આવી છે. જે અંગે તેઓએ કુલસચિવ ડો. રમેશદાન ગઢવીને આવેદન આપી રજૂઆત કરી હતી.

ડો.ચૌધરીએ જણાવ્યું હતું કે એમબીબીએસના નવા અભ્યાસક્રમ અનુસાર પહેલા અને બીજા વર્ષની સાથે ત્રીજા વર્ષના પાર્ટ -1 અને 2માં યુનિવર્સિટીની થિયરી પરીક્ષામાં 20 માર્ક્સના એમસીક્યૂ આવતા હોય છે. જે માટે વિદ્યાર્થીઓને ઓએમઆર શીટ આપવામાં આવે તો સચોટ મૂલ્યાંકન થઈ શકે કેમકે ઓએમઆર (ઓપ્ટિકલ માર્ક રેકોગનાઈઝેશન)સીટનું રિડિંગ સ્કેનરથી થતું હોય છે. સાથે સાથે આ સિસ્ટમ અપનાવવાથી પરીક્ષકનો મૂલ્યાંકનનો સમય પણ બચી શકે છે. જ્યારે હાલમાં એમસીક્યૂ માટે બે પાનની પુરવણી આપવામાં આવે છે, આમ એક ઓએમઆર સામે બે પાના બચાવી શકાશે. સાથે સાથે ઓએમઆર શીટમાં ચોક્કસ માહિતીનો સમાવેશ કરવાના સૂચનો પણ તેઓએ કર્યા હતા જેમકે વિદ્યાર્થીનો પરીક્ષા નંબર, ઓએમઆર શીટનો ઉત્તરવહી નંબર અને પરીક્ષાલક્ષી જરૂરી માહિતી તેમાં સામેલ હોવી જોઈએ.

વિદ્યાર્થીની હોલ ટિકિટમાં, ઓએમઆર શીટમાં ઉત્તરવહીનો નંબર લખાવવો અને બ્લોક સુપરવાઇઝરની સહી લેવી. આથી જો આગામી એમબીબીએસની થિયરીની પરીક્ષામાં ઓએમઆર શીટનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી યુનિવર્સિટી અને સ્ટુડન્ટ બંનેને યોગ્ય એજ્યુકેશન સિસ્ટમનો લાભ મળી શકે, સમય પણ બચશે અને સચોટ મૂલ્યાંકન થઈ શકશે.

Most Popular

To Top