Columns

શુધ્ધતા

એક દિવસ રાજાએ દરબારમાં પ્રશ્ન પૂછ્યો, ‘એવી એક કઈ ખાસિયત છે જે જીવનમાં ખૂબ જ જરૂરી છે અને તે જેટલી દરેક ભૌતિક વસ્તુમાં હોવી જરૂરી છે તેટલી જ આધિભૌતિક ચીજોમાં અને એટલી જ મનુષ્યોમાં હોવી જરૂરી છે?’ રાજાનો આવો વિચિત્ર સવાલ સાંભળીને દરબારમાં બધા મૂંઝાયા કે એવી કઈ ખાસિયત હોઈ શકે જે દરેક ચીજમાં હોઈ શકે? મંત્રીજીએ કહ્યું, ‘રાજન, આપનો પ્રશ્ન બહુ અઘરો છે. જલ્દી તેનો જવાબ આપવો શક્ય નથી તેને માટે જ્ઞાની જનોને મળીને જવાબ શોધવો પડશે. મને એક અઠવાડિયાનો સમય આપો. હું ચોક્કસ જવાબ શોધી લાવીશ.’ મંત્રીજી આ પ્રશ્નનો જવાબ શોધવા નગરના અને નગરની આજુબાજુના દરેક જ્ઞાની જનોને મળ્યા પણ કોઈ પાસે જવાબ ન હતો.

મંત્રીજી ચારે બાજુથી નિરાશ થઈને નગરમાં આવી રહ્યા હતા ત્યારે જંગલમાં એક ઝાડ નીચે એક ફ્કીર બાબા મળ્યા.મંત્રીજીના મોઢા પર ચિંતા જોઈ તેમણે પૂછ્યું, ‘કોઈ મુશ્કેલી છે?’ મંત્રીજીએ રજાનો પ્રશ્ન કહ્યો અને ઉમેર્યું કોઈ સાચો જવાબ મળતો નથી.ફકીરબાબા હસ્યા અને બોલ્યા, ‘અરે આનો જવાબ સાવ સહેલો છે. બધીજ સજીવ અને નિર્જીવ કે પછી ભૌતિક અને આધિભૌતિક અને સાથે સાથે માણસો બધામાં જે મહત્ત્વની ખાસિયત હોવી જોઈએ તે છે ‘શુધ્ધતા’…..’ મંત્રીજી આ જવાબ સાંભળી ચકિત થઇ ગયા અને પોતાની સાથે ફકીરબાબાને દરબારમાં લઇ ગયા.રાજાને કહ્યું, ‘રાજન આપના પ્રશ્નનો જવાબ આ ફકીર બાબા આપશે.’

ફ્કીરબાબા ઊભા થયા અને બોલ્યા, ‘રાજન જવાબ છે ‘શુધ્ધતા’….કોઈ પણ નિર્જીવ વસ્તુ…સ્થળ વગેરે સ્વચ્છ હોવાં જરૂરી છે…દરેક વસ્તુ ભૌતિક હોય કે આધિભૌતિક તે શુધ્ધ હોવી જરૂરી છે.જેમ ધન શુધ્ધ હોવું જોઈએ તેમ દરેક લાગણી પણ શુધ્ધ હોવી જોઈએ.જ્ઞાન હોય કે ભક્તિ કે કર્મ તે બધા પણ શુધ્ધ વાત કરીએ મનુષ્યની તો તે તન,મન,ધનથી શુધ્ધ હોવો જોઈએ.’ રાજા જવાબ સાંભળીને ખુશ થઇ ગયા. તેમણે ફકીર બાબાને વંદન કરી કહ્યું, ‘બાબા હવે તમે જ આ શુધ્ધતા મેળવવાનો રસ્તો સમજાવો.’ફ્કીરબાબા બોલ્યા, ‘શુધ્ધતા મેળવવા જરૂરી છે સાફ સફાઈ અને નિર્મળતા…દરેક નિર્જીવ વસ્તુ સાફ રાખવી ..મનુષ્યનું તન શુધ્ધ બને છે સ્નાનથી …ધન શુધ્ધ બને છે દાનથી અને મન શુધ્ધ બને છે ધ્યાનથી …જ્ઞાન શુધ્ધ બનાવવા ચાલાકી છોડવી …ભક્તિ શુધ્ધ બનાવવા મન નિર્મળ રાખવું અને કર્મો શુધ્ધ રાખવા લાલચ, લોભ અને સ્વાર્થથી દૂર રહેવું.’ફ્કીરબાબાએ જીવનમાં શુધ્ધતાનું મહત્ત્વ અને તે કેળવવાના માર્ગ સમજાવ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top